તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
દેશના મંદિરો અસલામત, ચોરી -લુંટ માટે જવાબદારો સામે કડક પગલા ભરો : લોક સંસદ વિચાર મંચ
અયોધ્યા, મથુરા તો અભી ઝાંકી હૈ, દેશ કે સારે મંદિર અભી બાકી હૈ : વિહિપ - બજરંગ દળ કેમ મૌન?

રાજકોટ તા. ૨૦ : લોક સંસદ વિચાર મંચના મોભી અને પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, જયંતીભાઈ હિરપરા, પૂર્વ ફોજી નટુભા ઝાલાની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે કે અયોધ્યા રામ મંદિરમાં ૧૨૫૦ સોના ચાંદી અને હીરા જડીત ઈંટ ગાયબ થઈ ગઈ છે. ૭ કરોડથી લઈને ૨૦૦ કરોડ સુધીના ગોટાળા ની આશંકા છે. ૪૦ થી વધુ દાન પેટીઓના તાળા તૂટયા હોવાની આશંકા, બે કિલો વજનની સોનાની ગદા ગુમ થયાની ચર્ચા ઘટનાને લઈને ભક્તોમાં ચિંતા અને રોષ ફેલાયો છે. ત્યારે આ ચોરીમાં જવાબદારો સામે પગલા ભરવા લોક સંસદ વિચાર મંચે માંગણી ઉઠાવી છે.
મથુરા મંદિરમાં પણ દાનની રકમની લૂંટ ચાલતી હોવાના આક્ષેપ સંતો દ્વારા કરવામાં આવ્યા છે. સમગ્ર દેશના હિન્દુઓના મતોથી ચૂંટાયેલી સરકાર માં હવે ભગવાન પણ સલામત નથી. રામ મંદિરમાં ૧૧ મહિનામાં સુરક્ષા પાછળ ૧૦ કરોડનો ધુમાડો થતો હોય અને છતાં દાન પેટી લૂંટાતી રહે. કરોડોની ઉચાપત ની આશંકા સેવાઈ રહી છે. આ મામલે ટ્રસ્ટીઓ કે પછી જે કોઇ જવાબદાર હોય તેમને જેલ ભેગા કરવા જોઇએ.
લોક સંસદ મંચના આગેવાનોએ જણાવ્યુ છે કે આમા તો ચોકીદાર હી ચોર હૈ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જેના હાથમાં એના મોંમાં, રક્ષક જ ભક્ષક સમગ્ર દેશના હિન્દુઓની લાગણી દુભાણી છે. તેમ છતાં પ્રધાનમંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળે આ અંગે કેમ ભેદી મૌન સેવી લીધું છે? તેવો પ્રશ્ન સૌકોઇને સતાવી રહ્યો છે.
દેશના મંદિરોમાંજ નહીં પરંતુ ગુજરાત રાજયમાં ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન ગુજરાતના મંદિરોમાં ચોરી લુંટ ધાડની કુલ ૫૦૧ ઘટનાઓ નોંધાઇ છે.
આ પ્રકારની ઘટનાઓ રોકવા નક્કર કાર્યવાહી થવી જોઈએ, આ પ્રકારના કાર્યોમાં જેમની છબી ચોખ્ખી હોય તેઓને જ વ્યવસ્થાપક સમિતિમાં લેવા જોઈએ. રાષ્ટ્રહિતમાં કામ કર્યું છે તે પછી કોઈ પણ પક્ષમાં હોય તેવા લોકોને આવા ધાર્મિક સ્થળોની જવાબદારી સોંપવી જોઈએ, દરેકની જવાબદારી ફિક્સ કરવામાં આવે, સારો અને સ્વચ્છ અને પારદર્શક વહીવટ થાય તે માટે કડક અને યોગ્ય પગલા ભરવામાં આવે, આ પ્રકારની ઘટના રોકવા ઉચ્ચ ક્વોલિટીના સીસીટીવી કેમેરા અને ઓડિયો વીડિયો રેર્કોડિંગ હોવા જોઈએ. તમામ સીસીટીવી કેમેરા હંમેશા કાર્યરત રહે તે જોવું જોઈએ. તેમ લોકસંસદ વિચાર મંચ (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬)ના આગેવાનોની યાદીના અંતમાં જણાવાયુ છે.
(2:51 PM IST)










