<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

ટ્રાફિક સિગ્નલો પર લાલ લાઇટમાં પણ રિક્ષા, વાહનો ભગાવનારા સામે પગલા ભરો

નિયમ ભંગને કારણે જેની સાઇડ ખુલી હોય એ વાહનચાલકો ફસાય છે : કોંગી આગેવાન અતુલ રાજાણી અને કાર્યકર યોગેશ માખેચાની રજૂઆત

રાજકોટઃ શહેરમાં મુખ્‍ય માર્ગો પર ઠેકઠેકાણે ચોક આવતાં હોય ત્‍યાં ટ્રાફિક સિગ્નલો છે. અમુક સિગ્નલ જો કે બંધ હોય ત્‍યારે ટ્રાફિક રાબેતા મુજબ ચાલે છે પણ જ્‍યારે આ સિગ્નલ ચાલુ રાખવામાં આવે ત્‍યારે વધુ ટ્રાફિક જામ થઇ જાય છે. આ વખતે બીજા વાહનચાલકો સાઇડ ખુલવાની રાહ જોઇને ઉભા હોય ત્‍યારે અનેક રિક્ષાચાલકો અને બીજા વાહનચાલકો લાલ લાઇટ હોવા છતાં વાહન ભગાવી મુકે છે. આ કારણે અન્‍ય સાઇડ ખુલી હોય તેના વાહનચાલકો નીકળી શકતાં નથી અને ઘણીવાર અકસ્‍માત સર્જાય છે. આવા દ્રશ્‍યો અનેક ટ્રાફિક સિગ્નલો પર જોવા મળતાં હોય છે. જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરી લાલ લાઇટ હોય ત્‍યારે વાહન ઉભા રાખતાં હોય છે તેવા વાહનચાલકોને નિયમ ભંગ કરતાં રિક્ષાચાલકો સહિતના વાહનચાલકોને કારણે હાલાકી ભોગવવી પડે છે. ઘણીવાર આવા વાહનવાળા બંધ સાઇડમાં પોતાના વાહન ઘુસાડે ત્‍યારે જે સાઇડ ખુલી હોય તેના વાહનચાલકો સાઇડ બંધ થઇ જાય ત્‍યાં સુધી નીકળી શકતાં નથી. આ પછી તે આગળ વધે તો ટ્રાફિક નિયમન ભંગના મેમો પણ આવતાં હોય છે. ટ્રાફિક પોલીસ આવા નિયમ ભંગ કરતાં વાહનચાલકો સામે કાર્યવાહી કરે તેવી રજૂઆત કોંગી આગેવાન અતુલ રાજાણી, કાર્યકર્તા યોગેશ માખેચા સહિતે કરી યોગ્‍ય કરવા માંગણી કરી છે. તસ્‍વીરમાં સિગ્નનલની લાલ લાઇટ ચાલુ હોવા છતાં વાહનો ભગાવતા લોકો, રિક્ષાચાલકો જોઇ શકાય છે. 

(3:44 PM IST)