તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ વધુ મજબૂત બની 'ડિપ્રેશન'માં ફેરવાઈ - હવામાન નિષ્ણાંત ગૌરવ રાણીંગા
આગામી ૨૪ કલાકમાં 'ડીપ ડિપ્રેશન' બની ૨૭ જુલાઈના રોજ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળ વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના

રાજકોટ:બંગાળની ખાડીમાં સર્જાયેલી હવામાન સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે. હવામાન નિષ્ણાંત ગૌરવ રાણીંગા મુજબ, બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ ભાગ તથા ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા નજીક રહેલું વેલમાર્ક લો પ્રેશર એરિયા વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાયું છે. આજે ૨૬ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૮:૩૦ વાગ્યે (IST) આ સિસ્ટમ ૨૦.૬° ઉત્તર અક્ષાંશ અને ૮૮.૪° પૂર્વ રેખાંશ નજીક કેન્દ્રિત હતું.
સાગર આઇલેન્ડ અને દીઘા નજીક સિસ્ટમનું કેન્દ્ર:
આ ડિપ્રેશનનું કેન્દ્ર પશ્ચિમ બંગાળના સાગર આઇલેન્ડથી આશરે ૧૩૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, દીઘાથી આશરે ૧૪૦ કિમી દક્ષિણપૂર્વમાં, ઓડિશાના ચાંદબાલીથી આશરે ૧૭૦ કિમી પૂર્વમાં અને બાલાસોરથી આશરે ૧૮૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત હતું.
૨૭ જુલાઈએ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠે લેન્ડફોલની શક્યતા:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ આગામી ૨૪ કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની તેમજ વધુ મજબૂત બનીને 'ડીપ ડિપ્રેશન'માં પરિવર્તિત થવાની ખૂબ જ શક્યતા છે. ત્યારબાદ, ૨૭ જુલાઈ ૨૦૨૬ના પૂર્વાહ્નથી બપોરના સમય દરમિયાન આ સિસ્ટમ પારાદીપ અને સાગર આઇલેન્ડ વચ્ચે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી પ્રબળ સંભાવના છે.
(2:55 PM IST)










