તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
શૂન્યમાંથી સર્જનનો પર્યાય રામભાઈ મોકરીયાની મહેનતને મળ્યો રંગ
‘શ્રી મારૂતિ ટ્રાવેલ્સ એન્ડ કાર્ગો સર્વિસ-કુરિયર'થી ‘શ્રી મારૂતિ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિ.' સુધીની સંઘર્ષ ગાથાઃ ૨૦ થી ૨૫ હજાર લોકોને રોજીરોટી : પોરબંદરના સામાન્ય પરિવારમાંથી આવેલા રામભાઈએ ૧૯૮૫માં દશેરાના દિવસે કંપની શરૂ કર્યા બાદ આજે ૪૦૦૦ થી વધુ બ્રાન્ચ સાથે ૧૨૦૦ કરોડથી વધુ ટનઓવરની કંપનીના સ્થાપક બની ગયાઃ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને બ્રહ્મ સમાજના આગેવાન-ઉદ્યોગપતિની અદભુત કહાની

રાજકોટ, તા.ર૦: ગુજરાતની ધરતીએ શૂન્યમાંથી સર્જન કરનાર અનેક રત્નો પેદા કર્યા છે, તેમાં એક નામ એટલે રાજ્યસભાના પૂર્વ સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ રામભાઈ હરજીભાઈ મોકરીયા. પોરબંદર જિલ્લાના ભાડ ગામમાં ૧ જૂન ૧૯૫૭ ના રોજ ખેડૂત પરિવારમાં જન્મેલા રામભાઈ મોકરીયાએ સંઘર્ષમાંથી સફળતાનો માર્ગ કંડાર્યો છે.
નાનપણમાં આર્થિક ભીંસ વચ્ચે પણ રામભાઈ મોકરીયા તેજસ્વી વિદ્યાર્થી રહ્યા હતા અને B.A., L.L.B. સુધીનો અભ્યાસ કર્યો હતો. ૧૯૭૬ થી ABVP માં જોડાયા, ત્યારબાદ કોલેજમાં GGS, GS, કોટિયાવાલા લો કોલેજના G.S. તરીકે, ૧૯૭૮ થી જનસંઘ અને ૧૯૮૦ થી આજ સુધી સતત ભાજપમાં ૨ વખત ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય ૨૦૦૪ થી ૨૦૧૨ સુધી સેવામાં હતા. સતત ચાર દાયકા સુધી ભાજપના નિષ્ઠાવાન કાર્યકર તરીકે કાઉન્સિલર, સંગઠન મંત્રી, ઉપપ્રમુખની સેવા બાદ ૨૦૨૧ માં રામભાઈ મોકરીયા ગુજરાતમાંથી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા હતા.
રામભાઈની સાચી ઓળખ છે ઉદ્યોગ સાહસિક તરીકે. પોરબંદર ખાતે તા. ૨૨-૧૦-૧૯૮૫ માં દશેરાના દિવસે પોરબંદરની કોલેજના પ્રિન્સિપાલ પી.એમ.જોશી અને બ્રહ્મસમાજના અગ્રણી મધુભાઈ મહેતાના હસ્તે પોરબંદરમાં સાઈકલ પર સર્વિસ આપવા માટે એક નાનકડી ‘શ્રી મારૂતિ ટ્રાવેલ્સ એન્ડ કાર્ગો સર્વિસ-કુરિયર' થી શરૂ કરી હતી. આજે ‘શ્રી મારૂતિ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિ.' સુધીની સંઘર્ષ ગાથા અદભુત છે. જેના માધ્યમથી૨૦ થી ૨૫ હજાર લોકોને રોજીરોટી મળે છે.મારૂતિ કુરિયર આજે વિશ્વ કક્ષાની કંપની બની ગઈ છે.હાલમાં આ કંપનીનું સત્તાવાર નામ ‘શ્રી મારૂતિ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિમિટેડ' છે. જૂનું નામ શ્રી મારૂતિ કુરિયર સર્વિસીસ પ્રા. લિ. હતું. કુરિયરમાંથી પોતાનો વ્યાપ વધારીને હવે કંપની લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઈન, એર કાર્ગો, વેરહાઉસ, ઇ-કોમર્સ ફુલફિલમેન્ટ અને ઇન્ટરનેશનલ કુરિયર સુધી પહોંચી છે.
આજે આ કંપનીના દેશભરમાં ૪૦૦૦ થી વધુ સેન્ટર (બ્રાન્ચ) નેટવર્ક છે અને દર વર્ષે ૧૨૦૦ કરોડથી વધુનું ટર્નઓવર કરે છે. કંપનીનું હેડક્વાર્ટર અમદાવાદના પ્રહલાદનગરમાં અને રજિસ્ટર્ડ ઓફિસ રાજકોટમાં છે. હાલમાં રામભાઈ મોકરીયાના પગલે-પગલે બંને પુત્રો અજયભાઈ મોકરીયા અને મૌલિકભાઈ મોકરીયા ખૂબ જ મહેનતથી કંપનીને આગળ વધારી રહ્યા છે.
એક સમયે પૈસા વગર ભણવું મુશ્કેલ હતું, આજે આજે કંપનીનું ટર્નઓવર ૧૨૦૦ કરોડથી વધુનું છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં પણ ખૂબ જ મોટું નામ રામભાઈ મોકરીયા ધરાવે છે. ૧૯૭૬ થી તેઓ રાજકીય ક્ષેત્રે કાર્યરત છે પરંતુ એક પણ ડાઘ લાગ્યો નથી અને પ્રમાણિકતાથી કાર્ય કરે છે સ્વચ્છ પ્રતિભા ધરાવે છે.
રાજકોટ કોર્પોરેશન દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ૨૦ થી ૨૫ હજાર લોકોને રોજીરોટી આપવા સાથે નોકરીદાતા અને સમાજમાં ઉત્કળષ્ટ યોગદાન આપવા બદલ મુળ પોરબંદરના રામભાઈ મોકરીયાનું મેયર નેહલભાઈ શુક્લ સહિતનાની અધ્યક્ષતામાં ‘ગાંધી એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રામભાઈ મોકરીયા માત્ર ઉદ્યોગપતિ નથી, બ્રહ્મસમાજના આગેવાન તરીકે પણ સમાજના દરેક કાર્યમાં અગ્રેસર રહે છે. સાદું જીવન અને દીર્ઘદ્રષ્ટિ એ તેમની સફળતાનું રહસ્ય છે. શૂન્યમાંથી સર્જન કરીને સાઈકલમાંથી ‘સ્માઈલ' જેવી વૈશ્વિક બ્રાન્ડ બનાવનાર રામભાઈ મોકરીયા આજના યુવાનો માટે પ્રેરણાષાોત છે
(2:23 PM IST)










