<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

શાપર-વેરાવળની અઢી કરોડની લૂંટમાં એમ.પી.ની ગેંગની સંડોવણીની શંકાઃ પોલીસને મહત્‍વની કડી મળી

સીસીટીવી ફુટેજ અને ટેકનીકલ સર્વેલન્‍સ આધારે પોલીસને લૂંટારૂ ટોળકીની ઓળખ મળીઃ ભેદ ઉકેલવાના આરે

રાજકોટ તા. ર૬ :.. શાપર-વેરાવળમાં ગિરાસદાર વૃધ્‍ધને બંધક બનાવી ર.પ૦ કરોડની મતાની લૂંટની પડકારૂપ ઘટનામાં પોલીસને મહત્‍વની કડી મળી છે. આ લૂંટમાં એમ.પી.ની ગેંગની સંડોવણી  હોવાની અને લૂંટારૂઓની ઓળખ મળી જતા ટૂંક સમયમાં જીલ્લાની સૌથી મોટી લૂંટનો ભેદ ઉકેલાય જાય તેવી વકી છે.

મળતી વિગતો મુજબ શાપરમાં રહેતા જીતેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.૭૭) ને બંધક બનાવી અઢી કરોડ રૂપિયાની મતાની લૂંટની પડકારૂપ ઘટનામાં સત્તાવાર રીતે પોલીસ તપાસ ચાલુ હોવાનું કહી રહી છે. પરંતુ સુત્રોના જણાવ્‍યા પ્રમાણે પોલીસને લૂંટારૂઓની ઓળખ મળી ગઇ છે. એમ.પી.ની ગેંગની સંડોવણીની શંકાએ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ર.પ૦ કરોડની આ લૂંટની ઘટનામાં રાજકોટ રેન્‍જના ડીઆઇજી નિર્લીપ્તરાય અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસની ૧૮ જેટલી ટીમોને કામે લગાડવામાં આવી હતી.

લૂંટારૂઓએ પોલીસ પોતાના સુધી ન પહોંચે તે માટે તકેદારી રાખી હોવાથી ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી અને ટેકનિકલ સર્વેલન્‍સના આધારે પોલીસે ભેદ ઉકેલવામાં પરસેવો પાડયો હતો. સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્‍સના આધારે પોલીસને લૂંટારૂ ટોળકીની ઓળખ મળી હતી. અને આ ટોળકી મધ્‍યપ્રદેશની હોવાનું ખુલતા પોલીસે તેનું પગેરૂ દબાવ્‍યું છે.

ગત શુક્રવારે જીતેન્‍દ્રસિંહ રાત્રે ઘરે એકલા હતા ત્‍યારે મોઢા પર બુકાની બાંધેલા પ શખ્‍સોએ ત્રાટકી અઢી કરોડની મતાની લૂંટ ચલાવી હતી. તપાસમાં જાણવા મળ્‍યું કે ૬ લૂંટારૂઓ સંડોવાયેલા હતા. જેઓ પગપાળા જીતેન્‍દ્રસિંહના ઘરે પહોંચ્‍યા હતાં. લૂંટ બાદ શાપરમાંથી જ ૩ બાઇકની ચોરી કરી હતી. જેમાંથી ર બાઇક ઉપર ત્રિપલ સવારીમાં બેસી ભાગી ગયા હતાં.

અમુક જગ્‍યાના સીસીટીવી ફૂટેજમાં લૂંટારૂઓ કેદ થયા હતાં. પોલીસ દિવસ-રાત તપાસમાં લાગેલી રહી હતી. જેના પરિણામ સ્‍વરૂપ આખરે લૂંટારૂ ટોળકીની ઓળખ મળતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

ર.પ૦ કરોડની આ લૂંટમાં પોલીસને આરોપીઓ વિષે મહત્‍વની કડી મળતા ટૂંક સમયમાં ભેદ ઉકેલાય જાય તેવી વકી છે. પોલીસ આરોપીઓ હાથમાં આવ્‍યા બાદ સત્તાવાર વિગતો જાહેર કરનાર છે. 

(11:39 AM IST)