તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
ટ્રકના જુના ટાયરોમાં છુપાવી દારૂની હેરફેરઃ પીસીબીએ તોૈફિકને પકડયોઃ મનિષ ઉર્ફે બાલી, સોહિલ અને સાજીદના નામ ખુલ્યા
કુવાડવા નજીક માલધારી હોટેલ પાસે દરોડોઃ ૩ લાખનો દારૂ મળ્યોઃ હેડકોન્સ. ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, કોન્સ. વિશાલભાઇ દવેની બાતમીથી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયાની ટીમની કાર્યવાહી : બીજા દરોડામાં કિરતસિંહ, વાલજીભાઇની બાતમીથી યાકુબ મોટાણીએ દમણથી કેરબા પાર્સલમાં મોકલેલા ૨.૫૧ લાખના દારૂ સાથે બજરંગવાડીનો નિહાલ બેલીમ

રાજકોટ તા. ૨૩: બૂટલેગરો નવા નવા નુસ્ખાઓનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી કરતાં હોય છે. દરમિયાન પીસીબીની ટીમે બે દરોડામાં સાડા પાંચ લાખનો દારૂ પકડી લીધો હતો. કુવાડવા નજીક માલધારી હોટેલ પાસે ભગવતીપરાના શખ્સને ટ્રક સાથે પકડી લીધો હતો. તે ટ્રકના જુના વ્હીલપ્લેટ સાથેના ટાયરોની અંદર દારૂનો જથ્થો છુપાવીને લાવ્યો હતો. આ દારૂ ભરાવી દેનાર અને મંગાવનારા તરીકે ત્રણના નામ ખુલ્યા હતાં. જ્યારે સામા કાંઠે પ્લાસ્ટીકના કેરબામાં દારૂ છુપાવી પાર્સલથી દમણથી મોકલાયેલા અઢી લાખના દારૂ સાથે બજરંગવાડીના શખ્સને પકડી લેવાયો હતો.
જાણવા મળ્યા મુજબ પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા અને કોન્સ. વિશાલભાઇ દવેને મળેલી બાતમી પરથી ે કુવાડવા હાઇવે માલધારી હોટલ નજીક રોડ પર દરોડો પાડીને એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરાયો હતો. ટ્રકના જુના સ્પેર ટાયરો અને વ્હીલ પ્લેટની વચ્ચે સંતાડીને લાવવામાં આવેલો રૂા. ૩,૦૭,૨૪૮ની કિંમતનો દારૂ ઘુસાડવાનો કારસો પોલીસે નિષ્ફળ બનાવાયો હતો. પોલીસે ટ્રક, મોબાઇલ અને દારૂના જથ્થા સહિત કુલ ૧૩,૧૫,૨૪૮નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે ટ્રક નં. જીજે૧૦એક્સ-૮૬૨૧ને આંતરી લીધો હતો. આ ટ્રકમાં હાજર શખ્સની પુછતાછ કરતાં પોતાનું નામ તોૈફીક દાઉદભાઇ પરમાર (ઉ.વ.૩૩, રહે. ભગવતીપરા આશાબાપીરની દરગાહ પાસે) હોવાનું અને પોતે ડ્રાઇવિંગનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાં દારૂની બાતમી હોઇ તપાસ કરતાં ઠાઠામાંથી જુના વ્હીલપ્લેટ સાથેના ટાયરોનો જથ્થો મળ્યો હતો. વધુ તપાસ કરવા પોલીસે પંચરની દુકાનના કારીગરને બોલાવી આ જુના ટાયરોની વ્હીલ પ્લેટ ખોલાવી તપાસ કરતાં ટાયરોમાંથી ટયુબ-હવાને બદલે દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે રોયલ ચેલેન્જની ૧૮૦ અમએલની ૫૭૬ બોટલ રૂા. ૧,૯૨,૯૬૦, ઓલ્ડ મેક ડીલક્સ રમની ૧૮૦ એમએલની ૮૯૫૬૮ની ૨૮૮ બોટલો અને આઇકોનીક વ્હીસ્કી તથા એઇટ પીએમ વ્હીસ્કીની ૧૮૦ એમએલની ૧૯૨ અને ૧૪૪ બોટલો મળી કુલ રૂા. ૩,૦૭,૨૪૮નો દારૂ કબ્જે કર્યો હતો.
પોલીસ પૂછપરછમાં ડ્રાઇવર તોફીકે કબુલાત કરી હતી કે આ ઇંગ્લિશ દારૂનો જથ્થો તેને રાજકોટના મનીષ ઉર્ફે બાલી તથા સોહીલ ઉર્ફે ભાણોએ ભરાવી આપ્યો હતો અને આ જથ્થો રાજકોટના સાજીદ રાઉમાને પહોંચાડવાનો હતો.
જ્યારે બીજો દરોડો સંત કબીર રોડથી રાજારામ સોસાયટી મેઇન રોડ તરફ ગોકુલ આવાસ યોજના ક્વાર્ટર સામેના રોડ પર પાડવામાં આવ્યો હતો. પીસીબીના કિરતસિંહ ઝાલા, વાલજીભાઇ જાડાની બાતમી પરથી નિહાલ જાકીરભાઇ બેલીમ (ઉ.વ.૨૬-રહે. બજરંગવાડી પુનિતનગર શેરી નં. ૧)ને પકડી લીધો હતો. આ શખ્સ પ્લાસ્ટીકના કેરબા જે પાર્સલ સ્વરૂપે આવ્યા હતાં તેની સાથે ઉભો હતો. કેરબા ખોલીને જોતાં તેમાંથી રૂા. ૨,૫૧,૮૧૪ની કિંમતના ૧૮૦ એમએલના રોયલ ચેલેન્જ, સ્ટર્લિંગ રીઝર્વ બી-સેવન, આઇકોનીક વ્હાઇટના ચપલાઓ તેમજ બબ્બે લીટરની રોયલ ચેલેન્જ, રોયલ સ્ટેગની બોટલો મળી આવતાં આ જથ્થો અને ૪૦ હજારનું ટુવ્હીલર, એક મોબાઇલ મળી રૂા. ૩,૦૭,૮૧૪નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. નિહાલની પુછતાછ થતાં તેણે આ દારૂ હાલ દમણ રહેતાં નામચીન બુટલેગર યાકુબ મુસા મોટાણીએ મોકલ્યાનું ખુલ્યું હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાથી આ બંને કામગીરી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગોસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદિપસિંહ સરવૈયા, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને ડ્રા. હેડકોન્સ. જયેશભાઇ ગઢવીએ કરી હતી.
(3:23 PM IST)










