તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
ગોવામાં વિલા ભાડે રાખી કમાણીની લાલચ દઇ રેલનગરના જીમ ટ્રેનર સુનિલભાઇ સાથે અનુજની ૨૦ લાખની ઠગાઇ
કસરત માટે આવતાં મહિલાના ગોવા રહેતાં ભાઇ અનુજ સાથે બેસણામાં મુલાકાત થઇ હતીઃ અનુજે દર મહિને દસ ટકા વળતરની લાલચ આપી બે કટકે રૂપિયા મેળવી લઇ વીલા ભાડે પણ ન અપાવી અને રૂપિયા પણ પાછા ન દીધાઃ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૧: રોકાણના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોવા ખાતે લક્ઝુરિયસ વિલા ભાડે રાખી તેને દૈનિક ધોરણે અન્ય લોકોને ભાડે આપી મોટો નફો કમાવવાની આકર્ષક લાલચ આપી શહેરના રેલનગરમાં રહેતાં એક જીમ ટ્રેનર યુવાન સાથે ૨૦,૦૬,૦૦૦ની છેતરપીંડી થઇ છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રેલનગર વેકરીયા ચોક દાંડી હનુમાન સામે ઇસ્કોન આશ્રય બ્લોક નં. ૫૧માં રહેતાં અને રાજકોટમાં અલગ અલગ જગ્યાએ જીમ ટ્રેનર તરીકે કામ કરી ગુજરાન ાલતવાં સુનિલ કાળીદાસભાઇ ચાવડા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી નોર્થ ગોવા દેવર્ષી ગ્રીન્સ પોર્વોરીમ ખાતે રહેતાં અનુજ અનીલભાઇ કોકરા વિરૂધ્ધ ૨૦ લાખની ઠગાઇનો ગુેનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર સાતેક વર્ષથી નાના મવા સર્કલ પાસેના સિલ્વર હાઇટ્સ બિલ્ડીંગમાં સુનીલભાઈજીમ ટ્રેનર તરીકે સેવા આપતાં હોઇ આ જીમમાં કસરત કરવા આવતા આરતીબેન અગ્રવાલ સાથે તેમને સારો પરિચય હતો. ગત તારીખ ૨૧/૦૪/૨૦૨૪ના રોજ આરતીબેનના સસરાનું અવસાન થતાં સુનીલભાઈ ત્યાં બેસણામાં ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર આરતીબેનના સગા ભાઈ અનુજભાઈ અનીલભાઈ કોકરા (રહે. નોર્થ ગોવા) સાથે સુનીલભાઈની મુલાકાત થઈ હતી.
મુલાકાત દરમિયાન અનુજ કોકરાએ સુનીલભાઈને જણાવ્યું હતું કે તે ગોવા મુકામે લક્ઝુરિયસ વિલા આખા વર્ષ માટે ભાડે રાખે છે અને ત્યારબાદ તેને પ્રવાસીઓને દૈનિક ધોરણે ઊંચા ભાડાથી આપી મોટો નફો કમાય છે. આ બિઝનેસમાં માસિક આશરે ૧૦ ટકા જેવું મોટું વળતર મળતું હોવાની વાત કરી તેણે સુનીલભાઈને રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા. અનુજે જણાવ્યું કે, ગોવામાં મિનિમમ ત્રણ વિલા ભાડે રાખવા માટે આશરે ૨૦ લાખનું રોકાણ કરવું પડશે, જેના બદલામાં દર મહિનાની ૧ થી ૫ તારીખ સુધીમાં ૧૦ ટકા વળતર સીધું બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને વિલાનું રીતસરનું એગ્રીમેન્ટ પણ કરી આપવામાં આવશે.
પરિચિત મહિલાનો અનુજ ભાઈ હોવાથી સુનીલભાઈએ તેના પર વિશ્વાસ મૂકયો હતો. ત્યારબાદ અનુજ કોકરાની માંગણી મુજબ સુનીલભાઈએ વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૫ દરમિયાન પોતાના પંજાબ નેશનલ બેંક, મહેસાણા બેંક અને એચડીએફસી બેંકના ખાતાઓમાંથી અનુજ કોકરાના કોટક મહિન્દ્રા બેંકના ખાતામાં તેમજ તેના મિત્ર અમન મલીકના નામે મોકલેલા બારકોડ પર અલગ-અલગ તારીખોએ કટકે-કટકે કુલ ૧૨,૫૬,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ સુનીલભાઈએ વિલા જોવા માટે અને એગ્રીમેન્ટ કરવા માટે અનુજનો સંપર્ક કર્યો હતો. આથી જાન્યુઆરી ૨૦૨૫માં સુનીલભાઈ ગોવા ગયા હતા, જ્યાં અનુજ તેમને ‘અનોખા એસ્ટેટ'ની અંદર આવેલા રેડસ્ટોન વિલામાં લઈ ગયો હતો. જ્યાં રીનોવેશનનું કામ ચાલતું હતું. સુનીલભાઈ ત્યાં રોકાયા હતા.
ત્યારબાદ ફરીથી જૂન ૨૦૨૫માં સુનીલભાઈ પોતાના મિત્રો પાર્થભાઈ કોઠારી અને મિલિંદ રાવ સાથે ગોવા ગયા ત્યારે પણ અનુજે તેમને માત્ર એક વિલામાં રોકાણ કરાવી આપ્યું હતુ. પરંતુ ભાડે રાખેલા વિલાના વળતર કે એગ્રીમેન્ટ બાબતે કોઈ ચોક્કસ વિગતો આપી નહોતી અને વાતોમાં ભોળવી રાજકોટ પરત મોકલી દીધા હતા. આ પછી જૂન ૨૦૨૫માં ગોવાથી પરત આવ્યા બાદ અનુજ કોકરાએ સુનીલભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, ૨૦ લાખના રોકાણમાં હજુ ૭,૫૦,૦૦૦ બાકી નીકળે છે. આથી સુનીલભાઈએ પોતાની પાસે પડેલી રોકડ રકમ આપવાની તૈયારી દર્શાવતા અનુજે રાજકોટમાં રહેતા તેના એક મિત્ર સાથે કોન્ફરન્સ કોલ પર વાત કરાવી હતી.
એ વાતચીત મુજબ સુનીલભાઈએ રાજકોટના બજરંગવાડી સર્કલ પાસે અનુજના મિત્રને રૂબરૂ મળીને ૭,૫૦,૦૦૦ રોકડા ચુકવી દીધા હતા. આ રીતે સુનીલભાઈ પાસેથી ઓનલાઈન અને રોકડા મળીને કુલ રૂા.૨૦,૦૬,૦૦૦ મેળવી લીધા બાદ પણ આરોપી અનુજ કોકરાએ ગોવાના વિલા ભાડા અંગેના કોઈ લખાણ કે એગ્રીમેન્ટ કરી આપ્યા નહોતા. તેમજ વળતર પેટે કે મુદ્દલ પેટે એક પણ રૂપિયો આજદિન સુધી પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં સુનીલભાઈ ચાવડાએ આ મામલે પોલીસનો સંપર્ક કર્યો હતો. પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં હેડકોન્સ. એન. ડી. ડોડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(2:53 PM IST)










