News of Wednesday, 24th June 2026
કાર-એક્ટીવા સામ સામે આવી જતાં ખાર રાખી સુનિલ રાતોજા પર ટોળકીનો હુમલો
વચ્ચે પડેલા તેના ભાઇ, પત્નિ, મિત્રની પણ ધોલધપાટઃ મોરબી રોડ ધારા એવન્યુના મંડપ સર્વિસના ધંધાર્થી, ગરબા ક્લાસીસના સંચાલકની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસનો ૮ શખ્સો સામે ગુનો

રાજકોટ તા. ૨૪: મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં ધારા એવન્યુ સોસાયટીમાં રહેતાં મંડપ સર્વિસના ધંધાર્થી યુવાન પર કાર-એકટીવા સામ સામે આવી જવા જેવી વાતે એક્ટીવા ચાલક અને તેની સાથેના સાત શખ્સોએ મળી ઝઘડો કરી તું કેમ તારી શેરીમાં પાવર બતાવે છે? કહી ઢીકાપાટુનો બેફામ માર મારતાં વેપારીને બચાવવા માટ તેના ત્રણ સ્વજનો વચ્ચે પડતાં તેને પણ માર મારતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ધારા એવન્યુ શેરી નં. ૨માં રહેતાં અને મંડપ સર્વિસ ચલાવતાં સુનિલ જયંતિભાઇ રાતોજા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી આઠ અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે. સુનિલ મંડપ સર્વિસની સાથે સાથે ગરબા ક્લાસ પણ ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૨૨ ના રાત્રે નવેક વાગ્યે હું મારી કાર ચલાવી મોરબી રોડ ગીરીરાજ પાર્ટી પ્લોટ ખાતે જતો હતો. ત્યારે અમારી શેરીના ખુણે પહોચતા શેરીમાં એક અજાણ્યા સફેદ કલરના એકટીવા ચાલકે મારી કાર આડું તેનું વાહન ઉભું રાખી દઇ-તને વધારે પાવર લાગે છે બહાર ભેગો થા તને જોઈ લઈશ તેમ કહી જતો રહ્યો હતો.
થોડી વાર બાદ રાત્રીના દશેક વાગ્યે મારા નાના ભાઇનો ફોન આવ્યો હતો કે તને મોરબી રોડ પર અજાણ્યા માણસો ગોતે છે અને અહીંથી તારા નંબર લઈને ગયા છે.ત્યાં થોડી વાર બાદ એક ફોન આવેલો અને મને કહેલું કે હું તારી સાથે ઝગડો થયો હતો તે બોલું છું, પીજીવીસીએલની ઓફીસ પાસે આવી જા મારે તારી સાથે વાત કરવી છે.
તેથી હું મારા નાનાભા, મારા પત્નિ અને મારા મિત્ર અંકિતભાઈ સાથે ડી. કે. સ્કૂલ પાસે પહોંચતાં બે કાળા રંગની સ્કોર્પિયો ગાડી ઉભેલી દેખાઇ હતી. તેમાંથી એક મારી સાથે માથાકુટ કરનાર શખ્સ હતો. તેણે નીચે ઉતરી તું તારી શેરીમાં બહુ પાવર બતાવતો હતો કહી માથાકુટ કરવા માંડયો હતો
બાદમાં સ્કોર્પિયોમાંથી બીજા સાત શખ્સો ઉતર્યા હતાં અને આ બધાએ મને મારકુટ કરી હતી. મને બચાવવા મારો ભાઇ, પત્નિ, મિત્ર વચ્ચે પડતાં તેમને પણ આ બધાએ ઢીકાપાટુ માર્યા હતાં અને આ વખતે તો તને જીવતો જવા દઇએ છીએ, હવે પછી અમારી સામે પાવરથી વાત કરીશ તો મારી નાંખશુ તેવી ધમકી આપી ભાગી ગયા હતાં.
બાદમાં મને દુઃખાવો થતો હોઇ હોસ્પિટલે લઇ ગયા હતાં. તેમ વધુમાં સુનિલે જણાવતાં બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોહાણની રાહબરીમાં હેડકોન્સ. એન. વી. આહિરે ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીએસઆઇ બી. એચ. પરમારે હાથ ધરી છે.
(3:02 PM IST)










