<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

રાજકોટના મટકીફોડ મહોત્સવમાં અચાનક દુર્ઘટનાઃ માનવ પિરામિડનું સંતુલન બગડતાં ગોવિંદા નીચે પટકાયો, સામાન્ય ઇજા સાથે હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ, તા. ૫: જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં આયોજિત મટકીફોડ કાર્યક્રમ દરમિયાન માનવ પિરામિડનું સંતુલન અચાનક બગડતાં એક ગોવિંદો ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. દુર્ઘટનાને પગલે કાર્યક્રમમાં થોડીવાર માટે ખળભળાટ મચી ગયો હતો.

મટકી સુધી પહોંચવા યુવાનો એકબીજાના ખભા ઉપર ચડી માનવ પિરામિડ તૈયાર કરી રહ્યા હતા. ઉપરના થરમાં રહેલા ગોવિંદાનું સંતુલન છટકતાં તે સીધો નીચે પડ્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક તેની મદદ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. તેને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે અને જીવલેણ ઇજા નોંધાઈ નથી. રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત આ પ્રકારનો જાહેર મટકીફોડ કાર્યક્રમ ચોથી સપ્ટેમ્બરે રાત્રે આઠ વાગ્યે યોજાયો હતો. કાર્યક્રમ જોવા મોટી સંખ્યામાં નાગરિકો પહોંચ્યા હતા. દુર્ઘટનાએ ઊંચા માનવ પિરામિડ વખતે સલામતી, તાલીમ અને સુરક્ષાત્મક વ્યવસ્થાના કડક પાલનની જરૂરિયાત ફરી સામે લાવી છે.

 

(11:40 AM IST)