તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
રાજ્યમાં ૧૨થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પ્રબળ શકયતા : કેટલાક વિસ્તારોમાં ‘મેઘતાંડવ'ના એંધાણ
હવામાન વિશ્લેષક નિતેશ વડાવિયાની આગાહી : લો પ્રેશર સિસ્ટમ્સના ટ્રેક આધારિત છૂટાછવાયા વિસ્તારોમાં ૨ થી ૮ ઇંચ કરતાં વધુ વરસાદ પડી શકેઃ ગ્લોબલ મોડેલ્સના સંકેતોથી હવે પોઝિટિવ ફેરફાર તરફ સિસ્ટમ્સ

રાજકોટ : રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ ઉગ્ર બનવાની શકયતા હવામાન વિશ્લેષક નિતેશ વડાવિયા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ ધારણા મુજબ આગામી તા. ૧૨થી તા. ૧૭ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમ્સના ટ્રેકને આધારિત એક નવો અને મજબૂત વરસાદી રાઉન્ડ આવવાની પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે.
હવામાન વિશ્લેષક નિતેશ વડાવિયાના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ્સના ટ્રેક આધારિત વરસાદી રાઉન્ડ દરમિયાન રોજેરોજ રાજ્યના અલગ અલગ છૂટાછવાયા વિસ્તારોમાં ૨ ઇંચથી લઈને ૮ ઇંચ કે તેનાથી પણ વધુ ભારે વરસાદ નોંધાઈ શકે છે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે ‘મેઘતાંડવ' જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
હાલમાં સિસ્ટમ્સનો ચોક્કસ ટ્રેક અને તેની મજબૂતાઈને લઈને અમેરિકન (GFS) અને યુરોપિયન (ECMWF) હવામાન મોડેલ્સ વચ્ચે કેટલોક મતમંતર જોવા મળી રહ્યો છે. જોકે, હવામાન વિશ્લેષક નિતેશ વડાવિયા જણાવે છે કે, હવે પરિસ્થિતિમાં સાનુકૂળ અને પોઝિટિવ ફેરફારો જોવા મળશે.
છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ શરૂ થઈ ચૂકયો છે. જે આગામી દિવસોમાં વધુ વિસ્તારોને આવરી લઈને સતત ચાલુ રહેશે. આ આગામી વરસાદી રાઉન્ડને પગલે રાજ્યના ખેડૂતો અને આમ જનતાને હવામાન સંબંધિત અપડેટ્સ પર નજર રાખવા સલાહ આપવામાં આવી છે.
(11:51 AM IST)










