<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

મનપામાં કરકસરનો કડક અમલઃ ૨૦ ટકાથી ઓછા પ્રગતિવાળા પ્રોજેક્‍ટ પર બ્રેક

૧૦ દિવસમાં તમામ કામોનું રીવ્‍યુ આપોઃ નેહલ શુકલ ૧૦૦ કરોડ રૂપિયા સુધીના કેટલાક મોટા કામો મોકુફ રાખોઃ ૬૦ ટકા પૂર્ણતાની નજીકના કામો પૂર્ણ કરવા ભારઃ પ્રાયોરિટી અને જરૂરિયાત મુજબ જ નવા કામો, જન્‍મ-મરણ સહિતની સેવાઓ ઝડપી બનાવવોઃ નવનિયુકત મેયર સહિતના પદાધિકારીઓની સૂચના

રાજકોટ,તા.૧: મહાનગરપાલિકામાં કરકસર અને સુવ્‍યવસ્‍થિત વહીવટને ધ્‍યાનમાં રાખી મહત્‍વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મેયર નેહલ શુકલ સહિતના પદાધિકારીઓએ વિવિધ વિભાગોના કામોની પ્રગતિ, ખર્ચ નિયંત્રણ અને પ્રાથમિકતા આધારિત વિકાસકાર્યો અંગે કડક સૂચનાઓ આપી હતી. બેઠકમાં સ્‍પષ્ટ કરાયું હતું કે હવે મનપામાં પ્રાયોરિટી અને કરકસરના ધોરણ મુજબ જ કામો હાથ ધરવામાં આવશે અને દરેક વિભાગ માટે નક્કી કરેલી ડેડલાઈન ફરજીયાત રહેશે.

બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે જે પ્રોજેક્‍ટમાં હજુ સુધી ૨૦ ટકા કરતાં ઓછું કામ થયું હોય તેવા તમામ કામોને હાલ માટે હોલ્‍ડ પર મૂકવામાં આવશે. આવા પ્રોજેક્‍ટ અંગે આગામી એક સપ્તાહમાં સંબંધિત વિભાગોએ તેની વાસ્‍તવિક જરૂરિયાત, પ્રાથમિકતા અને ઉપયોગિતા અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. રિપોર્ટના આધારે જ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

સાથે જ, જે પ્રોજેક્‍ટમાં અંદાજે ૬૦ ટકા અથવા તેથી વધુ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય તેવા કામોને પ્રાથમિકતા આપી સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકાયો હતો. બાકીના પ્રોજેક્‍ટનો અલગથી રીવ્‍યુ કરી શહેરની જરૂરિયાત અને નાણાકીય સ્‍થિતિ મુજબ નિર્ણય લેવામાં આવશે. મનપાના અંદાજે ૧૦૦ કરોડ રૂપિયા સુધીના કેટલાક મોટા કામો પર પણ બ્રેક લાગવાની સંભાવના બેઠકમાં વ્‍યક્‍ત કરવામાં આવી હતી.

મેયર નેહલ શુકલએ જણાવ્‍યું હતું કે આગામી ૧૦ દિવસમાં મનપાના તમામ ચાલી રહેલા કામોનું વિગતવાર રીવ્‍યુ કરવામાં આવશે અને કયા કામો ચાલુ રાખવાના, કયા અટકાવવાના અને કયા કામોને પ્રાથમિકતા આપવાની તે અંગે સ્‍પષ્ટતા કરવામાં આવશે. શહેરના વિકાસ માટે ખર્ચમાં કરકસર સાથે ગુણવત્તા અને જરૂરીયાત બંનેને મહત્‍વ આપવામાં આવશે.

બેઠક દરમિયાન એ પણ જણાવાયું હતું કે કમિશનર અને પદાધિકારીઓ સમયાંતરે બદલાતા રહે છે, પરંતુ મનપાના કર્મચારીઓ જ વહીવટી તંત્રના ‘‘હાથ-પગ'' સમાન છે. કર્મચારીઓએ એવી કામગીરી કરવી જોઈએ કે લોકોને સંતોષ મળે અને પ્રજાના આશીર્વાદ પ્રાપ્ત થાય. નાગરિક સેવાઓમાં માનવીય અભિગમ અપનાવવા પર પણ ભાર મૂકાયો હતો.

ખાસ કરીને જન્‍મ-મરણ નોંધણી સંબંધિત તકલીફો દૂર કરવા અને નાગરિકોને ઝડપથી સેવા મળી રહે તે માટે તંત્રને જરૂરી પ્રયાસો કરવા સૂચના આપવામાં આવી હતી. દરેક શાખાને કામ શરૂ કરવાની અને પૂર્ણ કરવાની સ્‍પષ્ટ સમયમર્યાદા નક્કી કરી આપવામાં આવશે અને તે સમયમર્યાદાનું કડક પાલન કરવાનું રહેશે.

શહેરની આધારભૂત સુવિધાઓ અંગે પણ બેઠકમાં ગંભીર ચર્ચા થઈ હતી. મનપા વિસ્‍તારમાં હજુ પણ કેટલાક વિસ્‍તારોમાં મેનહોલ સંબંધિત કામગીરી અધૂરી હોવા અંગે અસંતોષ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો. ખાસ કરીને ૨૫ ટકા જેટલી મેનહોલ કામગીરી બાકી રહે તે સ્‍વીકાર્ય નથી તેવી સ્‍પષ્ટ ટકોર કરી તાત્‍કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

મનપાની આ સમીક્ષા બેઠક બાદ હવે ખર્ચમાં કરકસર, પ્રાથમિકતા આધારિત વિકાસ અને સમયમર્યાદા સાથે કામગીરી પૂર્ણ કરાવવા પર ખાસ ભાર રહેશે તેવી સ્‍પષ્ટ સંકેત મળ્‍યા છે. આગામી દિવસોમાં મનપા દ્વારા તમામ વિભાગોના કામોનું સઘન મોનિટરિંગ કરવામાં આવશે.

(3:27 PM IST)