તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
‘જય જગન્નાથ'ના નાદોથી રાજકોટના માર્ગો ગુંજી ઉઠયા : ભવ્ય શોભાયાત્રા

રાજકોટ : આજે અષાઢી બીજ નિમિતે રાજકોટમાં પણ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી છે. રાજકોટના નાનામૌવા રોડ પર આવેલા કૈલાસધામ આશ્રમ ખાતેથી પૂજ્ય ત્યાગી રામકિશોરદાસજી બાપુ અને મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામકળષ્ણ દાસજીના સાનિધ્યમાં સતત વર્ષે ૧૬મા ભગવાનની નગરચર્યાનું આયોજન થતા આજે વહેલીસ સવારે પૂજા અર્ચના અને પહીંદવિધિ કરી આ નગરયાત્રાને નાનામવા ખાતેના કૈલાસ આશ્રમ ખાતેથી પ્રસ્થાન કરાવાયુ હતુ. પ્રારંભે કરવામાં આવેલ આરતી સમયે રાજકોટના રાજવી શ્રી માંધાતાસિંહજી, સાંસદ પરષોતમભાઇ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયર નેહલ શુકલ, પોલીસ કમિશ્નર શ્રી બ્રીજેશ ઝા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, રાજદીપસિંહ જાડેજા (વાવડીવાળા) ઉપસ્થિત રહ્યા હતા. આરતી બાદ ભગવના જગન્નાથજી, બળભદ્રજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ સાથેના સુશોભિત રથોને પહીંદવિધિ કરાવી પ્રસ્થાન કરાવાયુ હતુ. નાનામૌવા મંદિરથી નીકળીને મોકાજી સર્કલ, કાલાવડ રોડ, કે.કે.વી. ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, પંચનાથ, સોરઠિયાવાડી થઈ સાંજે ૭ વાગ્યે મંદિરે પરત ફરશે. રથયાત્રા દરમિયાન ઠેર-ઠેર સામાજિક સંગઠનો અને વેપારી મંડળો દ્વારા ઠંડા પાણી, શરબત અને પુષ્પવર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. સમગ્ર યાત્રા દરમિયાન ભાવિકજનોને ફણગાવેલા મગ અને ચણાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આ યાત્રા બપોરે શ્રી માંધાતાસિંહજીના પેલેસ ખાતે થોડો સમય વિરામ લેશે. જયાં ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. વિવિધ રાસ મંડળી અને અઘોરી નૃત્ય આ રથયાત્રા માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. તસ્વીરમાં નગરયાત્રાના પ્રારંભે આરતી પૂજન અને પહીંદવિધિ થતી નજરે પડે છે. અન્ય તસ્વીરો આગળ વધી રહેલ રથયાત્રામાં વિશાળ સંખ્યામાં જોડાયેલ ભાવિકો અને વિવિધ સંસ્થા મંડળો દ્વારા થઇ રહેલ હેરત ભર્યા પ્રયોગો નજરે પડે છે. હનુમાનજી અને રીછની વેશભુષામાં જોડાયેલ ભાવિકો પણ નિહાળી શકાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(11:42 AM IST)










