તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
૧૦૩ વર્ષથી અખંડ વહેતી રામકથાની સરવાણીઃ લોહાણાપરાના ઐતિહાસિક રઘુનાથ મંદિરે કાલે અષાઢી બીજે યોજાશે ૧૦૪મો ભવ્ય પાટોત્સવ
સદ્ગુરુ રણછોડદાસજી મહારાજના આશીર્વાદથી શરૂ થયેલી ડિજિટલ રામકથાની અનોખી સફરઃ પાટોત્સવ નિમિત્તે દિવ્ય સત્સંગ, મહાઆરતી, રામાયણ ચોપાઇ અને અનોખા ગૌસેવા સદાવ્રતનું પણ ભવ્ય આયોજન

રાજકોટઃ શહેરના રાજકોટના હૃદયસમાન ગણાતા લોહાણા પરા વિસ્તારમાં આવેલ રજવાડી વખતનું ઐતિહાસિક અને પરમ પવિત્ર શ્રી રઘુનાથ મંદિર આગામી અષાઢી બીજના પાવન પર્વે પોતાના ગૌરવશાળી ઇતિહાસનું વધુ એક સોનેરી પાનું ઉમેરીને ૧૦૪મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે.
આ પરમ પવિત્ર જગ્યાનો ઇતિહાસ ઘણો જ વિશિષ્ટ અને ચમત્કારિક છે, જ્યાં આજથી પૂરા ૧૦૩ વર્ષ પૂર્વે પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજની દિવ્ય આજ્ઞા અને અમૂલ્ય આશીર્વાદથી રામચરિત માનસ (રામાયણ) ના નિત્ય રાત્રિ પાઠનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમાજના કલ્યાણ અને ‘જગ મંગલ હિત' ના પવિત્ય ઉદ્દેશ્ય સાથે વર્ષ ૧૯૨૪માં ‘શ્રી રઘુનાથ મંડળ' ની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં શ્રી મગનલાલ માસ્તર, શ્રી મધુભાઈ સહિતના પરમ રામાયણ પ્રેમીઓએ જોડાઈને આ ભક્તિમય પ્રવાહને જીવંત રાખ્યો હતો. પ્રારંભિક ગાળામાં પરમ ભક્ત શ્રી ગોવર્ધનભાઈ પોબારુએ સતત ૨૭ વર્ષ સુધી અજોડ નિષ્ઠાથી રામકથાનું રસપાન કરાવ્યું હતું, અને ત્યારબાદ વર્ષ ૧૯૬૭માં બિહારના ભયાનક દુષ્કાળ સમયે પૂજ્ય ગુરુદેવના આદેશથી તેઓ માનવ સેવા રાહત પ્રવળત્તિઓમાં જોડાતા, આ દિવ્ય પરંપરાને અવિરત રાખવા માટે તેમના સુપુત્ર શ્રી મનુભાઈ પોબારુને આશીર્વાદ આપી જવાબદારી સોંપવામાં આવી હતી. શ્રી મનુભાઈ પોબારુએ પણ પિતળ ચરણોના પગલે ચાલીને પૂરા ૪૬ વર્ષ સુધી નિરંતર રામકથાની ગંગા વહાવી ધર્મની ધજા ફરકતી રાખી હતી.
આજના આધુનિક યુગમાં પણ આ પરંપરા સહેજ પણ ખંડિત થઈ નથી અને શ્રી મનુભાઈ પોબારુના દેહાવસાન બાદ પણ દરરોજ રાત્રે ૯:૩૦ થી ૧૦:૩૦ દરમિયાન ઓનલાઈન માધ્યમ ‘ગુગલ મીટ' ના માધ્યમથી ભગવાનજીભાઈ નકુમ તથા મંડળના સભ્યો દ્વારા રામકથા અવિરતપણે ચલાવવામાં આવી રહી છે, જેમાં દેશ-વિદેશમાંથી સેંકડો ભક્તો ઓનલાઈન જોડાઈને ધન્યતા અનુભવે છે. ભૂતકાળમાં પ.પૂ. સદ્ગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજ તેમજ પ.પૂ. હરિચરણદાસજી મહારાજે સ્વયં આ જગ્યા પર પધારીને આ ભગીરથ કાર્યને ચાલુ રાખવાના આશીર્વાદ આપ્યા હતા, જેના ફળસ્વરૂપે આજે પણ પોબારુ પરિવાર તન, મન અને ધનથી આ ભક્તિમય ઉપક્રમમાં પોતાનો સવિશેષ સેવા-સહયોગ અર્પણ કરી રહ્યો છે. આ મંદિર માત્ર ભક્તિનું જ કેન્દ્ર નથી, પરંતુ પૂજ્ય ગુરુદેવના પરમ આશીર્વાદથી અહીં ગાયોની રક્ષા અને સેવા માટે ચાર-ચાર ગૌસેવા સદાવ્રત ચલાવવામાં આવે છે અને અવિરતપણે ઘાસચારો પૂરો પાડી જીવદયાનું ઉત્કળષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે.
આ ૧૦૪મા ભવ્ય પાટોત્સવના અનુસંધાને આવતીકાલે ગુરૂવારે રાત્રે ૮ થી ૧૦ કલાકે મંદિરના પ્રાગણમાં એક અલૌકિક સત્સંગ, દિવ્ય મહાઆરતી, રામાયણ ચોપાઇ અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધર્મપ્રેમીજનોને આમંત્રણ અપાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા'ના એકઝીકયુટીવ એડીટર અને ‘અકિલા'ની વેબએડીશનના એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રાને ધર્મઉત્સવનું આમંત્રણ આપતા શ્રી રઘુનાથ મંદિરના સર્વશ્રી અરવિંદભાઇ રાયચુરા, જગદીશભાઇ બાટવીયા મો.૯૪૨૭૪ ૪૩૦૪૨, રવજીભાઇ પરસાણા અને વિનોદભાઇ સાતા નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:29 PM IST)










