News of Saturday, 17th October 2026
‘કોન્ટ્રાક્ટરોને નોટિસનું નાટક બંધ કરો, કાર્યવાહી કેમ નથી કરતા? અધિકારીઓ સામે ભાજપના જ કોર્પોરેટરોનો બળાપો
રૂ.૧૦૪ કરોડનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીને ૧૧ નોટિસ છતાં પગલાંનો હિસાબ નહીં; ‘તમે એજન્સીઓની ઢાલ બનીને લૂલો બચાવ કરો છો, બોર્ડમાં ગળે ઊતરે તેવા જવાબ આપો' કહી રક્ષિત કલોલા, મનીષ ભટ્ટ અને અશ્વિન ભોરણિયાએ જનરલ બોર્ડમાં અધિકારીઓને ઘેર્યા

જનરલ બોર્ડમાં એજન્ડા પ્રથમ, પ્રશ્નો પછી : નેહલ શુકલની વધુ એક નવી પહેલ
રાજકોટઃ મનપાના જનરલ બોર્ડમાં રોડ-પાણી પ્રશ્ને કોર્પોરેટરોએ અધિકારીઓને આડે હાથ લીધા હતા. જોકે મેયર નેહલ શુકલએ ફરી નવી પહેલ કરી છે. સામાન્ય સભાની શરૂઆત પ્રશ્નોની ચર્ચાથી થતી હોય છે જયારે આજે સોૈ પ્રથમ એજન્ડાથી પ્રારંભ થયો હતો. ઉપરોકત તસવીરમાં મેયર અનેસભા અધ્યક્ષ નેહલ શુકલ, ડે. મેયર દક્ષાબેન વસાણી,મ્યુ. કમિશનર તુષાર સુમેરા, સેક્રેટરી એચ.પી. રૂપારેલીયા ગૃહની કાર્યવાહી કરતા દર્શાય છે. જયારે નિચેની તસવીરમાં પ્રદીપ ડવ, હિરેન ખીમાણીયા, ઘનશ્યામભાઇ હેરભા, કિશન ટીલળા, અશ્વિનભાઇ ભોરણીયા, રક્ષીત કલોલા, કેતન પટેલ , સંજયસિંહ રાણા, રસીલાબેન સાકરીયા, કીર્તીબા રાણા, જત્યોત્સનાબેન ટીલાળા, ભારતીબેન પરસાણા, અંજનાબેન મોરઝરીયા સહિતના કોર્પોરેટરો દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૩.૧૨)
રાજકોટ, તા. ૧૭ : આજરોજ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર નેહલ શુકલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં ૪ અરજન્ટ સહિત કુલ ૧૦ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જનરલ બોર્ડમાં સૌપ્રથમ શહેરના છ પ્રતિષ્ઠીત નાગરિકો તથા અકે સંસ્થાનું સન્માન કરવામાં આવ્યું હતું. ચર્ચાની શરૂઆત રોડ રસ્તાના વોર્ડ નં. ૧૧ ના કોપોરેટર રક્ષીત કલોલાના પ્રશ્નથી કરવામાં આવી હતી. જેમાં અધિકારીઓએ પ્રશ્નના જવાબમાં જણાવેલ કે, રસ્તા અંગે સંબંધીત એજન્સીને ૧૧ નોટીસ આપવામાં આવી છે.
આ જવાબ આપતા જ વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર મનીષ ભટ્ટ ઉકળી ઉઠયા હતા અને ફકત નોટીસ આપી સંતોષ ન માનવા તેમજ અધિકારીઓ એજન્સીને શું કામ છાવરે છે તેમ જણાવ્યું હતું.
મહાનગરપાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓનો ખુલ્લેઆમ બચાવ કરી રહ્યા હોવાનો ધગધગતો આક્ષેપ સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરોએ કરતાં જનરલ બોર્ડમાં ખળભળાટ મચી ગયો હતો. રોડ-રસ્તા અને પાણીની પાઇપલાઇનનાં કામોમાં ઢીલ દાખવનારી એજન્સીઓને વારંવાર નોટિસ આપ્યા પછી પણ નક્કર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે મુદ્દે કોર્પોરેટરોએ અધિકારીઓને ઘેર્યા હતા.
રક્ષિત કલોલા, મનીષ ભટ્ટ અને અશ્વિન ભોરણિયાએ અધિકારીઓના જવાબો સામે આકરી નારાજગી વ્યક્ત કરી હતી. એક તબક્કે મામલો એટલો ગરમાયો હતો કે જવાબ આપવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ખુદ કમાન સંભાળવી પડી હતી.
વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર રક્ષિત કલોલાએ રોડ-રસ્તા અને પાણીની પાઇપલાઇનનાં કામ માટે માન્ય કોન્ટ્રાક્ટરો અંગે જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછયો હતો. તેના જવાબમાં સિટી એન્જિનિયરે જણાવ્યું હતું કે ઝોનલ રસ્તા, ડામર, મેટલિંગ અને સીસી રોડનાં કામ માટે મનપા પાસે કુલ ૩૩ કોન્ટ્રાક્ટરો છે.
આ કોન્ટ્રાક્ટરો પૈકી રૂ.૧૦૪ કરોડનો કોન્ટ્રાક્ટ ધરાવતી ક્લાસિક કન્સ્ટ્રક્શનને જુદાં-જુદાં કારણોસર ૧૧ વખત નોટિસ આપવામાં આવી છે, જ્યારે જે.કે. કન્સ્ટ્રક્શનને એક વખત નોટિસ ફટકારવામાં આવી છે. પાણીની પાઇપલાઇનનાં કામ માટે કુલ ૨૬ કોન્ટ્રાક્ટરો છે. તેમાંથી હાઇબોન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આઠ વખત અને બેકબોન એન્ટરપ્રાઇઝને ચાર વખત નોટિસ આપવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
૧૧ નોટિસ પછી પણ માત્ર કાગળિયાં? કાર્યવાહીનો જવાબ આપતાં અધિકારીઓ થોથવાયા
કોન્ટ્રાક્ટરોને નોટિસ આપ્યા બાદ તેમની સામે ખરેખર કયાં પગલાં લેવામાં આવ્યાં તેવો સીધો પ્રશ્ન કરવામાં આવતાં અધિકારીઓ સ્પષ્ટ જવાબ આપી શકયા નહોતા. બ્લેકલિસ્ટ કરાયેલા કોન્ટ્રાક્ટરોને ફરી કામ આપવામાં આવે છે કે કેમ તેવી પૂરક માહિતી માગવામાં આવી ત્યારે પણ અધિકારીઓ પાસે વિગતો ઉપલબ્ધ નહોતી.
રક્ષિત કલોલાએ સવાલ ઉઠાવ્યો હતો કે, એક જ કોન્ટ્રાક્ટરને ૧૧ વખત નોટિસ આપવાની જરૂર પડી હોય તો તેની સામે નક્કર કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરવી જોઈએ.
‘ખાતમુહૂર્ત થઈ જાય છે, કામ મહિનાઓ સુધી શરૂ થતું નથી'
વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર અશ્વિન ભોરણિયાએ અધિકારીઓને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવો યોગ્ય નથી. અનેક કામોનાં ખાતમુહૂર્ત થયા પછી મહિનાઓ સુધી કામગીરી શરૂ થતી નથી. કામ ન થતાં પ્રજાના રોષનો સામનો કોર્પોરેટરોને કરવો પડે છે, પરંતુ જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી.
‘લૂલો બચાવ રહેવા દો, તમારા જવાબ કોઈના ગળે ઊતરતા નથી'
વોર્ડ નં.૮ના કોર્પોરેટર મનીષ ભટ્ટે અધિકારીઓ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘તમે બોર્ડમાં જે જવાબ આપો છો તે મેયર કે કોઈ પણ કોર્પોરેટરના ગળે ઊતરે તેવા નથી. અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓને બચાવી રહ્યા છે. કોઈ એજન્સીને ૧૧ વખત નોટિસ આપવાની નોબત કેમ આવી હશે તેનો વિચાર કરો. એજન્સીઓનો લૂલો બચાવ કરવાનું બંધ કરો.'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ નં.૮માં ડીઆઇ પાઇપલાઇનનું કામ મંજૂર થઈ ચૂકયું હોવા છતાં હજુ સુધી શરૂ થયું નથી. દરેક વિકાસકામની પ્રગતિનું નિયમિત મૂલ્યાંકન થઈ શકે તે માટે ટેન્ડરની શરતોમાં નિયત સમયમર્યાદાએ કોંગ્રેસ રિપોર્ટ રજૂ કરવાની જોગવાઈ ફરજિયાત કરવી જોઈએ.
(3:58 PM IST)










