News of Monday, 21st September 2026
સ્ટેટ મોનીટરીંગ સેલે બામણબોર પાસે ૬૦૦ પેટી દારૂ-બીયર ઝડપી લીધો
ચંદીગઢથી મોકલાયો હતોઃ રાજકોટના બૂટલેગર સુધી પહોંચે એ પહેલા જપ્ત

રાજસ્થાની ટ્રકચાલક દિલીપસિંહ રાવતની ધરપકડઃ ૭ આરોપી વોન્ટેડઃ રાજસ્થાનના જીતેન્દ્રસિંહ, ટ્રકના માલિક, સુરેશ, ચંદીગઢ ખાતે રહેતો જીતેન્દ્રસિંહનો માણસ, થાર ગાડી લઇ દારૂ ભરવા આવેલા બે શખ્સ, બીલ્ટી આપનાર બે માણસો તેમજ બાઇકવાળો અને રાજકોટ ખાતે દારૂ મંગાવનારાની શોધખોળઃ પીઆઇ પી. બી. જેબલીયા અને ટીમનો દરોડોઃ પેઇન રીલીફ ટયુબના ખાલી બોક્સ પાછળ દારૂ-બીયર છુપાવાયો હતો
રાજકોટ તા. ૨૧: અમદાવાદ-રાજકોટ હાઇવે પર બામણબોર ગામ નજીક આવેલ રાધે-કળષ્ણ હોટલ પાસે જાહેર રોડ પર સ્ટેટ મોનીટરીંગ સેલ-એસએમસીની ટીમે દરોડો પાડી રૂા.૮૬,૬૩,૭૧૨ની કિંમતની દારૂ તથા બીયરની આશરે ૬૦૪ પેટીઓ (કુલ ૨૧,૭૭૨ બોટલ) કબ્જે કરી ટ્રક સાથે રાજસ્થાની શખ્સને પકડી લીધો છે.
એસએમસીની ટીમે દારૂ-બીયર, ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા. ૧,૧૦,૯૧,૦૧૨નો મુદ્દામાલ કબ્જે કરી આ અંગે રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.
આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી એક આરોપી સોનીયાણા ગામ (બ્યાવર, રાજસ્થાન)ના રહેવાસી દિલીપસિંહ સુખદેવસિંહ રાવતની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૭ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વોન્ટેડ આરોપીઓમાં ઠીકરવાસ (કાલણ, તા. ભીંમ, જી. રાજસમંદ, રાજસ્થાન)ના જિતેન્દ્રસિંહ શ્રવણસિંહ, સુરેશ (મો.નં. ૯૯૨૯૨૩૬૭૬૦), ટ્રક નંબર આરજે૦૬જીડી-૩૭૨૩ ના માલીક, ચંદીગઢ ખાતે રહેતા જિતેન્દ્રસિંહના અજાણ્યા માણસ, થાર ગાડી લઈને દારૂ ભરવા માટે આવેલ બે અજાણ્યા માણસો, ટ્રાન્સપોર્ટની બીલ્ટી લઈને સ્પ્લેન્ડર બાઈક પર આવેલ અજાણ્યો માણસ તથા રાજકોટ ખાતે આ દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સનો સમાવેશ થાય છે.
એસએમસી દ્વારા પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરીને તમામ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી જી.એસ.મલિક દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ-જુગારની પ્રવળત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચનાના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આ મોટી સફળતા મેળવી છે. એસએસસીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી. બી. જેબલીયાના માર્ગદર્શન હેઠળ ટીમે આ દરોડો પાડયો હતો
(4:28 PM IST)










