News of Tuesday, 22nd September 2026
સ્ટેટ લેવલની બેડમિન્ટન ટુર્નામેન્ટનો આવતીકાલથી રાજકોટમાં પ્રારંભ
બાળકો ભાગ લેશે, કુલ રૂા. ૧.૮૧ લાખના ઇનામો : મેયર ડૉ. નેહલ શુકલના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ

રાજકોટ : ભારતમાં અને આખા વિશ્વમાં બેડમિન્ટનની રમત લોકપ્રિય થઇ રહી છે, ત્યારે ગુજરાતમાંથી અને રાજકોટમાંથી પણ બેડમિંટનના અવ્વલ દરજ્જાના ખેલાડીઓને તૈયાર કરવાના હેતુથી રાજકોટ ડિસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસિએશન અને રાજકોટ મહાનગરપાલિકાએ ૧૧ વર્ષથી નાના અને ૧૩ વર્ષથી નાના એમ બે વયજૂથના બાળકો માટેની બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. યોનેક્સ-સનરાઈઝ સ્વર્ગીય ઠાકોર સાહેબ શ્રી ઘનશ્યામસિંહજી ઓફ કોઠારીયા મેમોરિયલ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિઓનશિપ્સ, ૨૦૨૬ નામની આ ટુર્નામેન્ટનું વિધિવત ઉદ્ધાટન રાજકોટના સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા અને રાજકોટના મેયર ડો. નેહલ શુક્લના હસ્તે બુધવારે થશે.
ગુજરાત બેડમિન્ટન એસોસીએશનના નેજા હેઠળ યોજાઈ રહેલ આ ટુર્નામેન્ટ મવડી વિસ્તારમાં નવનિર્મિત શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે ૨૩ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ બેડમિન્ટન ટુર્નામેન્ટથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ એક રીતે ખરા અર્થમાં ઉદઘાટન થશે.
એક અખબારી યાદીમાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસીએશનના માનદ મંત્રી ભૂષણ પંડ્યાએ જણાવ્યું, ‘બેડમિન્ટનની રમતની લોકપ્રિયતા ખૂબ જ વધી રહી છે. ખાસ કરીને બાળકો અને તરુણોમાં આ રમતનો ક્રેઝ વધી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં ૨૦૦થી વધારે છોકરા-છોકરીઓએ ભાગ લેવા માટે પોતાના નામ નોંધાવ્યા છે, તે સંકેત આપે છે કે આ રમત માટે બાળકોમાં કેટલો ઉત્સાહ છે. આ ઉત્સાહને પોષવા માટે ગુજરાત બેડમિન્ટન એસોશિએશન અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોશિએશન વિવિધ ટુર્નામેન્ટ્સનું નિરંતર આયોજન કરતુ રહે છે. આ જ ક્રમમાં અંડર-૧૧ અને અંડર-૧૩ વય જૂથના કુમાર અને કન્યાઓ માટેની આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ગત વર્ષે પણ રાજકોટ બેડમિન્ટન એસોસિએશને અંડર-૧૯ કિશોર-કિશોરીઓ માટે, અને ઓપન કેટેગરીની ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું અને તેમાં ગુજરાતના ટોપ પ્લેયર્સ રમ્યા હતા.'
ભૂષણ પંડ્યાએ આ ટુર્નામેન્ટમાં સહભાગી થવા માટે રાજકોટ મહાનગર પાલિકાએ લીધેલ નિર્ણયને આવકારી અને ડૉ. નેહલ શુક્લ અને રાજકોટ મહાનગરપાલિકાનો આભાર માન્યો હોવાનું યાદીમાં જણાવાયું છે. બુધવારે સવારે ૧૧:૩૦ વાગ્યે યોજાનાર ઉદ્ધાટન સમારંભમાં ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય ડૉ. દર્શિતાબહેન શાહ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઇ પીપળીયા, સત્તાપક્ષના નેતા હિરેન ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષ ભટ્ટ પણ હાજર રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડશે.
આ ટુર્નામેન્ટમાં બંને વયજૂથમાં સ્પર્ધકો બોય્ઝ સિંગલ્સ, ગર્લ્સ સિંગલ્સ, બોય્ઝ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સ એમ કુલ આઠ ટાઇટલ જીતવા માટે હરીફાઈ કરશે. વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ ઉપરાંત કુલ રૂપિયા ૧.૮૧ લાખના ઇનામો અપાશે.
આ ટુર્નામેન્ટ નિહાળવા રાજકોટ ડિસ્ટ્રીકટ બેડમિન્ટન એસોએશન દ્વારા આમંત્રણ અપાયું છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચો ૨૭ સપ્ટેમ્બર, રવિવારના રોજ યોજાશે તેમ યાદીના અંતમાં જણાવાયું છે.
(2:57 PM IST)










