News of Saturday, 24th October 2026
રાજકોટ એઈમ્સ ખાતે રૂા.૬.૭૫ કરોડના ખર્ચે બનનારા અદ્યતન એસ.ટી. બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત
એઈમ્સ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી સારવાર અર્થે આવતા દર્દીઓ, સગા-સંબંધીઓ, સ્ટાફ માટે નવીન બસ સ્ટેશન : મહિલાઓ માટે અલાયદો રેસ્ટરૂમ અને બેબી ફીડિંગ રૂમની વિશેષ વ્યવસ્થા

રાજકોટ, તા,.૨૪ : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજકોટના પરાપીપળીયા સ્થિત એઈમ્સ (AIIMS) હોસ્પિટલ પરિસર નજીક રૂ. ૬૭૪.૭૭ લાખ (અંદાજે રૂ. ૬.૭૫ કરોડ)ના ખર્ચે નિર્માણ પામનારા અત્યાધુનિક નવીન આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા એસ.ટી. બસ સ્ટેશનનું વિધિવત્ ખાતમુહૂર્ત ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહના હસ્તે સંપન્ન થયું હતું.
રાજ્ય સરકાર દ્વારા નિગમને ફાળવવામાં આવેલ ખાસ ગ્રાન્ટ-સહાય અંતર્ગત ૫,૦૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં આ નવીન બસ સ્ટેશન આકાર લેશે, જેમાં ૧૧૮૯.૦૯ ચોરસ મીટર ક્ષેત્રફળમાં અદ્યતન બાંધકામ કરવામાં આવશે.
રાજકોટ એઈમ્સમાં સૌરાષ્ટ્રભરમાંથી સારવાર અર્થે આવતા હજારો દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ, મુલાકાતીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફને પરિવહન માટે આ નવું બસ સ્ટેશન ખૂબ ઉપયોગી સાબિત થશે.
આ બસ સ્ટેશન ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોર (G+1) ના માળખામાં તૈયાર કરવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ૫ બસ પ્લેટફોર્મ, મુસાફરોની સુવિધા માટે વેઇટિંગ હોલ અને વી.આઈ.પી. વેઇટિંગ લોન્જ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, વિદ્યાર્થી તથા મુસાફરો માટે પાસ રૂમ તથા પાર્સલ રૂમ તૈયાર કરાશે.
વધુમાં, કેન્ટીન, આર.ઓ. વોટર રૂમ તેમજ મહિલા મુસાફરો માટે ખાસ લેડીઝ રેસ્ટરૂમ સાથે બેબી ફીડિંગ રૂમ અને સંલગ્ન શૌચાલયની અલાયદી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાશે.
આ ઉપરાંત, ૪,૦૦૦ ચોરસ મીટર સકર્યુલેશન વિસ્તારમાં ટકાઉ સી.સી. ટ્રી-મિક્સ ફ્લોરિંગ કરવામાં આવશે. દિવ્યાંગ મુસાફરોની વિશેષ કાળજી રાખી સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત સ્લોપિંગ રેમ્પ, વ્હીલચેર, ટેક્ટાઇલ ટાઇલ્સ, બ્રેઇલ લિપિ સાઇનેજીસ, ગ્રેબ બાર તેમજ ખાસ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ગામના સરપંચ વિક્રમભાઈ હુંબલ, એઈમ્સ ડેપ્યુટી ડાયરેક્ટર અંકુર પ્રતાપ સિંહ, એસ.ટી. વિભાગીય નિયામક એમ.પી. રાજ સહિતના અધિકારીઓ તેમજ અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(3:08 PM IST)










