<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

રાજકોટમાં SSRDઅને GRTની બેચ શરૃ કરો

જૂનિયર બાર એસોનું કલેકટરને આવેદનઃ ૧૨ જીલ્લાના હજારો ખેડૂતો- પક્ષકારોને ફાયદો થશે.. રાજકોટ કલેકટર કચેરીમાં જગ્યા પણ છેઃ મુખ્યમંત્રી-મહેસૂલમંત્રીને નકલ પાઠવાઇ..

રાજકોટ, તા.૨૮: જૂનિયર બાર એસો અને મુખ્યમંત્રી-મહેસૂલમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી સોૈરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પક્ષકારોના હિતમાં રાજકોટ શહેર ખાતે ખાસ સચિવ મહેસૂલ વિભાગ (SSRD)અને ગુજરાત મહેસૂલ પંચ (ેGRT)ની બેંચ શરુ કરવા માંગણી કરી હતી.

સંગઠને જણાવ્યું છે કે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય માટે ખાસ સચિવ મહેસૂલ વિભાગની મુખ્ય અદાલત અને કચેરી સોલા, અમદાવાદ ખાતે કાર્યરત છે. જિલ્લા કલેકટરના જમીન મહેસૂલ સંબંધી આદેશો સામેની રિવિઝન અને અપીલ અરજીઓની સુનાવણી માત્ર અમદાવાદ ખાતે જ થાય છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જિલ્લાઓ જેવા કે રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છના છેવાડાના ગામડાઓમાંથી પક્ષકારો તથા વકીલોને માત્ર એક મુદત અથવા સુનાવણી માટે લાંબુ અંતર કાપીને અમદાવાદ ધક્કા ખાવા પડે છે. આના લીધે પક્ષકારોને ભારે આર્થિક નુકસાન અને સમયનો વ્યય થાય છે.

જુનિયર બાર એસોસિએશને વધુમાં જણાવ્યું છે કે રાજકોટ  સૌરાષ્ટ્ર અને કચ્છનું કેન્દ્રબિંદુ છે. વળી, રાજકોટ અદ્યતન સુવિધાઓ ધરાવતું શહેર છે. તેમજ કલેકટર કચેરી સંકુલ ઉપલબ્ધ છે. જો રાજકોટ ખાતે કાયમી ધોરણે એક કોર્ટ બેન્ચ ફાળવવામાં આવે, તો અંદાજે ૧૨થી વધુ જિલ્લાના હજારો ખેડૂતો અને પક્ષકારોને ઘરઆંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળી રહેશે.

જુનિયર બાર એસોસિએશન રાજકોટ દ્વારા આ માંગને વેગ આપવા માટે રાજકોટ કલેકટર  સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

(3:48 PM IST)