<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

એસ.ટી. બસ ચાલક ‘ફુલ ટાંકી' કરીને નિકળ્‍યો પણ બસ પોર્ટમાં જ ‘બ્રેક' લાગી ગઇ!

સલામત સવારી?: એસ.ટી. બસ ચાલક નશામાં મુસાફરો રામભરોસે! રાજકોટ-ભાવનગર રૂટની બસના ચાલક પાલીતાણાના બેડલી ગામના યુવરાજસિંહ દારૂ પીધેલી હાલતમાં મળતા એ-ડીવીઝન પોલીસમાં ગુનો

રાજકોટ તા. ર૮: રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં એસ.ટી. બસની ચેકીંગ ડ્રાઇવમાં રાજકોટ-ભાવનગર રૂટની બસના ચાલક દારૂ પીધેલી હાલતમાં મળી આવતા એ-ડીવીઝન પોલીસે પાલીતાણાના બેડલી ગામના બસ ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ મામલે એસ.ટી. ડેપોનાં આસી. ટ્રાફીક ઇન્‍સપેકટર નીમેષભાઇ લીંબાસીયા (ઉ.વ. ૩ર, રહે. ન્‍યુ રાજદીપ સોસાયટી, મવડી ચોકડી) એ બસ ચાલક યુવરાજસિંહ સહદેવસિંહ ગોહીલ (ઉ.વ. ર૯, રહે. બેડલી ગામ, તા. પાલીતાણા) સામે એ-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું કે, આજે સવારે પ-૩૦ થી ૮ વાગ્‍યા સુધી એસ.ટી. બસના ડ્રાઇવરો દારૂ પીધેલી હાલતમાં છે કે નહીં? તે અંગેની ચેકીંગ ડ્રાઇવ હોવાથી તે ડેપો મેનેજર નરેશભાઇ ઠુંમર, હેલ્‍પર ઉદયભાઇ જોષી સહિતનો સ્‍ટાફ એસ.ટી. બસપોર્ટમાં બસ ચાલકોને ચેક કરતા હતા ત્‍યારે સાડા સાતેક વાગ્‍યા આસપાસ રાજકોટ-ભાવનગર રૂટના બસ ચાલક નશો કરેલી હાલતમાં જણાતા બ્રીથ એનેલાઇજરથી ચેક કરતા બસ ચાલક યુવરાજસિંહ ગોહીલ (ઉ.વ. ર૯) દારૂન પીધેલી હાલતમાં હોવાનું ખુલ્‍યું હતું. જેથી તેને પોલીસને સોંપતા એ-ડીવીઝન પોલીસના હેડ કોન્‍સ. કે. આર. જોળીયા એ બસ ચાલક સામે પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

(4:27 PM IST)