તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
ચોમાસાની ખાસ વાનગી: આયુર્વેદિક ગુણોથી ભરપૂર સ્વાદિષ્ટ કંકોડાનું શાક બનાવો આ સરળ રીતથી; સ્વાસ્થ્ય માટે પણ છે બેસ્ટ ઓપ્શન
ઓછા મસાલા અને ધીમા તાપે બનેલું કંકોડાનું શાક રોટલી, ભાખરી અને ગરમાગરમ પરાઠા સાથે ભોજનનો સ્વાદ બમણો કરી દેશે

રાજકોટ, તા.૦૭: ચોમાસાની સિઝન આવતા જ બજારમાં લીલાછમ અને તાજા કંકોડા (કંટોલા) વિપુલ પ્રમાણમાં મળવા લાગે છે. પોષક તત્વો અને આયુર્વેદિક ગુણોથી ભરપૂર કંકોડાનું શાક સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જો તમે પણ રોજિંદા શાકભાજીથી કંટાળી ગયા હોવ અને ભોજનમાં કંઈક નવો અને પરંપરાગત સ્વાદ ઉમેરવા માંગતા હોવ, તો ઘરમાં ઉપલબ્ધ સાદા મસાલાઓ વડે ખૂબ જ સરળતાથી કંકોડાનું ડ્રાય શાક બનાવી શકાય છે.
આ શાક બનાવવા માટે સૌપ્રથમ ૫૦૦ ગ્રામ તાજા કંકોડાને પાણીથી બરાબર ધોઈને સાફ કરી તેના એકસરખા પાતળા ટુકડા કરી લેવા. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગનો વઘાર કરવો. ત્યારબાદ કાપેલા કંકોડા ઉમેરી હળદર અને મીઠું નાખીને મધ્યમ આંચ પર સાંતળવા. કંકોડા થોડા નરમ પડે એટલે તેમાં લાલ મરચું પાઉડર અને ધાણા-જીરું પાઉડર ઉમેરી ઢાંકીને ૮ થી ૧૦ મિનિટ ધીમા તાપે ચડવા દેવા. શાક બરાબર ચડી જાય એટલે છેલ્લે ગરમ મસાલો અને લીલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દેવો.
કંકોડાનું શાક બનાવતી વખતે ધ્યાનમાં રાખવું કે તેમાં પાણીનો બિલકુલ ઉપયોગ કરવો નહીં. ધીમા તાપે વરાળમાં રાંધવાથી કંકોડાનો ન્યુટ્રિશનલ વેલ્યુ જળવાઈ રહે છે અને શાક એકદમ ક્રિસ્પી તથા ટેસ્ટી બને છે. આ શાકને ગરમાગરમ રોટલી, પરાઠા કે દાળ-ભાત સાથે પીરસી શકાય છે. ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ શાક પોતાના રોજિંદા આહારમાં ચોક્કસ સામેલ કરવું જોઈએ.
(3:53 PM IST)










