તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
સામાજીક-શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા બદલ ડો.રમાબેન દિનુભાઇ દેવાણીનું વિશેષ સન્માન
રાષ્ટ્રીય એકતા દિવસે ગુજરાત સરકાર દ્વારા કેશોદ ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા તથા જૂનાગઢ જીલ્લાના પ્રથમ મહિલા પી.એચ.ડી. ડો.રમાબેન દેવાણીની નારી સન્માન અને કન્યા કેળવણીની સેવાને બિરદાવાઇ

રાજકોટ, તા.૭: ગુજરાતના પનોતા પુત્ર અને લોખંડી પુરૂષ સ્વ. સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૧મી જન્મજયંતિ (રાષ્ટ્રીય એકતા દિવસ) નિમિતે ગુજરાત સરકાર દ્વારા રાજયના વિવિધ તાલુકા, નરગપાલિકા તથા મહાનગરપાલિકા વિસ્તારમાં સામાજીક, શેૈક્ષણિક, પ્રાકૃતિક ખેતી, સહકાર સહિતના ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર નાગરિકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કેશોદ ખાતે સામાજીક-શેૈક્ષણિક ક્ષેત્રે વર્ષોથી ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરવા બદલ ડો. રમાબેન દિનુભાઇ દેવાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. વિવિધ ક્ષેત્રે અગ્રેસર કુલ પાંચ સેવાભાવીઓના સન્માન કેશોદ તાલુકા વહીવટી તંત્ર તથા કેશોદ નગરપાલિકાના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યા હતા, જેમાં એક મહિલા તરીકે ડો.રમાબેન દીનુભાઇ દેવાણી એકમાત્ર હતા.
સન્માન સમારંભ દરમ્યાન કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઇ માલમ, જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઇ મકવાણા, કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ પ્રતીક્ષાબેન દેવળીયા, માજી ધારાસભ્યો શ્રી અરવિંદભાઇ લાડાણી તથા શ્રીમતિ વંદનાબેન મકવાણા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફીસર શ્રી ભાવિનભાઇ કાંધાણી, ઓફીસ સુપ્રીન્ટેન્ડેન્ટ શ્રી પ્રવિણભાઇ વિઠ્ઠલાણી સહિતના મહાનુભાવો વિશાળ સંખ્યામાં હાજર રહયા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે ડો. રમાબેન દેવાણીએ ૧૯૯૪ માં પીએચડીની ડોકટરેટ ડીગ્રી હાંસલ કરી હતી. જે સમયે કદાચ તેઓ જુનાગઢ જીલ્લાના પ્રથમ મહિલા પીએચડી ધારક બન્યા હતા. ઉપરાંત તેઓને વર્ષ ર૦૦૦ માં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. તેઓએ સરકારી ગર્લ્સ હાઇસ્કુલ, કેશોદમાં બે વર્ષ ઇન્ચાર્જ પ્રિન્સીપાલ તરીકે પણ સફળતાપુર્વક ફરજ બજાવી હતી.
ડો. રમાબેન દેવાણી લોહાણા મહિલા મંડળના સ્થાપક પ્રમુખ, સર્વજ્ઞાતિ માટેની સંસ્થાસ્ત્રી નિકેતનના ચેરમેન તરીકે તથા જરૂરીયાતમંદોને કપડા વિતરણ, સરકારી દવાખાનામાં પ્રસુતા બહેનોને જરૂરી મદદ, સિનીયર સીટીઝન લેડીઝ કલબના સ્થાપક, ન્યાયલયમાં લોક અદાલતમાં મધ્યસ્થી તરીકે, નિઃશુલ્ક યોગ શિબિર સંયોજક સહિતની નારી સન્માન અને કન્યા કેળવણીની સેવાઓ સાથે અંદાજે બે દાયકાથી પણ વધુ સમયથી સક્રિય રીતે જોડાયેલ છે.
(1:52 PM IST)










