<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

જિલ્લા પંચાયતમાં સંભવત ૮ જુને ખાસ સામાન્‍ય સભાઃ વિવિધ સમિતિઓ રચી કામને ગતિ અપાશે

નવુ કરી બતાવવાનો નવા પદાધિકારીઓની ઇચ્‍છાઃ ચોમાસાની પરિસ્‍થિતીને અગ્રતા

રાજકોટ, તા. ૨૮: જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓની વરણી થઈ ગયા બાદ હવે સમિતિઓની રચનાની પ્રાથમિક કાર્યવાહી હાથ કરવામાં આવી છે . બધા પદાધિકારીઓ પાર્ટી સાથે સંકલનમાં રહી સમિતિઓની રચના કરશે. નવા પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા પછી હવે સંભવત પ્રથમ બેઠક તારીખ ૮ જુન સોમવારે મળશે. તે ખાસ સામાન્‍ય સભામાં સમિતિઓની રચના કરવામાં આવશે .સમિતિઓ રચાઈ ગયા પછી જે તે સમિતિની બેઠકમાં શાખા અધિકારીની હાજરીમાં સમિતિના અધ્‍યક્ષની ચૂંટણી કરવામાં આવશે.

જિલ્લા પંચાયતમાં ખાસ સામાન્‍ય સભા બોલાવવા માટે ઓછામાં ઓછા ચોખ્‍ખા સાત દિવસનો સમય જરૂરી છે. આજે જાહેર રજા છે આવતીકાલે તારીખ ૨૯ મીએ એજન્‍ડા પ્રસિદ્ધ થાય તો તારીખ ૬ જુન શનિવારે સામાન્‍ય સભા બોલાવી શકાય. હાલના સંજોગો જોતા સામાન્‍ય સભા તારીખ ૮ જૂન સોમવારે અથવા તેની નજીકના દિવસે બોલાવાશે.

જિલ્લા પંચાયતમાં બાંધકામ શિક્ષણ આરોગ્‍ય સિંચાઈ વગેરે સમિતિઓની રચના કરવામાં આવશે. સમિતિના અધ્‍યક્ષના નામ પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવશે. કારોબારી સમિતિના ચેરમેન અગાઉ જાહેર થઈ ગયા છે. મુખ્‍ય પાંચ પદાધિકારીઓ ઉપરાંત સમિતિઓના સભ્‍યો અને અધ્‍યક્ષની ચૂંટણી માટે હવે કાર્યવાહી કરવાની થાય છે. નવા પદાધિકારીઓ જિલ્લા પંચાયતમાં રાબેતા મુજબની વહીવટી કામગીરીને વધુ ગતિ આપવા માંગે છે. ચોમાસાની ઋતુને ધ્‍યાને રાખીને તેને લગતી બાબતોને અગ્રતા અપાશે.

(3:47 PM IST)