News of Wednesday, 7th October 2026
સોની બજારના વેપારી ભાવીકભાઇ શાહ સાથે ૧ કરોડની ઠગાઇઃ વેપારી શ્યામ પટ્ટણીની ધરપકડ
પાંચ વર્ષથી પરિચય હતોઃ વિશ્વાસે ભાવીકભાઇએ દાગીના બનાવવા માટે ફાઇન સોનુ આપ્યું હતુ઼ : શ્યામે દાગીના પણ ન દીધા અને રૂપિયા પણ ન દીધાઃ દેણામાં આવી ગયાનું અને હાલમાં એક ગ્રામ પણ સોનુ નહિ હોવાનું રટણઃ વિગતો ઓકાવવા રીમાન્ડની તજવીજઃ પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ. આર. ચાવડા, ભરતસિંહ ગોહિલ અને ટીમ દ્વારા વિશેષ તપાસ

રાજકોટ તા. ૭: શહેરની સોની બજારમાં અવાર-નવાર કારીગરો કે પછી વેપારીઓ દ્વારા ઠગાઇ થતી રહે છે. વધુ એક બનાવમાં એક સોનાના દાગીનાના વણિક વેપારીએ સોની વેપારીએ ૧ કરોડથી વધુની ઠગાઇ કરતાં સોની બજારમાં ચકચાર જાગી છે. પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. સોનાના દાગીના બનાવવાનો ઓર્ડર આપી સોનું મેળવ્યા બાદ દાગીના પરત ન આપીને રૂ. ૧,૦૫,૦૦,૦૦૦નું કિંમતનું સોનું ઓળવી જવાયું હતું. એ-ડિવીઝન પોલીસે આરોપીની ધરપકડ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલા વેપારીએ પોતાની પાસે હાલમાં એક ગ્રામ સોનુ પણ નહિ હોવાનું રટણ કર્યુ હતું.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે જાગનાથ પ્લોટ-૪, પાર્શ્વ વિલા એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. ૩૦૧, જીમખાના રોડ ખાતે રહેતા અને સોનાનો વેપાર કરતા ભાવિકભાઈ જયેશભાઈ શાહ (ઉ.વ. ૪૪)ની ફરિયાદ પરથી અમીન માર્ગ તપોવન સોસાયટી-૬ મેનોર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૨માં રહેતાં સોની વેપારી શ્યામ સુરેશભાઇ પટ્ટણી વિરૂધ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. ફરિયાદ મુજબ ભાવિકભાઇ સોની બજાર મેઈન રોડ પર બોઘાણી શેરી પાસે તેમની પિતા જયેશભાઈ રાયચંદભાઈ શાહના નામે આરપી ઓર્નામેન્ટ્સ નામની સોનાના દાગીનાની વેપારી પેઢી આવેલી છે. તેઓ પોતે આ પેઢીના પાવર ઓફ એટર્ની હોલ્ડર તરીકે સમગ્ર વહીવટ સંભાળે છે.
સોની બજારના પેલેસ રોડ, જયરાજ પ્લોટ ૧/૩ ના ખૂણે આવેલી M/S AUREATEઁ નામની પેઢીના શ્યામભાઈ સુરેશભાઈ પટણી સાથે તેઓ છેલ્લા પાંચેક વર્ષથી વેપાર-ધંધો કરતા હતા. શ્યામ પટ્ટણી એમની પાસેથી સોનું લઈ જઈ ઓર્ડર મુજબ દાગીના બનાવી આપતા હતા અને તેના બદલામાં મજૂરી મેળવતા હતા. તા. ૦૨/૦૯/૨૦૨૬ ના રોજ આરપી ઓર્નામેન્ટ્સમાંથી શ્યામ પટ્ટણીને અલગ-અલગ મિક્સ ડિઝાઈનના દાગીના બનાવવા માટે વાઉચર નંબરથી કુલ ૬૫૬.૮૧૦ ગ્રામ સોનું (જેમાં ૬૫૩.૫૨૬ ગ્રામ ફાઈન સોનું) આપવામાં આવ્યું હતું. જે સોનાની હાલની બજાર કિંમત આશરે રૂ. ૧,૦૫,૦૦૦,૦૦૦ (એક કરોડ પાંચ લાખ) જેટલી થાય છે.
ઓર્ડર મુજબ સમયમર્યાદા પુરી થવા છતાં શ્યામ પટણીએ દાગીના બનાવીને પરત આપ્યા નહોતા. જેથી ભાવિકભાઈ શાહ દ્વારા સોનું કે દાગીના પરત માગવામાં આવતા તેઓ અવારનવાર ખોટા બહાના કાઢી વાયદાઓ કરતા હતા. આખરે સોનું ઓળવી જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું સ્પષ્ટ થતાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડા, ભરતસિંહ ગોહિલ સહિતની ટીમે તપાસ શરૂ કરી આરોપીને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. હાલમાં તે પોતાની પાસે એક ગ્રામ સોનુ પણ નહિ હોવાનુંઅને દેણામાં આવી ગયાનું રટણ કરે છે. વિશેષ પુછતાછ અને સાચી હકિકત ઓકાવવા રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
(2:48 PM IST)










