News of Saturday, 26th September 2026
રાજકોટના પડધરીમાં SOGનો ધડાકો: બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ૧૦.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત!
અમરેલી ગામની સીમમાં ‘રેડવુડ ઈન્ડસ્ટ્રીયલ’માં ચાલતા કૌભાંડનો પર્દાફાશ; રાજકોટના નિર્ભય સુદાણીની ધરપકડ, ૪૪ હજારથી વધુ બોગસ સ્ટીકરો અને ખાલી બોટલો કબજે

રાજકોટ : રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો સાથે થતી મોટી છેતરપિંડીનો સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) પોલીસે પર્દાફાશ કર્યો છે. SOG પોલીસ અને ખાનગી કંપનીના તપાસ અધિકારીઓએ સંયુક્ત દરોડો પાડીને પડધરી તાલુકાના અમરેલી ગામની સીમમાં ધમધમતી નકલી જંતુનાશક દવાઓ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી રૂ. ૧૦,૧૨,૭૪૮ની કિંમતનો નકલી દવાઓનો જથ્થો, બોગસ સ્ટીકરો અને પેકિંગ સામગ્રી જપ્ત કરી રાજકોટના એક શખ્સની ધરપકડ કરી છે.
પ્રસિદ્ધ એગ્રીકલ્ચર કંપનીઓ (જેવી કે બાયર ક્રોપ સાયન્સ, UPL, સિનજેન્ટા વગેરે) માટે બ્રાન્ડ પ્રોટેક્શનનું કામ કરતી એજન્સીના અધિકારી નીતિનકુમાર પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે પડધરીના અમરેલી ગામ ખાતે આવેલા ‘રેડવુડ ઈન્ડસ્ટ્રીયલ’ના એક કારખાનામાં જાણીતી કંપનીઓના નામે ડુપ્લિકેટ દવાઓ બનાવવામાં આવી રહી છે. આ બાતમીના આધારે SOGના પીઆઈ એફ.એ. પારગી અને પીઆસઆઈ જી.જે. ઝાલાની ટીમે કૃષિ અધિકારી મયુરીબેન રૂપાપરા સાથે રાખીને દરોડો પાડ્યો હતો.
૪૪ હજારથી વધુ ડુપ્લિકેટ સ્ટીકરો અને બોટલો મળી આવી
દરોડા દરમિયાન સ્થળ પરથી આરોપી નિર્ભયભાઈ હરસુખભાઈ સુદાણી (રહે. ત્રિમૂર્તિ ટાવર, લક્ષ્મીનગર રોડ, રાજકોટ) રંગેહાથ ઝડપાઈ ગયો હતો. કારખાનાની ઓરડીઓમાંથી તપાસ કરતા જાણીતી કંપનીઓના નામના બોક્સ, નકલી કેમિકલ યુક્ત દવાઓ, ૪૪,૭૬૦ નંગ ડુપ્લિકેટ સ્ટીકર તથા સ્ટીકર રોલ અને ૪,૬૫૩ નંગ ખાલી બોટલો તેમજ ઢાંકણા મળી આવ્યા હતા.
કોઈપણ લાયસન્સ વગર ચાલી રહ્યું હતું કૌભાંડ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી પાસે દવાઓ બનાવવા, સંગ્રહ કરવા કે વેચાણ કરવા માટેનું કોઈ પણ અધિકૃત લાયસન્સ કે આધાર-પુરાવા નહોતા. તે બહારથી કેમિકલ અને રો-મટીરિયલ મગાવીને પ્લાસ્ટિકના બેરલમાં મિશ્રણ તૈયાર કરતો અને તેને બ્રાન્ડેડ કંપનીઓના સ્ટીકર લગાવેલી બોટલોમાં ભરી ખેડૂતોને વેચી છેતરપિંડી આચરતો હતો. આ મામલે પડધરી પોલીસ મથકમાં નિર્ભય સુદાણી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(6:10 PM IST)










