<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

એસઓજીએ ૭.૨૪ લાખના ગાંજા સાથે વનરાજ અને સગીરને બામણોબર પાસે દબોચ્‍યાઃ હિતેષની શોધખોળ

ઓરીસ્‍સાથી ગાંજો લાવ્‍યાનું રટણઃ બીજી ખેપ મારી હોવાની વિગતો ખુલી ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની રજહબરીમાં એસઓજી પીઆઇ એન. બી .ચોધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમની કાર્યવાહીઃ હરદેવસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ, અનોપસિંહ ઝાલાની સફળ બાતમી

રાજકોટ તા. ૨૮: શહેરમાં માદક પદાર્થની હેરાફેરી, સેવન, વેંચાણ અટકાવવા શહેર એસઓજી વધુ એક વખત નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. બામણબોર નજીકથી રાજકોટના બાલાજી હોલ નજીક ક્‍વાર્ટરમાં રહેતાં શખ્‍સ અને એક સગીરને રૂા. ૭ લાખ ૨૪ હજારના ગાંજા સાથે ઝડપી લેવાયા છે. રાજકોટના જ એક શખ્‍સે આ ગાંજો મંગાવ્‍યો હોઇ તેનું નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે. આ ગાંજો ઓરીસ્‍સાથી લાવ્‍યાનું અને બીજી ખેપ માર્યાનું પકડયેલા બંને કેરીયર જણાવી રહ્યા છે. જો કે મંગાવનારો પકડાયા બાદ વધુ વિગતો બહાર આવશે.

શહેરમાં યુવાધન માદક પદાર્થના નશાના રવાડે ચડતું અટકે અને આવા પદાર્થોનું વેચાણ ન થાય તે માટે ‘સે નો ટુ ડ્રગ્‍સ' ઝુંબેશ ચાલી રહી છે. તે અંતર્ગત એસઓજીની ટીમ માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ તથા કોન્‍સ. અનોપસિંહ ઝાલાને બાતમી મળી હતી કે બામણબોર નજીક બે શખ્‍સો માદક પદાર્થનો જથ્‍થો લઇને આવી રહ્યા છે.

આ બાતમીને આધારે બામણબોરથી આગળ અમદાવાદ-રાજકોટ હાઇવે  પર રામદેવ હોટેલ પાસે વોચ રાખવામાં આવી હતી. બાતમી મુજબના બે શખ્‍સ શંકાસ્‍પદ રીતે નજરે ચડતાં જ આંતરી લેવાયા હતાં. તેની પાસે શંકાસ્‍પદ પોટલા હોઇ તે ખોલીસને તપાસ કરતાં ગાંજો મળી આવ્‍યો હતો. એફએસએલ અધિકારી સમીર જોષીને જાણ કરવામાં આવતાં તેમણે આ પદાર્થ ગાંજો હોવાનો અભિપ્રાય આપ્‍યો હતો. એસઓજીએ ગાંજાનું વજન કરતાં ૧૪.૪૮૫ કિલોગ્રામ થયું હતું. જેની કિંમત રૂા. ૭,૨૪,૨૫૦ ગણી એનડીપીએસ એક્‍ટ હેઠળ એરપોર્ટ પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો.

પોલીસે આ ગાંજાના જથ્‍થા સાથે વનરાજ ઉર્ફે ટકો રવજીભાઇ ઉર્ફે સવજીભાઇ હાંડા (ઉ.વ.૨૧-રહે. આરએમસી ક્‍વાર્ટર, બ્‍લોક નં. ૧૬૮૧, કવાર્ટર નં. ૧૨, બાલાજી હોલ પાછળ) તથા તેની સાથેના સગીરને પકડી લઇ કાર્યવાહી કરી હતી. ગાંજો તેમજ દસ હજારના બે મોબાઇલ ફોન પણ કબ્‍જે કરાયા હતાં. પ્રાથમિક પુછતાછમાં ખુલ્‍યું હતું કે વનરાજ ઉર્ફે ટકો અને સગીર કેરીયર તરીકે કામ કરે છે. તે ઓરિસ્‍સાથી આ ગાંજો રાજકોટના હિતેષ ગોહેલના કહેવાથી લાવ્‍યાનું રટણ કરે છે. જો કે સાચી હકિકત જાણવા રીમાન્‍ડની તજવીજ કરવામાં આવશે. અગાઉ પણ એક ખેપ મારી લીધી હોવાનું પણ તેણે કહ્યું હતું. વનરાજ ઉર્ફે ટકો કેટરીંગનું કામ કરે છે. માદક પદાર્થની ખેપ મારવા બદલ હિતેષ તેને નક્કી કરેલા નાણા આપે છે. હિતેષ ઝડપાયા બાદ વધુ વિગતો બહાર આવશે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચોધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. અનોપસિંહ ઝાલા, ધ્રુવરાજસિંહ ગોહિલ, મહિલા કોન્‍સ. મોનાબેન બુસા અને ડ્રા.કોન્‍સ. નિર્મળસિંહે આ કામગીરી કરી છે.

(11:38 AM IST)