News of Tuesday, 2nd June 2026
સિધ્ધપુરનો કહેવાતો ભુવો રાજકોટના દંપતિની ૧૫ વર્ષની દિકરીને ભોળવીને ભગાડી ગયો
આકાશવાણી ચોક ભગતસિંહજી ગાર્ડન પાછળના ક્વાર્ટરમાં રહેતી ગૃહિણી પોતાની બમારી-આર્થિક તકલીફનું નિવારણ કરાવવા બે વર્ષ પહેલા કહેવાતા ભુવા પાસે ગઇઃ આ પછી ઘરે આવવા-જવાનું થયું તેનો કહેવાતા તાંત્રીકે ગેરલાભ ઉઠાવ્યાનો આક્ષેપ : અપહરણનો ગુનો પોલીસે દાખલ કર્યોઃ આરોપી અને અપહૃત દિકરીને શોધવામાં ગંભીરતા દાખવે તેવી માતા-પિતાની પોલીસ કમિશનરને અરજઃ સિધ્ધપુરના ગનવળા ગામમાં રહેતો પ્રભાત ઠાકોર ભગાડી ગયાનો દિકરીના માતા-પિતાનો આરોપ

પોતાની સગીર દિકરીનું અપહરણ થયાની રજૂઆત કરનારા વ્યાકુળ માતા-પિતા જયશ્રીબેન અને ઉદયભાઇ લલીતભાઇ ગાદોયા નજરે પડે છે : જેની સામે આરોપ છે તે પ્રભાત ઠાકોરની તસ્વીર ફરિયાદી ઉદયભાઇ ગાદોયાએ રજુ કરી હતી
રાજકોટ તા. ૨: શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાછળ ગુ.હા. બોર્ડ ક્વાર્ટર બ્લોક નં. ૫૪માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં ઉદયભાઇ લલીતભાઇ ગાદોયા (ઉ.વ.૪૫) તથા તેમના પત્નિ જયશ્રીબેન ઉદયભાઇ ગાદોયા (ઉ.વ.૪૨)એ પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ કરી પોતાની ૧૫ વર્ષની દિકરીને કહેવાતો ભુવો કે જે સિધ્ધપુરના નગવળા ગામે રહે છે તે ભોળવીને ભગાડી ગયાનું જણાવી આ મામલે પોતે તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હોઇ પોલીસ ગંભીરતાથી તપાસ કરી પોતાની અપહૃત દિકરીને શોધી કાઢે અને આરોપીને પકડી લે તેવી માંગણી કરી છે.
જયશ્રીબેન ઉદયભાઇ ગાદોયાએ લેખીત ફરિયાદમાં સિધ્ધપુરના ગનવળા ગામે રહેતાં પ્રભાત ઠાકોર અને તેની સાથેના અલ્પેશ, શ્રવણ, અશોકજી, ભોપા સહિતના નામો આપ્યા છે. લેખિત ફરિયાદમાં તેણીએ જણાવ્યું છે કે કે પ્રભાત સહિતના શખસો ગુનાહિત ટેવવાળા છે. અમારી ફરિયાદીની સગીર વયની દિકરીને ભગાડી ગયેલ છે. અમે આ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. પરંતુ આ મામલે પોલીસ હજુ ગંભીર બની નથી અને તેના કારણે અમારી દિકરી કે અપહરણકાર મળ્યા નથી. આ શખ્સ અમને ખુલ્લી ધમકી આપે છે કે પોલીસ પણ અમારું કંઇ બગાડી શકશે નહિ.
ઉલ્લેખનીય છે કે આ બનાવમાં તાલુકા પોલીસે ગત તા. ૭/૩/૨૬ના રોજ ઉદયભાઇ ગાદોયાની ફરિયાદ પરથી અજાણ્યા સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો. ઉદયભાઇને સંતાનમાં એક દિકરો અને ૧૫ વર્ષની દિકરી સૃષ્ટી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૬/૩ના રોજ દિકરીને ધોરણ-૧૦ન પરિક્ષા હોઇ પરિક્ષા આપવા સવારે નવ વાગ્યે ગઇ હતી. હું તેણીને પરિક્ષા કેન્દ્ર આત્મીય કોલેજના ેઇટ પાસે મુકીને કામે ગયો હતો. બપોરે મારા પત્નિનો ફોન આવેલો કે દિકરી પરત આવી નથી. જેથી હું પરિક્ષા કેન્દ્ર ખાતે તપાસ કરવા જતાં ત્યાં સીસીટીવી કેમેરા ચેક કરતાં અમારી દિકરીને હું ગેઇટ પાસે ઉતારીને ગયો ત્યાંથી જ તે નીકળી જતી દેખાઇ હતી. પછી તેની બહેનપણીને ત્યાં અને બીજે સગાને ત્યાં અમે તપાસ કરી હતી પણ પત્તો ન મળતાં બીજા દિવસે અમે તાલુકા પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા સામે અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન આ બાળકની માતા જયશ્રીબેન અને પિતા ઉદયભાઇએ રૂબરૂ રજુઆત કરી આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અમારી દિકરીને કહેવતો ભુવો પ્રભાત ઠાકોર ભોળવીને ભગાવી ગયો છે. જયશ્રીબેને કહ્યું હતું કે બે વર્ષ પહેલા સગા મારફત મને ખબર પડી હતી કે પારડીમાં એક ભુવા પ્રભાત ઠાકોર આવે છે અને તે સારુ જોઇ આપે છે. જેથી હું તેની પાસે ગઇ હતી. મારે બિમારી હોઇ અને ઘરમાં થોડી તકલીફ હોઇ મેં તેને તકલીફો જણાવતાં મારે થોડુ સારુ પણ થયું હતું. આ પછી અમારા પરિવારને આ ભુવા પર વિશ્વાસ બેસી જતાં ઘરે આવ-જા ચાલુ થઇ હતી. હું જોવડાવવા ગઇ તે વખતે કટકે કટકે મારી પાસેથી રૂપિયા પણ લીધા હતાં.
દરમિયાન ભુવાના માતાનું અવસાન થતાં હું મારી દિકરી, દિકરાને લઇને તેના વતનમાં ખરખરે ગઇ હતી. પણ બાદમાં વિધી પુરી થયા પછી મારી દિકરીએ મારી સાથે આવવાની ના પાડી દીધી હતી અને ભુવા સાથે રહેવાની વાત કરી હતી. ભુવાએ પણ જે થાય તે કરી લેવા કહ્યું હતું. પણ હું જેમ તેમ કરી મારી દિકરીને લઇને રાજકોટ આવી ગઇ હતી. એ પછી બોર્ડની પરિક્ષાના પેપરના દિવસે એટલે કે ૬/૩ના રોજ દિકરી પરિક્ષા કેન્દ્ર પાસેથી જ ગુમ થઇ ત્યારે અમે તેણીનો મોબાઇલ ચેક કરતાં તેમાં ભુવાએ મેસેજ કરી ભાગી જવાની વાત કરી હોવાની અમને ખબર પડી હતી. સીસીટીવી કેમેરા ચેક કરતાં દિકરી છેક અમદાવાદ સુધી ગીતા મંદિર પાસે ગયાની અને ત્યાંથી તેને કહેવાતો ભુવો લઇ ગયાની અમને ખબર પડી હતી. અમે તેના ઘરે સિધ્ધપુરના ગનવળા ગામે ગયા હતાં. પરંતુ તે મળ્યો નથી.
આ દંપતિએ આજીજી સાથે કહ્યું હતું કે અમારી એકની એક દિકરી સગીર વયની છે તેની હાલત શું હશે? તેની સાથે શું થયું હશે? તેની ચિંતા અમને સતત છે. પોલીસમાં અમે એફઆઇઆર નોંધાવી છે અને અમારી દિકરીને પ્રભાત ભગાડી ગયો છે તેવી લેખીત રજૂઆત કરી છે છતાં કોઇ ગંભીરતાથી તપાસ થઇ રહી નથી. પોલીસ કમિશનર ખુદ આ પ્રશ્ને રસ લઇ અમારી દિકરીને શોધી કાઢે અને આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે.
(2:42 PM IST)










