તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
કાળીપાટમાં ચાર ખેડૂતોની વાડીમાંથી તસ્કરો કૂવા અને બોરનો ૮૭૦ ફુટ કેબલ ચોરી ગયા
સંજયભાઇ રોજાસરાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૪: ચોમાસાની શરૂઆત થતાં જ ખેડૂતો વાવણીના કામમાં વ્યસ્ત બન્યા છે ત્યારે રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે સીમમાં આવેલી ચાર અલગ-અલગ ખેડૂતોની વાડીઓને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો કૂવા અને બોરની મોટરના કુલ ૮૭૦ ફૂટ કેબલ વાયર ચોરી ગયા છે.
ફરિયાદની વિગતો મુજબ કાળીપાટ ગામે હનુમાનજી મંદિર વાળી શેરીમાં રહેતા અને ટીંબીવાડી તરીકે ઓળખાતા સર્વે નં. ૧૬ ની વાડીમાં ખેતીકામ કરતા સંજયભાઈ તેજાભાઈ રોજાસરા (ઉ.વ. ૩૮) ગત તા. ૨૨/૦૬ના રોજ સવારે સવા સાતેક વાગ્યે પોતાની વાડીએ પાકને પાણી પાવા માટે ગયા હતા. તેઓ જ્યારે કૂવાની મોટર પંપ ચાલુ કરવા ઓરડીમાં ગયા ત્યારે મોટરના કેબલના છેડા છૂટા પડેલા જોવા મળ્યા હતા. આજુબાજુ અને કૂવામાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે કૂવાની અંદર જતો આશરે ૧૦૦ ફૂટ જેટલો કેબલ વાયર ગાયબ હતો.
સંજયભાઈ પોતાની વાડીએ તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન જ તેમની બાજુની વાડીના માલિક વલ્લભભાઈ કાનજીભાઈ જાદવનો ફોન આવ્યો હતો. વલ્લભભાઈએ જણાવ્યું કે તેમની વાડીના કૂવામાંથી પણ કોઈ તસ્કર આશરે ૧૨૦ ફૂટ લાંબો કેબલ વાયર તોડીને ચોરી ગયું છે. તેમજ ગામના અન્ય ખેડૂત ગણેશભાઈ જીવરાજભાઈ મેરની વાડીએથી કૂવાનો આશરે ૧૫૦ ફૂટ કેબલ અને વિક્રમભાઈ લાલજીભાઈ ગોવાણીની વાડીએ આવેલા બોરમાંથી આશરે ૫૦૦ ફૂટ લાંબો કેબલ વાયર ચોરાઈ ગયો હતો.
તસ્કરોએ ચારેય ખેડૂતોની વાડીમાંથી કૂવા અને બોરના કુલ મળીને ૮૭૦ ફૂટ કેબલ વાયરની ચોરી કરી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા ૨૧,૭૫૦ જેટલી થવા જાય છે. ચોરીની આ ઘટના અંગે પોલીસ ફરિયાદ મોડી નોંધાવવા બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ હોવાથી તમામ ખેડૂતો વાવણીના કામમાં ખૂબ જ વ્યસ્ત હતા. સાથે જ તેઓ પોતાની રીતે પણ આજુબાજુમાં ચોરની શોધખોળ કરી રહ્યા હતા. કોઈ ભાળ ન મળતા પોલીસને જાણ કરી હતી. હેડકોન્સ. જી. બી. બોળીયાએ તપાસ હાથ ધરી છે.
(2:18 PM IST)










