તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
બેડી ચોકડીના પૂલ નજીક બંધ ટ્રક પાછળ બાઇક અથડાતાં શુકલ પીપળીયાના કરણ સરવૈયાનું મોત
૨૦ વર્ષનો યુવાન રાતે રાજકોટથી ઘરે જતો હતો ત્યારે બનાવઃ યુવાન દિકરાના મોતથી પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૩: વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારે યુવાન અને આધારસ્તંભ દિકરો ગુમાવ્યો છે. રાજકોટ-મોરબી હાઇવે પર બેડી ચોકડીથી સોખડા ચોકડી તરફના રસ્તે પૂલ પાસે રાતે બંધ ઉભેલા ટ્રક પાછળ બાઇક અથડાતાં બાઇકચાલક શુકલપીપળીયા ગામના વીસ વર્ષના યુવાનનું ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું છે. યુવાન કોઇ કામ માટે રાજકોટ આવ્યો હતો અને રાતે પરત ઘરે જતો હતો ત્યારે રસ્તામાં આ કરૂણ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ સોખડા નજીક શુકલપીપળીયા ગામે રહેતો કરણ મહેશભાઇ સરવૈયા (ઉ.વ.૨૦) નામનો યુવાન રાતે બારેક વાગ્યે બાઇક હંકારીને રાજકોટથી તેના ઘરે શુકલપીપળીયા તરફ જઇ રહ્યો હતો ત્યારે બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે પૂલ પાસે પહોંચ્યો ત્યારે ટ્રક ઉભો હોઇ તેની પાછળ બાઇક અથડાઇ જતાં પોતે રોડ પર ફેંકાઇ ગયો હતો. જેના કારણે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. કરણને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું વહેલી સવારે મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવની જાણ થતાં જ પરિવારજનો રાજકોટ પહોંચ્યા હતા. મૃતકના પિતા બહારગામ હોઇ તેઓ પણ સવારે આવી ગયા હતાં.
મૃત્યુ પામનાર કરણ બે ભાઇમાં નાનો હતો અને બંગડીના કારખાનામાં કામ કરતો હતો. તેના પિતા મહેશભાઇ પણ કારખાનામાં કામ કરે છે. કરણ રાતે બાઇક લઇ રાજકોટ કામ માટે આવ્યો હતો. પરત ઘરે જતી વખતે આ બનાવ બન્યો હતો. યુવાન દિકરાના મોતથી સરવૈયા-કોળી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:57 PM IST)










