<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ટાઉન પ્‍લાનિંગ શાખામાં ‘સાફસૂફી' નામે દેખાડોઃ તરેહ તરેહની ચર્ચાઓ

શહેરમાં ગેરકાયદે બાંધકામોનો આક્ષેપ , નોટિસોનું નાટક, જનરલ બોર્ડમાં દેકારા, અધિકારીઓને ક્‍લીનચિટ અને ACBમાં ફરિયાદો વચ્‍ચે તંત્રની ભેદી નીતિ : પ્રોબેશનવાળા બે ટાઉન પ્‍લાનરની ખુરશીઓ બદલાઈ, બાકીના અધિકારીઓને મોજઃ ભાર્ગવ બરવાળીયાને ઈસ્‍ટ ઝોનમાં અને અભી પટેલને વેસ્‍ટ ઝોનમાં મુકાયા

રાજકોટ ,તા.૨૬: મ્‍યુનિ.કોર્પોરેશનની ટાઉન પ્‍લાનિંગ શાખા એટલે ભ્રષ્ટાચારનું મસમોટું બોરિંગ હોવાની વર્ષોથી પંકાયેલી છાપ છે. લાખો-કરોડો રૂપિયાની કથિત ભ્રષ્ટ ‘પ્રેક્‍ટિસ' માટે બદનામ આ મલાઈદાર શાખાની પોલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ખૂલી હતી.અડધો ડઝન જેટલા આસિસ્‍ટન્‍ટ ટાઉન પ્‍લાનર અધિકારીઓને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હતા. આમ છતાં ટીપી શાખાની કાર્યપદ્ધતિમાં કેટલો સુધારો આવ્‍યો તેમ  સવાલ  ઉઠી રહયા  છે.

ગેરકાયદે બાંધકામોનો રાફડો, ડિમોલિશનની નોટિસોનું નાટક, જનરલ બોર્ડમાં દેકારા, અધિકારીઓને ક્‍લીનચિટ અપાયાના આક્ષેપો અને એસીબી સુધી પહોંચેલી ફરિયાદો વચ્‍ચે મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ટીપી શાખાના બે અધિકારીઓની માત્ર અરસપરસ બદલી કરી છે.

કમિશનરે તા.૨૫ નવેમ્‍બરના રોજ હુકમ કરી વેસ્‍ટ ઝોનના ટાઉન પ્‍લાનર ભાર્ગવ વી. બરવાળીયાને ઈસ્‍ટ ઝોનમાં અને ઈસ્‍ટ ઝોનના ટાઉન પ્‍લાનર અલી આર. પટેલને વેસ્‍ટ ઝોનમાં મૂકયા છે. જાહેર સેવાના હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર આ ફેરફાર કરાયો હોવાનું હુકમમાં જણાવાયું છે.

ટીપી શાખાના અન્‍ય અધિકારીઓ સામે પણ એસીબીમાં ફરિયાદો થયાનું જાણવા મળે છે, ત્‍યારે માત્ર પ્રોબેશન પર રહેલા બે અધિકારીઓની અરસપરસ બદલી કરાતા બાકીના અધિકારીઓને છૂટો દોર અપાયો છે કે કેમ તેવો સવાલ ઊઠ્‍યો છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ ટીપી શાખાના માળખામાં ધરમૂળથી ફેરફાર કરી ઝોનવાઈઝ ટીપીઓ મૂકવામાં આવ્‍યા હતા. જોકે, ગેરકાયદે બાંધકામોને અપાતા કથિત ભેદી ‘પ્રોટેકશન'નો કારોબાર અટકયો નથી તેવા આક્ષેપોને જનરલ બોર્ડમાં રજૂ થયેલા આંકડાઓથી વધુ બળ મળ્‍યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જનરલ બોર્ડમાં ડિમોલિશનની નોટિસો, તોડી પાડવામાં આવેલા બાંધકામો અને અધિકારીઓ સામેની ખાતાકીય તપાસ અંગે વિગતો માગી હતી. તેના જવાબમાં વેસ્‍ટ ઝોનમાં ૨૦૧ નોટિસ સામે માત્ર ૪૨, સેન્‍ટ્રલ ઝોનમાં ૧૨૪ નોટિસ સામે માત્ર ચાર બાંધકામ તોડી પાડવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું હતું. જ્‍યારે ઈસ્‍ટ ઝોનમાં ૨૨૫ વ્‍યક્‍તિગત યુનિટને નોટિસ અપાઈ હોવા છતાં એક પણ યુનિટ તોડાયું નથી. જંગલેશ્વરમાં ૧૪૯૫ કાચાં-પાકાં મકાનો તોડી પાડવાની કામગીરી અલગ છે. ખાસ કરીને વોર્ડ નં.૫ના રણછોડનગર, શ્રીરણછોડનગર, પેડક રોડ અને સંતકબીર રોડ વિસ્‍તારમાં ગેરકાયદે બાંધકામો અંગે લેખિત ફરિયાદો અને નોટિસો છતાં નક્કર કાર્યવાહી નહીં થયાની ફરિયાદો છે.ગેરકાયદે બાંધકામોને કલમ ૨૬૦(૧) અને ૨૬૦(૨) હેઠળ નોટિસો ફટકાર્યા બાદ કથિત ‘ટેબલ નીચેના વહીવટ'થી બાંધકામોને બચાવી લેવાતાં હોવાના ગંભીર આક્ષેપો વર્ષોથી થઈ રહ્યા છે. ત્‍યારે નોટિસો અને ડિમોલિશનના આંકડા વચ્‍ચેની મોટી ખાઈની તપાસ કરવાની જરૂર છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ પણ ટીપી શાખામાં નોટિસો નીકળે છે, ફરિયાદો થાય છે, બોર્ડમાં દેકારા થાય છે અને અંતે અધિકારીઓની ખુરશીઓ બદલાય છે; પરંતુ ગેરકાયદે બાંધકામો સામે નક્કર કાર્યવાહી કયારે થશે?

(3:08 PM IST)