News of Sunday, 6th September 2026
રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીએ ખરીદીનો મહાકુંભ: ૬ જ દિવસમાં ₹૩૦.૨૪ કરોડના ૯૮૪ વાહનો વેચાયા
શુભ મુહૂર્તમાં નવી સવારી ઘરે લાવવા શૉરૂમ્સમાં ગ્રાહકોનો ધસારો: ઓટોમોબાઈલ માર્કેટમાં દિવાળી જેવો માહોલ સર્જાયો

રાજકોટ: ઉત્સવપ્રિય રાજકોટવાસીઓ માટે તહેવારોની ઉજવણી માત્ર મેળાઓ અને ખાણી-પીણી પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ શુકનવંતી ક્ષણોમાં મોટી ખરીદી કરવાનો ક્રેઝ પણ અકબંધ જોવા મળે છે. ચાલુ વર્ષે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજકોટના ઓટોમોબાઈલ માર્કેટમાં અભૂતપૂર્વ ધમધમાટ નોંધાયો છે. સાતમ-આઠમના તહેવારના માત્ર ૬ દિવસના ટૂંકા ગાળામાં જ રાજકોટવાસીઓએ રૂ. ૩૦.૨૪ કરોડની કિંમતના કુલ ૯૮૪ નવા વાહનોની ખરીદી કરીને બજારમાં નવો પ્રાણ પૂરી દીધો છે.
જન્માષ્ટમીના પવિત્ર દિવસે નવજીવનની શરૂઆત કે નવી મિલકત-સવારી ઘરમાં લાવવાની પરંપરાને લીધે શહેરના ટુ-વ્હીલર અને કાર શૉરૂમ્સમાં ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. મોટાભાગના લોકોએ તહેવાર પહેલા જ અગાઉથી બુકિંગ કરાવી રાખ્યા હતા, જેની ડિલિવરી તહેવારના આ ૬ દિવસો દરમિયાન લેવામાં આવી હતી.
વેચાયેલા ૯૮૪ વાહનોમાં પ્રીમિયમ ફોર-વ્હીલર્સ, લક્ઝરી કારથી લઈને દૈનિક વપરાશના ટુ-વ્હીલર્સનો સમાવેશ થાય છે. તહેવારો દરમિયાન રેકોર્ડબ્રેક ખરીદી થવાને કારણે RTO કચેરી ખાતે પણ નંબર પ્લેટ અને રજિસ્ટ્રેશનની કામગીરી મોડી રાત સુધી ધમધમી ઊઠી હતી.
ઓટો સેક્ટરના વેપારીઓના જણાવ્યા મુજબ, તહેવારોની સિઝનમાં થયેલો આ ઉપાડ માર્કેટ માટે ખૂબ જ આશાસ્પદ સંકેત આપે છે. મોંઘવારી અને આર્થિક પડકારો વચ્ચે પણ રાજકોટવાસીઓના આ ખરીદીના ઉત્સાહે સાબિત કરી દીધું છે કે જ્યારે તહેવાર ઉજવવાની વાત આવે ત્યારે રંગીલું રાજકોટ ક્યારેય પાછળ પડતું નથી.
(12:46 PM IST)










