<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

શીતલબેનને પતિએ ફોન કરી કહી દીધું-હું જાઉ છું, હવે મને ગોતતી નહિ!

ત્રણ વર્ષ પહેલા સુરતના ધર્મેશે શીતલબેનના વ્‍હોટ્‍સએપના ડીપી વિશે સારુ લખાણ મોકલી વાતચીતની શરૂઆત કરી હતીઃ પછી બંનેએ રજીસ્‍ટર્ડ મેરેજ કર્યા હતાં જેઠે પણ કીધું તારો પતિ કપડાનો થેલો લઇને જતો રહ્યો છે, હવે તારે આ ઘરમાં આવવાનું નથીઃ સુરત રહેતાં પતિ, સાસુ, સસરા, જેઠ-જેઠાણી વિરૂધ્‍ધ મહિલા પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૩: હાલ રાજકોટ રહેતી મુળ અમરેલી પંથકની યુવતિનો સુરતના યુવાન સાથે ત્રણ વર્ષ પહેલા વ્‍હોટ્‍સએપમાં આવેલા મસેજ મારફતે પરિચય થયા બાદ  તેની સાથે રજીસ્‍ટર્ડ મેરેજ કરનાર યુવતિને લગ્ન બાદ નાની નાની વાતે પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી દ્વારા ત્રાસ અપાતાં અને છેલ્લી તેણી પરિક્ષા આપવા વડોદરા ગઇ ત્‍યારે પતિએ ફોન કરી હું જાઉ છું આજ પછી મને ગોતતી નહિ તેમ કહી ફોન કાપી નાંખતા અને જેઠે પણ તારો પતિ કપડાનો થેલો લઇ જતો રહ્યો છે હવે તારે ઘરે આવવાનું નથી તેવુ કહી દેતાં તેણીએ સુરતથી રાજકોટ આવી ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં મહિલા પોલીસ સ્‍ટેશન દ્વારા કોઠારીયા રોડ દેવપરા ચોક કૈલાસ પાનવાળી શેરીના વતની અને હાલ કોટેચા ચોક રન્‍નાદે હોસ્‍ટેલ ખાતે રહેતાં મુળ બાબરાના રાણપરના શીતલબેન ધર્મેશભાઇ ભાદાણી (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી સુરત મોટા વરાછા મનિષા ગરનાળા ઉતરાણ ૧૦૩-રાધે રેસીડેન્‍સી ખાતે રહેતાં તેણીના પતિ ધર્મેશ રમેશભાઇ બાદાણી, સસરા રમેશભાઇ કનુભાઇ ભાદાણી, સાસુ હંસાબેન, જેઠ મંથનભાઇ અને જેઠાણી હીનાબેન વિરૂધ્‍ધ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

શીતલબેન હાલ તેમના બહેન સાથે રહે છે અને ટુરીઝમ ઓફિસમાં નોકરી કરે છે. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ  શીતલબેન વર્ષ ૨૦૨૩માં રાજકોટ ખાતે રહી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી કરતા હતા તે દરમિયાન તેમના મોબાઈલ પર અજાણ્‍યા નંબર પરથી મેસેજ આવ્‍યા હતાં. જેમાં તેણીના ડીપીને લઇને સારુ લખાણ કરાયું હતું. બાદમાં મેસેજ કરનાર તરીકે સુરતના ધર્મેશ ભાદાણી હોવાની ખબર પડી હતી. ધર્મેશ  સાથે પરિચય થયો હતો. બંને વચ્‍ચે અવારનવાર મુલાકાતો અને વાતચીત થતાં પરિવારની મરજી વિરૂધ્‍ધ જઈને તા. ૧૦/૧૨/૨૦૨૩ના રોજ સુરતના રામનાથ મંદિર ખાતે બંનેએ લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ ફેબ્રુઆરી ૨૦૨૪માં શીતલબેન સુરત ખાતે પોતાના સાસરે રહેવા ગયા હતા. ત્‍યાં થોડા સમય બાદ ઘરમાં નાની-નાની બાબતોમાં અંદરોઅંદર ઝઘડા શરૂ થયા હતા. શીતલબેનની તબિયત સારી ન હોવા છતાં સાસુ હંસાબેન અને જેઠાણી હિનાબેન તેમની પાસે બળજબરીથી ઘરકામ કરાવતા હતા અને સતત મેણાં-ટોણાં મારી માનસિક ત્રાસ આપતા હતા. ત્‍યારબાદ પતિ-પત્‍નિને અમરોલી ખાતે ભાડાના મકાનમાં રહેવા જવાની ફરજ પાડવામાં આવી હતી.

અમરોલી ખાતે ભાડાના મકાનમાં રહેતા દરમિયાન પણ સાસુ, સસરા અને જેઠ મંથનભાઈ અવારનવાર પતિ ધર્મેશને શીતલબેન વિરૂધ્‍ધ ચડામણી કરતા હતા. આ ચડામણીના કારણે પતિ તેમની સાથે અવારનવાર ઝઘડા કરતો હતો. બાદમાં જૂન ૨૦૨૬માં જ્‍યારે શીતલબેન અને તેમના પતિ વચ્‍ચે વિવાદ વધતાં પોલીસ સ્‍ટેશને વાતચીત થઈ હતી, ત્‍યારે જેઠ અને પતિએ છૂટાછેડા લેવાની માંગ કરી ઝઘડો કર્યો હતો.

ત્‍યારબાદ હોટલમાં રોકાણ દરમિયાન પતિના ફોનમાં અન્‍ય કોઈ છોકરીનો ફોન આવતાં શીતલબેને પુછપરછ કરી હતી. આ વાત પર ઉશ્‍કેરાઈને પતિ ધર્મેશે શીતલબેનને ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો. તા. ૧૪/૬/૨૦૨૬ના રોજ પતિ ધર્મેશે શીતલબેનને ફોન કરીને હું જાઉં છું, આજ પછી મને ગોતતી નહિ તેમ કહી ફોન કાપી નાખ્‍યો હતો. આ બાબતે સાસુ-સસરા કે જેઠ પાસે પુછપરછ કરતાં તેમણે કોઈ સરખો જવાબ આપ્‍યો ન હતો અને જેઠે ફોન પર સ્‍પષ્ટ કહી દીધું હતુ઼ કે ધર્મેશ કપડાંનો થેલો લઈને જતો રહ્યો છે અને હવે તમારે અમારા ઘરે આવવાનું નથી. અંતે કોઈ માર્ગ ન મળતાં તેણીએ રાજકોટ આવીને  પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી વિરૂધ્‍ધ શારીરિક-માનસિક ત્રાસ આપવા અને મારપીટ કરવા અંગે ગુનો નોંધ્‍યો છે. પીઆઇ આર. જી. પઢીયારની રાહબરીમાં એએસઆઇ દિલીપસિંહ જેસંગભાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(8:14 PM IST)