તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
બાપુનગરના શરદ ઉર્ફે શિવો અને માંડાડુંગરના સોયેબને એસઓજીએ ગાંજા સાથે દબોચ્યા
કુવાડવા વાંકાનેર રોડ પર સુર્ય રામપરા ગામના બસ સ્ટેન્ડ પાસે દરોડો : ૨ કિલો ૧૯૩ ગ્રામ ગાંજો શરદ ઓરિસ્સાથી લઇને આવ્યોઃ સોયબને થોડો ગાંજો પીવા માટે અને એક હજાર વાપરવા આપવાનો હતોઃ પીઆઇ સંજયસિંહ જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમની કામગીરી : ફિરોઝભાઇ રાઠોડ અને હાર્દિકસિંહ પરમારની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૬: માદક પદાર્થની હેરાફેરીનો વધુ એક વખત એસઓજીની ટીમે પર્દાફાશ કરી બે શખ્સને પકડી લીધા છે. જીલ્લા ગાર્ડન પાસે બાપુનગરમાં રહેતાં અને લાદી કામની મજૂરી કરતાં શખ્સને તથા માંડા ડુંગરના રિક્ષાચાલકને કુવાડવા વાંકાનેર રોડ પર સણોસરા ગામના બસ સ્ટેશન પાસેથી રૂા. ૧,૦૯,૬૫૦ના ગાંજા સાથે પકડી લેવાયા છે. લાદીકામનો કારીગર આ ગોંજો વેંચવા માટે ઓરિસ્સાથી લાવ્યો હતો. તે આમાંથી રિક્ષાચાલકને થોડો ગાંજો પીવા માટે આપવાનો હતો અને પોતાને નિયત સ્થળે મુકી જવા માટે એક હજાર ભાડુ પણ ચુકવવાનો હતો.
જાણવા મળ્યા મુજબ શહેરમાં યુવાધન માદક પદાર્થના રવાડે ન ચડે અને આવા પદાર્થની હેરાફેરી ન થાય તેમજ વૈંચાય કે સેવન ન થાય તે માટે સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ ચાલી રહી હોઇ તે અંતર્ગત એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ ફિરોઝભાઇ રાઠોડ અને કોન્સ. હાર્દિકસિંહ પરમારને મળેલી બાતમી પરથી કુવાડવા વાંકાનેર હાઇવે પર સુર્યા રામપરા ગામના બસ સ્ટેશન પાસે દરોડો પાડી રિક્ષા નં. જીજે૦૩સીટી-૬૨૪૭ સાથે બે શખ્સને પકડી લીધા હતાં.
પાછળ બેઠલા શખ્સ પાસે ગાંજો હોવાની પાક્કી બાતમી હોઇ તેની તલાશી લેતાં શંકાસ્પદ પદાર્થ મળ્યો હતો. એફએસએલ અધિકારી કે. એમ. તાવીયા પાસે પરિક્ષણ કરાવતાં આ પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. એસઓજીએ રૂા. ૧,૦૯,૬૫૦નો ૨ કિલો ૧૯૩ ગ્રામ ગાંજો, બે મોબાઇલ ફોન, રિક્ષા, રોકડા રૂા. ૩૬૦ મળી કુલ રૂા. ૩,૨૦,૦૩૦નો મુ્દ્દામાલ કબ્જે કર્યો હતો. જેની પાસેથી ગાંજો મળ્યો તેની પુછતાછ થતાં પોતાનું નામ શરદ ઉર્ફે શીવો દિલીપભાઇ ભરખડા (ઉ.વ.૩૦-રહે. બાપુનગર કાંટા પાસે, ૮૦ ફુટ રોડ, હાલ યાદવનગર-૧) જણાવ્યું હતું.
જ્યારે રિક્ષાચાલકે પોતાનું નામ સોયેબ ઇમ્તિયાઝભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૯-રહે. રઘુનંદનન સોસાયટીનો ઢાળીયો ઉતરતાં શેરીમાં, માંડા ડુંગર પાસે) જણાવ્યું હતું. શરદે પુછતાછમાં કબુલ્યું હતું કે પોતે લાદીકામની મજૂરી કરે છે. પૈસાની ખેંચ હોવાથી તે વેંચવા માટે ગાંજો લાવ્યો હતો. ઓરિસ્સા ખાતે તે ગયો હતો અને ત્યાંથી આ ગાંજો લાવ્યો હતો. પોતે ટ્રેન મારફત આવ્યા બાદ વાંકાનેરથી તેને રિક્ષાવાળો સોયેબ તેડવા આવ્યો હતો. અગાઉથી જ તેણે સોયેબને પોતે ગાંજો લઇને આવે છે તેમાંથી પીવા માટે આપશે અને ભાડાના ૧ હજાર આપશે તેમ જણાવ્યું હોઇ સોયેબને પણ પકડી લેવાયો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીઆઇ એસ. ડી. ગીલવા, પીએસઆઇ વી. કે. ઝાલા, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા, હેડકોન્સ. મોૈલિકભાઇ સાવલીયા, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા, ડ્રા. કોન્સ. મહાવીરસિંહ જાડેજા અને નિર્મળસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.
(3:49 PM IST)










