<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

રાધાનગરના હેતલબેન સાથે શાષાીનગર અજમેરાના શક્‍તિની જુના દાગીના નવા બનાવી દેવાના નામે ૨૫ લાખની ઠગાઇ

શરૂઆતમાં બે દાગીના બનાવી આપતાં વિશ્વાસ બેઠોઃ પછી કુલ ૮૦ લાખના દાગીના લઇ ગયોઃ જે ગીરવે મુકી રૂપિયા ઉપાડી લીધાઃ વારંવાર ઉઘરાણી કરતાં ૫૫ લાખ આપ્‍યા, બાકીની રકમ ન આપતાં માલવીયાનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૫: શહેરમાં સોનાના જૂના દાગીનામાંથી ઝીરો ટકા મજૂરીએ નવા દાગીના બનાવી આપવાની લાલચ આપી એક મહિલા અને તેના પરિવારના આશરે ૭૨૦ ગ્રામ સોનાના દાગીના પડાવી લઈ, તેના પર લોન મેળવી રોકડા ઓળવી જવા અંગે મામલો પોલીસ સુધી પહોંચ્‍યો છે. નાના મવા રોડ રાધાનગરના મહિલા સાથે પચ્‍ચીસ લાખની ઠગાઇ થતાં નાના મવા અજમેરા શાષાીનગરમાં રહેતાં શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો દાખલ થયો છે.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં માલવીયાનગર પોલીસે નાના મવા રોડ પર લક્ષ્મીનગર પાછળ રાધાનગર-૬માં રહેતાં હેતલબેન તુષારભાઇ પરસાણા (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી નાના મવા અજમેરા શાષાનગર માધવ એપાર્ટમેન્‍ટમાં ચોથા માળે રહેતાં શક્‍તિ રમેશભાઇ રાઠોડ વિરૂધ્‍ધ ગુનો નોંધાયો છે. હેતલબેન પરિવાર સાથે રહે છે અને ઘરે બેઠા શીવહેતુ મેકઓવર નામે બ્‍યુટી પાર્લરનું કામ કરે છે તેમજ કોસ્‍મેટીક ચીજવસ્‍તુઓનો વેપાર પણ કરે છે.

તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત જાન્‍યુઆરી-૨૦૨૫માં તેમની બહેનપણી પાયલ ડોડીયા મારફતે તેમનો સંપર્ક શક્‍તિ રમેશભાઈ રાઠોડ (રહે. રાજકોટ) નામના શખ્‍સ સાથે થયો હતો. શક્‍તિએ પોતે મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્‍ટ્રાક્‍ટનું કામ, કોસ્‍મેટિક આઈટમની લે-વેચ અને શ્રીરામ પંજાબી ચાઇનીઝ જેવા અલગ અલગ ધંધા  સાથે સંકળાયેલો હોવાની ઓળખ આપી વિશ્વાસ જીત્‍યો હતો. દરમિયાન ફબ્રુઆરી-૨૦૨૫ના અરસામાં શક્‍તિ રાઠોડે હેતલબેનને લાલચ આપી હતી કે તેનો એક મિત્ર સોનાના જૂના દાગીનાના બદલામાં ઝીરો ટકા મજૂરીએૅ નવા દાગીના બનાવી આપવાની સ્‍કીમ ચલાવે છે. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે શક્‍તિએ હેતલબેનના ૨-૩ દાગીના નવા જેવા બનાવીને પરત આપ્‍યા હતા.

આ પછી હેતલબેન પાસેથી શક્‍તિ રાઠોડે હેતલબેન, તેમના સાસુ અને પતિના મળીને કુલ ૭૨૦ ગ્રામ જેટલા સોનાના દાગીના જેની કિંમત આશરે રૂ. ૫૫ લાખ જેટલી થાય છે તે ૧૦ થી ૧૨ દિવસમાં નવા બનાવી આપવાના વાયદા સાથે મેળવી લીધા હતા. દરમિયાન નવેમ્‍બર-૨૦૨૫માં હેતલબેનને એક લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી તેમણે દાગીના પરત માંગતા શક્‍તિએ વાયદાબાજી શરૂ કરી હતી અને માત્ર એક ચેઇન તથા બુટ્ટીની જોડી પરત આપી બાકીના ૬૨૦ ગ્રામ દાગીના ઓળવી ગયો હતો. સતત ઉઘરાણી બાદ શક્‍તિએ લેખિત બાંહેધરી આપી હતી છતાં દાગીના આપ્‍યા નહોતા. તપાસ કરતા બહાર આવ્‍યું હતું કે શક્‍તિ રાઠોડે આ દાગીના યદુનંદન નામની મંડળીમાં તેમજ અન્‍ય જગ્‍યાએ ગીરવે મુકી તેના પર લોન મેળવી લીધી હતી અને નાણાં પોતાના અંગત વપરાશમાં લઈ લીધા હતા.

આ મામલે હેતલબેને અગાઉ પોલીસ કમિશનર કચેરીમાં આર્થિક ગુન્‍હા નિવારણ શાખામાં અરજી કરી હતી. જેથી ડરી ગયેલા શક્‍તિ રાઠોડ અને તેના પિતા રમેશભાઈએ સમાધાનની તૈયારી બતાવી કુલ રૂ. ૮૦,૦૦,૦૦૦ની કાયદેસરની લેણી રકમ ચુકવવાનો નોટરી સમક્ષ કરાર કર્યો હતો. કરાર મુજબ આરોપીએ ૫૫ લાખ ચુકવી દીધા હતાં. પરંતુ બાકીના  ૨૫,૦૦,૦૦૦ ચુકાવવા ચેક આપ્‍યા હતાં. પરંતુ શક્‍તિના આ બેંક ખાતામાં અપુરતું બેલેન્‍સ હોવાને કારણે આ તમામ ચેક બેંકમાંથી રીટર્ન થયા હતાં.

આરોપી શક્‍તિ રાઠોડે વિશ્વાસઘાત, છેતરપિંડી અને આર્થિક ગડબડ આચરી પરિવારને માનસિક આઘાત પહોંચાડતા આખરે હેતલબેને કાયદેસરની ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરી માલવીયાનગર પોલીસ સ્‍ટેશનમાં જાણ કરતાં પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં એએસઆઇ કે. બી. શેખલીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:19 PM IST)