News of Thursday, 10th September 2026
રાજકોટના નિવૃત કર્મચારી સાથે થાનગઢ ખાખરાથળના શૈલેષની ૧૫ લાખની ઠગાઇ
મેં અભેપરમાં જમીન લીઝથી રાખી છે, પથ્થર-બેલા કાઢવાના કામમાં તમને ૫૦ ટકા ભાગીદારી આપીશ : કીડવાઇનગર પાસે રહેતાં ચંદ્રસિંહ ચુડાસમાને બાલાજી હોલ પાસે શૈલેષ ઘીયાડ રૂબરૂ મળ્યો પછી વ્હોટ્સએપથી લીઝના કાગળો મોકલી વિશ્વાસ કેળવ્યોઃ પછી વૃધ્ધ રૂબરૂ તપાસ કરવા જતાં કોઇ લીઝ મળી ન હોવાનું ખુલ્યું: તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૦: છેતરપીંડીના વધુ એક બનાવમાં શહેરના એક વૃધ્ધે લાખો રૂપિયા ગુમાવ્યા છે. રૈયા રોડ રૈયા રોડ વિસ્તારમાં રહેતા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના નિવળત્ત કર્મચારી સાથે મશીનરી ખરીદવા અને બેલા-પથ્થર કાઢવાની લીઝમાં ૫૦ ટકાની ભાગીદારીની લાલચ દઇ સુરેન્દ્રનગરના થાનગઢ પાસેના ખાખરાથળના શખ્સે ૧૫ લાખની ઠગાઇ કરી છે.
આ બનાવમાં તાલુકા પોલીસે રૈયા રોડ કિડવાઇનગર પાસે અમૃતા હોસ્પિટલ પાછળ શિવમ્ પાર્ક-૧માં રહેતાં ચંદ્રસિંહ બચુભા ચુડાસમા (ઉ.વ. ૬૩)ની ફરિયાદ પરથી થાન ખાખરાથળના શૈલેષ રવજીભાઇ ઘીયાડ વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે. ફરિયાદના જણાવ્યા મુજબ ચંદ્રસિંહની મુલાકત એક પરિચીત મારફત વર્ષ ૨૦૨૪ના શરૂઆતના સમયમાં શૈલેષ ઘીયાડ સાથે થઈ હતી. શૈલેષે ત્યારે રાજકોટ બાલાજી હોલ પાસે દુધ ભરવા આવતો હતો. તેણે ચંદ્રસિંહને વિશ્વાસમાં લઈને જણાવ્યું હતું કે થાનગઢ તાલુકાના અભેપર ગામે રેવન્યુ સર્વે નંબર ૧૩૮ વાળી ૧૨ વીઘા જમીન બેલાની લીઝ માટે ભાડે રાખેલી છે. આ જગ્યામાંથી પથ્થર-બેલા કાઢવાના કામમાં અને મશીનરી વસાવવામાં રોકાણ તેઓ કરશે તો ૫૦ ટકા ભાગીદારી આપીને સારો નફો કરાવી આપશે.
આ પછી શૈલેષે વ્હોટ્સએપ પર પોતે લીઝ રાખી છે તેને લગતા કાગળો મોકલ્યા હતાં. આ જોઇ ચંદ્રસિંહે તેના પરે વિશ્વાસ મુકીને રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ મે-૨૦૨૪ દરમિયાન તેમણે પોતાના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી શૈલેષના એસબીઆઇ થાનગઢ શાખાના ખાતામાં આરટીજીએસ મારફતે રૂ. ૩,૦૦,૦૦૦, રૂ. ૩,૦૦,૦૦૦ અને રૂ. ૯,૦૦,૦૦૦ મળીને કુલ રૂ. ૧૫,૦૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા.
પણ રૂપિયા મેળવ્યા બાદ પણ કોઈ કામગીરી શરૂ ન થતાં ચંદ્રસિંહએ સ્થળ પર જઈ તપાસ કરી હતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે લીઝમાં શૈલેષની કોઈ ભાગીદારી નહોતી અને મશીનરીની કોઈ ખરીદી પણ કરવામાં આવી નહોતી.
છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ્યારે નાણાં પરત માગવામાં આવ્યા ત્યારે આરોપી ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. ત્યારબાદ ચંદ્રસિંહ પોતાના મિત્ર સાથે આરોપી શૈલેષના ભાઈને મળવા ગયા ત્યારે શૈલેષ સાથે અમારે કોઈ લેવા-દેવા નથી, અહીં આવવું નહિ તેમ કહી ડરાવી-ધમકાવીને ભગાડી મુકાયા હતા. આખરે તાલુકા પોલીસમાં જાણ કરતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. જી. આલએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(2:29 PM IST)










