<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ટ્રકની ઠોકરે બે વાહન ચડતાં વેપારી સુમિતભાઇ કોઠીયા અને શહેનાઝબેન દલના મોત, તેણીના પુત્ર સમીર દલને ઇજા

જામનગર રોડ રૂડા બિલ્‍ડીંગ પાસે જીવલેણ અકસ્‍માતઃ ટ્રકે જ્‍યુપીટરને ઉલાળતાં તે આગળ જતાં બાઇકમાં અથડાયું પછી બંને વાહન ફંગોળાઇ ગયાઃ સિક્‍યુરીટીની નોકરી કરતાં માતાને પુત્ર મુકવા જતો હતો ત્‍યારે બનાવઃ ગાયકવાડીના મુસ્‍લિમ મહિલાનું માથું છુંદાઇ જતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું : કુવાડવા રોડ શાનદાર રેસીડેન્‍સીમાં રહેતાં સુમિતભાઇ જ્‍યુપીટર હંકારીને ઇમિટેશનના કામ માટે નીકળ્‍યા હતાં: તેમણે ટુંકી સારવાર બાદ દમ તોડતાં બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું: બંને મૃતકોના પરિવારજનોમાં કાળો કલ્‍પાંતઃ અકસ્‍માત સર્જી ટ્રક મુકી ચાલક ભાગી ગયો

ગોઝારો અકસ્‍માત શહેરના જામનગ રોડ રૂડા બિલ્‍ડીંગ નજીક ટ્રક કાળ બની ગયો હતો. જ્‍યુપીટરને ટ્રકે ઠોકરે લીધા બાદ જ્‍યુપીટર આગળના હોન્‍ડામાં અથડાયા પછી બંને વાહનો ફંગોળાઇ ગયા હતાં. જેમાં હોન્‍ડામાં દિકરા સમીરભાઇની પાછળ બેઠેલા માતા શહેનાઝબેન દલનું ટ્રકના જોટા નીચે માથુ છુંદાઇ જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્‍યારે જ્‍યુપીટર ચાલક ઇમિટેશનના વેપારી સુમિતભાઇ પટેલને ગંભીર ઇજા થઇ હતી. તેમણે પણ ટુંકી સારવાર બાદ અંતિમ શ્વાસ લઇ લીધા હતાં. તસ્‍વીરમાં ટ્રક, ઠોકરે ચડેલા બે ટુવ્‍હીલર વ્‍હીલ નીચે દબાયેલા માતાના મૃતદેહ પાસે વિલાપ કરતો પુત્ર અને સગા તથા નીચેની તસ્‍વીરમાં બીજા મૃતક સુમિતભાઇ પટેલનો નિષ્‍પ્રાણ દેહ તથા ઘટના સ્‍થળે લોકો અને મૃતક શહેનાઝબેન દલનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૧૪.૮)

રાજકોટ તા. ૧૬: શહેરના જામનગર રોડ પર રૂડા બિલ્‍ડીંગ પાસે સવારના પ્‍હોરમાં જીવલેણ અકસ્‍માત સર્જાયો છે. જેમાં ટ્રકના ચાલકે જ્‍યુપીટરને ટક્કર મારતાં આ વાહન આગળ જઇ રહેલા હોન્‍ડા સાથે  અથડાયા બાદ બંને ટુવ્‍હીોર ફંગોળાતાં હોન્‍ડા પર દિકરાની પાછળ બેઠેલા ગાયકવાડીના મુસ્‍લિમ મહિલા ટ્રકના પાછલા જોટામાં આવી જતાં તેમના માથા પર જોટો ફરી વળતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે. હોન્‍ડા ચાલક દિકરાનો ઇજા સાથે બચાવ થયો હતો. તે માતાને સિક્‍યુરીટી ગાર્ડની નોકરી પર મુકવા જતો હતો ત્‍યારે બનાવ બન્‍યો હતો. જ્‍યારે જ્‍યુપીટર ચાલક કુવાડવા રોડ પર રહેતાં ઇમિટેશનના વેપારીને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતાં. જો કે તેમનું પણ ટુંકી સારવારને અંતે મોત થયું છે.  તેઓ ઇમિટેશનના કામ માટે નીકળ્‍યા હતાં. આ ગોઝારા અકસ્‍માતમાં બે પરિવારે પોતાના સદસ્‍યો ગુમાવતાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ જામનગર રોડ રૂડા બિલ્‍ડીંગ પાસે બાબુભાઇ ટ્રાન્‍સપોર્ટ લખેલા ટ્રક નં. જીજે૦૩બીવાય-૧૧૪૧ના ચાલકે જ્‍યુપીટર ટુવ્‍હીલર નં. જીજે૦૩એમએસ-૫૩૭૮ને પાછળથી ટક્કર મારતાં તેના ચાલકે કાબુ ગુમાવતાં આગળ જઇ રહેલા હોન્‍ડા સાથે અથડાતાં હોન્‍ડા ચાલકે પણ કાબુ ગુમાવ્‍યો હતો અને બંને ટુવ્‍હીલર ફંગાોળાઇ ગયા હતાં. જેમાં જ્‍યુપીટર ડાબી સાઇડમાં ફેંકાઇ ગયુ હતું. જ્‍યારે હોન્‍ડા ટ્રકના પાછલા જોટા તરફ ફેંકાઇ ગયુ હતું. આ કારણે હોન્‍ડા ચાલક ગાયકવાડી-૫ સાધુ વાસવાણી સ્‍કૂલ પાસે રહેતાં સમીરભાઇ ઇમ્‍તિયાઝભાઇ દલ (ઉ.વ.૨૫)ને ઇજા થઇ હતી. જ્‍યારે પાછળ બેઠેલા તેના માતા શહેનાઝબેન ઇમ્‍તિયાઝભાઇ દલ (ઉ.વ.૪૨)ના માથા પર ટ્રકનો પાછલો જોટો ફરી વળતાં માથું છુંદાઇ જતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું.

બીજી તરફ જ્‍યુપીટર ચાલક સુમિતભાઇ ગોરધનભાઇ કોઠીયા-પટેલ (ઉ.વ.૪૫-રહે. કુવાડવા રોડ ૮૦ ફુટ રોડ શાનદાર રેસીડેન્‍સી-૨)ને ગંભીર ઇજાઓ થતાં બેભાન થઇ ગયા હતાં. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ જતાં પોલીસને અને ૧૦૮ને જાણ કરાઇ હતી. આ વખતે તક જોઇ ટ્રક રેઢો મુકી ચાલક ભાગી ગયો હતો. સુમિતભાઇને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જો કે તેમનું પણ ટુંકી સારવારને અંતે મૃત્‍યુ થતાં આ અકસ્‍માતમાં મૃત્‍યુઆંક બે થયો હતો.

કાળનો કોળીયો બનેલા સુીમતભાઇ ઇમિટેશનનો વેપાર કરતાં હતોં અને બે ભાઇમાં નાના હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં કોઠીયા-પટેલ પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. સવારે સુમિતભાઇ પોતાનું જ્‍યુપીટર લઇને ઇમિટેશનના કા માટે જ્‍યુપીટર લઇને નીકળ્‍યા હતાં ત્‍યારે આ અકસ્‍માત નડયો હતો, જે તેમના માટે જીવલેણ સાબીત થયો હતો.

વધુ વિગત મુજબ મૃત્‍યુ પામનાર શહેનાઝબેન દલના પતિ હયાત નથી. તેમને સંતાનમાં એક દિકરો સમીરભાઇ છે. શહેનાઝબેન ખાનગી હોસ્‍પિટલમાં સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી હતાં. દિકરો તેમને નોકરીના સ્‍થળે મુકવા જવા નીકળ્‍યો ત્‍યારે આ અકસ્‍માત નડયો હતો. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

(3:04 PM IST)