તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 3rd November 2026
બજરંગવાડીની સોમવારીમાં શબનમબેનની નજર ચુકવી રૂા. ૧.૩૨ લાખના દાગીના-રોકડની ચોરી
ખરીદી કરતાં હતાં ત્યારે તેમની નજર ચુકવી ખભે ટીંગાડેલા મોટા પર્સની ચેઇન ખોલી કોઇ બે નાનકડા પર્સ બઠ્ઠાવી ગયું: ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૩: અલગ અલગ વારે શહરેમાં અલગ અલગ સ્થળે ભરાતી બજારોમાં ગ્રાહકો ખરીદી કરવા જતાં હોય છે અને તેની સાથે સાથે ચોર ગઠીયા પણ અહિ આટોફેરો કરી જે મળે એ બઠ્ઠાવી જતાં હોય છે. બજરંગવાડી સર્કલ પાસે ભરાતી સોમવારી બજારમાં ખરીદી કરવા ગયેલા બજરંગવાડીના મહિલાના ખભે રાખેલા પર્સની ચેઇન ખોલી અંદરથી કોઇ બે નાનકડા પર્સ ચોરી ગયું હતું. જેમાં રોકડ-દાગીના મળી રૂા.૧,૩૨,૦૦૦ની માલમત્તા હતી.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ શીતલ પાર્ક પાસે મોચીનગર-૬ શેરી નં. ૮માં રહેતાં શબનમબેન રીઝવાનભાઇ ભીપોત્રા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શબનમબેન પતિ અને છ વર્ષના દિકરા સાથે રહે છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૯/૧૦ના બપોરે પોણાબારેક વાગ્યે હું જામનગર રોડ બજરંગવાડી સર્કલ પાસે સમોવારી ગુજરી બજાર ભરાય છે ત્યાં ખરીદી કરવા ગઇ હતી. મારી સાથે મારા જમણા ખભા પર એક સફેદ રંગનું મોટુ પર્સ હતું. તેમાં એક નાનુ વાદળી પર્સ હતું. જેમાં સોનાની વીંટી, કાનની બુટી, પાંચ હજાર રોકડા હતાં. તેમજ બીજુ કોફી કલરનું નાનુ પર્સ હતું તેમાં પણ ચાર હજારની રકોડ હતી. હું શાકભાજી લીધા બાદ કપડા લેવા માટે ફ્રુટની લારી નજીક કપડાવાળો બેઠો હોઇ ત્યાં ગઇ હતી.
કપડા લીધા બાદ મારે પૈસા આપવાના હોઇ જેથી પર્સ ખોલવા જતાં તેની ચેઇન પહેલેથી જ ખુલ્લી દેખાઇ હતી. જેથી મેં અંદર ચેક કરતાં બે નાના પર્સ ગાયબ હતાં. આ પછી મેં તરત મારા પતિને ફોન કરી જાણ કરી હતી. હું સોમવારી બજારમાં ખરીદી કરવા ગઇ ત્યારે કોઇએ ગિરદીનો લાભ ઉઠાવી નજર ચુકવી મારા ખભે રાખેલા મોટા પર્સમાંથી બે નાના પર્સ ચોરી લીધા હતાં. જેમાં સોનાની વીંટી રૂા. ૮૫ હજારની, કાનની બુટી રૂા. ૩૮ હજારની કિંમતની અને બંને નાના પર્સમાં મળી કુલ નવ હજારની રોકડ હતી. આમ કુલ રૂા. ૧.૩૨ લાખની માલમત્તા ચોરાઇ ગઇ હતી. બીલ વતન ઉપલેટા ખાતે હોઇ તે આવવામાં વાર લાગતાં હવે ફરિયાદ દાખલ કરાવી હતી. તેમ વધુમાં શબનમબેને જણાવતાં પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં એએસઆઇ એમ. એ. વાઘેલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:45 PM IST)










