<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

સૌરાષ્ટ્ર-કચ્‍છમાં ભયંકર દુષ્‍કાળની સ્‍થિતિઃ ગૌધનને બચાવવા રિઝર્વ ફોરેસ્‍ટના ઘાસના ભંડારો તાત્‍કાલિક ખુલ્‍લા મૂકવા રાજકોટની ૨૦થી વધુ ગૌશાળાઓ-૭૦ ગૌસેવકોની કલેક્‍ટરને ધા

પૈસા ખર્ચવા છતાં બજારમાં લીલું કે સૂકું ઘાસ મળતું નથીઃ માલધારીઓ અને ગૌશાળા સંચાલકો ભારે ચિંતામાં ગરકાવ જો વરસાદ પડે તોય નવો ચારો થતા બે મહિના લાગશે, ત્‍યાં સુધી અબોલ પશુઓને ભૂખમરાથી બચાવવા સરકાર તાકીદે મદદ કરે તેવી વણથંભી માંગઃ રાજકોટ, મોરબી, કચ્‍છ સહિતના વિસ્‍તારોમાં પશુપાલન પડી ભાંગવાની ભીતિઃ કલેક્‍ટરે રજૂઆત સાંભળી યોગ્‍ય સ્‍તરે રજૂઆત કરવાની ખાતરી આપી

રાજકોટઃ સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્‍છ તેમજ ગુજરાતના અનેક વિસ્‍તારોમાં ચાલુ વર્ષે સર્જાયેલી વિકટ દુષ્‍કાળની પરિસ્‍થિતિને કારણે ગાય, બળદ સહિતના અબોલ પશુઓ માટે લીલા તેમજ સૂકા ઘાસની અભૂતપૂર્વ અછત સર્જાઈ છે. છેલ્‍લા ઘણા વર્ષો બાદ આવી ગંભીર સ્‍થિતિ સર્જાતા ગૌશાળાઓ, પાંજરાપોળો તેમજ માલધારી સમાજ ભારે ચિતામાં મુકાયો છે. હાલમાં બજારમાં એવી કરુણ સ્‍થિતિ છે કે માત્ર નાણાં હોવા છતાં પણ પશુઓને ખવડાવવા માટે પૂરતું ઘાસ ઉપલબ્‍ધ નથી. લોલું ઘાસ તો દૂરની વાત છે, સૂકું ઘાસ પણ મળી રહ્યું નથી.

આ ગંભીર પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને રાજકોટ શહેરની વિવિધ ગૌશાળાઓ, જીવદયા સંસ્‍થાઓ, ગૌસેવકો અને ગોપાલકોએ સંયુક્‍ત રીતે રાજકોટ જિલ્‍લા કલેક્‍ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવી રાજ્‍ય સરકાર સમક્ષ તાત્‍કાલિક પગલાં લેવા આક્રમક રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું હતું કે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્‍છમાં ચોમાસું નબળું રહેતા ચારો ઉત્‍પાદન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આજે જો રાજ્‍યમાં સારો વરસાદ પણ શરૂ થાય તો પણ નવો ઘાસચારો તૈયાર થવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે. આ દરમિયાન ગૌશાળાઓ, પાંજરાપોળોમાં રહેતા પશુઓ અને માલધારીઓના લાખો પશુઓને માટે ઘાસચારા વિના જીવન ટકાવવું અત્‍યંત મુશ્‍કેલ બની રહ્યું છે.

રાજકોટ જિલ્‍લામાં હાલ અંદાજે ૨૦૦ જેટલી જીવદયા સંસ્‍થાઓ અને ગૌશાળાઓ હજારો ગાય, બળદ, ભેંસ, વૃદ્ધ અને નિરાધાર પશુઓની સેવા કરી રહી છે. આ ઉપરાંત રાજકોટ, મોરબી, કચ્‍છ સહિતના વિસ્‍તારોમાં હજારો માલધારીઓ પોતાના પશુઓનું પાલન કરી રહ્યા છે. પરંતુ લીલા અને સૂકા બંને પ્રકારના ઘાસની ગંભીર અછતને કારણે પશુઓને પૂરતો ચારો મળી રહ્યો નથી. અનેક સ્‍થળોએ ગૌશાળા સંચાલકોને રોજિદા ચારા માટે ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગૌશાળા સંચાલકોએ જણાવ્‍યું હતું કે હાલમાં બજારમાં જે થોડોઘણો ચારો ઉપલબ્‍ધ થાય છે, ત્‍યાં ભાવોમાં પણ અસામાન્‍ય વધારો થયો છે. જેના કારણે નાની અને મધ્‍યમ ગૌશાળાઓ માટે ગૌસેવાનું કાર્ય જાળવી રાખવું અત્‍યંત કપરું બન્‍યું છે. જો આગામી દિવસોમાં તાત્‍કાલિક વ્‍યવસ્‍થા કરવામાં નહીં આવે તો હજારો અબોલ પશુઓ ભૂખમરાની પરિસ્‍થિતિમાં મુકાઈ શકે છે. આથી રજૂઆતમાં રાજ્‍ય સરકારને ખાસ વિનંતી કરવામાં આવી છે કે વન વિભાગ હેઠળ આવેલા રિઝર્વ ફોરેસ્‍ટ વિસ્‍તારમાં વર્ષોથી સંગ્રહિત ઘાસના ભંડારો તાત્‍કાલિક ગૌશાળાઓ, પાંજરાપોળો અને માલધારીઓ માટે ખુલ્‍લા મૂકવામાં આવે. સાથે સાથે જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા ઘાસનું યોગ્‍ય આયોજન, પરિવહન વ્‍યવસ્‍થા તથા જરૂરી સહાય ઉપલબ્‍ધ કરાવવામાં આવે જેથી આગામી બે મહિનાનો સંક્રમણ સમયગાળો સરળતાથી પસાર થઈ શકે.

આ રજૂઆતમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્‍યો કે ગૌધન માત્ર ધાર્મિક આસ્‍થાનું પ્રતીક નથી પરંતુ કૃષિ અને ગ્રામ્‍ય અર્થતંત્રનો મહત્‍વપૂર્ણ આધારસ્‍તંભ છે. લાખો પરિવારોની આજીવિકા પશુપાલન સાથે સંકળાયેલી છે. તેથી ગૌધનની સુરક્ષા કરવી એ માત્ર જીવદયા નહીં પરંતુ રાજ્‍યના કૃષિ અને પશુપાલન ક્ષેત્રને બચાવવાની પણ જવાબદારી છે. કલેક્‍ટરશ્રીએ ગૌશાળા સંચાલકોની રજૂઆત ધ્‍યાનપૂર્વક સાંભળી સમગ્ર બાબત રાજ્‍ય સરકાર સુધી પહોંચાડવાની અને યોગ્‍ય સ્‍તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

આ રજૂઆતમાં કિસાન ગૌશાળા, શ્રીજી ગૌશાળા, ગોવર્ધન ગૌશાળા, સંતોષી ગૌશાળા, રાધે ગૌશાળા, ઓમ વરછરાજ ગૌશાળા, રાધેશ્‍યામ ગૌશાળા (રૈયાધાર), ધરતી ચેરિટેબલ ટ્રસ્‍ટ, રાધાકૃષ્‍ણ ગૌશાળા, ગુરુ દત્તાત્રેય ગૌશાળા, દાતાર ગૌશાળા, વિવેકાનંદ કેળવણી મંડળ (પડધરી), ગોવિદ ગૌશાળા, અર્ચ્‍યુતમ ગૌશાળા, કામધેનુ ગૌશાળા (બેડી), રામ કુપા ગૌશાળા, દ્વારકેશ ગૌશાળા, શ્‍યામ ગૌશાળા, વસુંધરા ગૌશાળા, રાધે રાધે ગૌશાળા, જય બહુચરાજી ગૌશાળા, કરુણા ગૌશાળા તથા ગોકુલ ગૌશાળા, નકળંગ ગૌશાળા સહિતની સંસ્‍થાઓના ટ્રસ્‍ટીઓ અને આશરે ૬૦થી ૭૦ જેટલા ગૌસેવકો હાજર રહ્યા હતા. અંતમાં ગૌશાળા સંચાલકોએ આ વિકટ પરિસ્‍થિતિને આપત્તિ સમજી તાત્‍કાલિક અસરથી રિઝર્વ ફોરેસ્‍ટના ઘાસનો જથ્‍થો ઉપલબ્‍ધ કરાવવા અપીલ કરી છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:03 PM IST)