News of Friday, 26th June 2026
રાજકોટમાં ગંભીર બેદરકારી :લાલપરી નદીના પટ્ટમાંથી ફેંકી દેવાયેલો એક્સપાયર્ડ સરકારી દવાનો મોટો જથ્થો મળતા ચકચાર
ખુલ્લેઆમ કાયદાના ધજાગરા :ગંભીર લાપરવાહી સામે આવતા જ સ્થાનિકોમાં ભારે રોષ:આ કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી

રાજકોટની લાલપરી નદીના પટ્ટમાંથી નિયમોનું ઉલ્લંઘન કરીને ફેંકી દેવાયેલો એક્સપાયર્ડ સરકારી દવાનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. નિયમ મુજબ આવી દવાઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી સુરક્ષિત નિકાલ કરવાનો હોય છે, પરંતુ અહીં જવાબદારો દ્વારા ખુલ્લેઆમ કાયદાના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. આ ગંભીર લાપરવાહી સામે આવતા જ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
રાજકોટની ભૌગોલિક ઓળખ સમાન લાલપરી નદીના પટ્ટમાં અવાવરૂ સ્થળે સરકારી દવાઓનો જથ્થો બિનવારસી હાલતમાં ફેંકી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કેન્દ્રોમાંથી એક્સપાયર્ડ દવાઓનો નિકાલ કરવા માટે ચોક્કસ સરકારી ગાઈડલાઈન્સ અને પ્રોટોકોલ હોય છે. પરંતુ આ કિસ્સામાં જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવા માટે આવા અવાવરૂ સ્થળનો ઉપયોગ કરીને સરકારી કચરો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે વહીવટી તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે.
નદીના પટ્ટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં કેમિકલયુક્ત ઝેરી દવાઓ આ રીતે ખુલ્લામાં ફેંકવાથી પર્યાવરણ અને જનઆરોગ્ય સામે મોટું સંકટ ઊભું થયું છે. પાણીના પ્રવાહ સાથે આ દવાઓ ભળવાથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાનો સીધો ભય રહેલો છે. આ ઉપરાંત, આ વિસ્તારમાં ચરવા આવતા રખડતા પશુઓ અથવા અજાણતા કોઈ બાળકના હાથમાં આ એક્સપાયર્ડ દવાઓ આવી જાય તો મોટી જાનહાનિ કે ગંભીર હોનારત સર્જાઈ શકે છે, છતાં તંત્ર હજુ સુધી આ બાબતે બેધ્યાન રહ્યું છે.
આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થયા છે. પ્રજાના ટેક્સના પૈસાથી ખરીદાયેલી સરકારી દવાઓનો આ રીતે વેડફાટ કરનારા અને પ્રદૂષણ ફેલાવનારા ગુનેગારો સામે હજુ સુધી કોઈ કડક પગલાં કેમ લેવાયા નથી તે મોટો પ્રશ્ન છે. સામાજિક કાર્યકરો અને સ્થાનિક નાગરિકોમાં આ બાબતે ઉગ્ર આક્રોશ છે અને આ ગેરકાયદેસર કૃત્ય કરનારા તત્વોને વહેલી તકે શોધીને તેમની સામે કાયદાકીય શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
(1:49 PM IST)










