News of Monday, 16th November 2026
શહેરમાંથી સીઝનલ રોગચાળો એકાએક ગાયબ! માત્ર ૬૯૦ કેસ
મનપા દ્વારા ૩૮,૬૫૬ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૪૫૪ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૧૦૫ને નોટીસ : શરદી-ઉધરસના ૩૨૯, તાવના ૩૦૫, ઝાડા-ઉલ્ટીના ૫૬, મેલેરીયાના ૧ તથા ડેન્ગ્યુના ૫ દર્દી

રાજકોટ, તા. ૧૬: શહેરમાં હાલ મિશ્ર ઋતુમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં છેલ્લા સપ્તાહમાં ઘટાડો જોવા મળ્યો છે. શરદી, તાવ, ઉધરસ સહિતના ૬૯૦થી વધુ કેસ નોંધાયા હોય છે. તેમજ મચ્છરજન્ય રોગચાળાના ૬ કેસ નોંધ્યા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૯ થી ૧૫ નવે. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
શરદી તાવના ૬૯૦
થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૩૨૯ તેમજ સામાન્ય તાવના ૩૦૫ અને ઝાડા ઉલ્ટીના કેસ ૫૬ સહિત કુલ ૬૯૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૩૫૮૦૨ તેમજ સામાન્ય તાવના ૩૩૬૪૮ અને ઝાડા ઉલ્ટીના કેસ ૧૧૫૮૫ તથા ટાઇફોઇડના ૪૦ તેમજ કમળાના ૪૪ કેસ નોંધાયા છે.
મચ્છરજન્યના ૬ કેસ
શહેમાં છેલ્લા સપ્તાહમાં મચ્છરજન્ય એટલે કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના ૬ કેસ નોંધાયા છે. જયારે સીઝનમા ડેનગ્યુના ૬૮, મેલેરીયાના ૭ તથા ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ
સબબ ૧૦૫ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૮૬૫૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૪૫૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૫૪થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૦૫ લોકોને નોટીસ આપવામાં આવી હતી
(4:16 PM IST)










