તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ઍસ.ડી.બર્મન સંગીતની ઍવી વિરાસત જે આજે પણ જીવંત છે
સચિન દેવ બર્મનની ૧૨૦મી જન્મજયંતિએ સ્નેહપૂર્ણ નમન : બર્મનદા માત્ર સંગીતકાર જ નહોતા પરંતુ અનેક સંગીતકારો માટે ‘ફાધર ફિગર' સમાન હતા. *બર્મનજીનો જન્મ ત્રિપુરાના રજવાડાના પરિવારમાં થયો હતો. *તેઓ ક્યારેક પોતાની ધૂન હોટલના રૂમ બોયને પણ સંભળાવતા અને તેની પ્રતિક્રિયા નિહાળતા. જ્યારે પણ તેઓ મંદિરમાં જતા ત્યારે તેમના ચંપલ કોઇ ચોરી ન જાય એટલે તેઓ બંને ચંપલ અલગ-અલગ જગ્યાએ રાખતા. *તેમણે શરૂઆતમાં સિતાર દ્વારા સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો અને બાદમાં બંગાળી અને હિન્દી સિનેમા તરફ આગળ વધતા પહેલા બંગાળી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. *ભારતના ક્રિકેટર સચિન તેંડુલકરનું નામ સચિનના દાદા કે જે એસ.ડી.બર્મનના જબરા ચાહક હતા તેમણે સચિનદેવ બર્મનના નામ પરથી સચિન નામ પાડયું હતું.

ભારતીય ફિલ્મ સંગીતના ઇતિહાસમાં સચિન દેવ બર્મન એટલે કે ‘બર્મન દા'નું નામ અત્યંત આદર અને ગૌરવ સાથે લેવામાં આવે છે. ગઇકાલે એટલેકે ૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ તેમની ૧૨૦મી જન્મજયંતિ હતી. બર્મનદા માત્ર સંગીતકાર જ નહોતા પરંતુ અનેક સંગીતકારો માટે ‘ફાધર ફિગર' સમાન હતા. તેમના સંગીતની સૌથી મોટી ઓળખ હતી તેની વિશુદ્ધ મધુરતા. તેમની કોઈ ધૂન આંખો બંધ કરીને સાંભળવામાં આવે તો પણ તેના સ્વરમાં રહેલો વિશિષ્ટ રંગ તરત જ કહી દે કે આ સચિનદેવ બર્મનની રચના છે.
સચિન દેવ બર્મનનો જન્મ કુમિલા, બ્રિટિશ ભારત (હવે બાંગ્લાદેશમાં) છે ત્યાં થયો હતો અને મૃત્યુ ૩૧ ઓક્ટોબર, ૧૯૭૫ ના રોજ બોમ્બે (હવે મુંબઈ) ખાતે થયું હતું. બર્મનજીનો જન્મ ત્રિપુરાના રજવાડાના પરિવારમાં થયો હતો. તેમના પિતા નવદ્વીપચંદ્ર દેવ બર્મન ત્રિપુરાના રાજાના પુત્ર હતા. તેમની માતા રાજકુમારી નિર્મલા દેવી મણિપુરના રાજવી પરિવારમાંથી આવતા હતા. બર્મનજીના પિતા એક કુશળ સિતારવાદક હતા અને તેમના પ્રથમ ઔપચારિક સંગીત શિક્ષક હતા. સચીનદેવ બર્મન એક મહાન ભારતીય સંગીતકાર અને ગાયક હતા જેમણે ભારતીય શાષીય સંગીતમાં પોતાની કુશળતાને બંગાળી અને ઉત્તરપૂર્વીય લોક સંગીતની ઊંડી સમજ સાથે કુશળતાપૂર્વક મિશ્રિત કરી હતી. મુખ્ય ફિલ્મો માટે તેમણે બનાવેલા સંગીતનો હિન્દી અને બંગાળી સિનેમા પર કાયમી પ્રભાવ પડ્યો.
ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ બનાવવી એસડી બર્મન માટે સરળ નહોતી. તેમની અલગ સંગીત શૈલી અને અવાજને લઇ અનેકવાર અસ્વીકૃતિનો સામનો કરવો પડ્યો તે છતાં તેમણે તેની શૈલીને પકડી રાખી. ૧૯૪૦ના દાયકામાં તેઓની ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. વર્ષ ૧૯૪૮ માં રિલીઝ થયેલ ફિલ્મ ફિલ્મ ‘દો ભાઇ' નું ગીત ‘મેરા સુંદર સપના બીત ગયા' તેમના શરૂના યાદગાર ગીતોમાં સામેલ થયું. એ પછી ‘નૈજવાન' અને ‘જાલ' જેવી ફિલ્મોએ તેમના સંગીતને વ્યાપક ઓળખ આપી. બર્મનદાની હિટ ફિલ્મો અને ગીતોની યાદી બહુ મોટી છે અને મોટાભાગના લોકોને તે ખ્યાલ પણ છે.
એસ.ડી. બર્મનની કામ કરવાની રીત પણ ખૂબ જ રસપ્રદ હતી. તેમની જીવનકથા ‘એસ.ડી. બર્મન ધ પ્રિન્સ મ્યુઝિશિયન'માં તેમના કામ કરવાની શૈલી સાથે જોડાયેલો એક રસપ્રદ પ્રસંગ મળે છે. જેમાં જણાવ્યા અનુસાર બર્મનદા પોતાની બનાવેલી ધૂનો અંગે પ્રતિભાવ મેળવવા માટે માત્ર મોટા કલાકારો કે સંગીતકારો પર જ આધાર રાખતા નહોતા. કહેવાય છે કે તેઓ ક્યારેક પોતાની ધૂન હોટલના રૂમ બોયને પણ સંભળાવતા અને તેની પ્રતિક્રિયા નિહાળતા. આ પાછળનો હેતુ એ સમજવાનો હતો કે તેમણે બનાવેલી ધૂન સામાન્ય શ્રોતાના કાનને કેવી લાગે છે અને તે તેના મનને કેટલી સ્પર્શે છે.
કલકત્તા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી તેઓ ૧૯૩૨ માં કલકત્તા રેડિયો સ્ટેશનમાં ગાયક તરીકે જોડાયા હતા. તેમણે શરૂઆતમાં સિતાર દ્વારા સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો અને બાદમાં બંગાળી અને હિન્દી સિનેમા તરફ આગળ વધતા પહેલા બંગાળી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. શાહી વંશ અને સફળ કારકિર્દી હોવા છતાં બર્મનદા પૈસાની બાબતમાં ખૂબ જ સાવચેત રહેતા હોવાનું કહેવાય છે. તેમના વિશે શેર કરાયેલ એક કિસ્સા મુજબ જ્યારે પણ તેઓ મંદિરમાં જતા ત્યારે તેમને ચિતા થતી કે કોઈ તેમના ચંપલ ચોરી ન જાય. જ્યારે પણ તેઓ મંદિરમાં પ્રવેશતા ત્યારે તેઓ બંને ચંપલ ક્યારેય સાથે રાખતા નહીં. તેના બદલે તેઓ દરેક ચંપલને અલગ જગ્યાએ રાખતા જેના કારણે ચોર માટે આ જોડી લઈને ભાગી જવાનું ઘણું મુશ્કેલ બની જતું. કોઇએ તેમને પૂછ્યું કે જો કોઈ ખાસ કરીને લ્લઢ ચોર મંદિરની બહારના બધા જ પગરખાં તપાસે અને તેના બંને ચંપલ શોધી કાઢે તો શું થશે? એસ.ડી.બર્મન કહેતા, ‘જો ચોર આટલા બધા ચંપલમાંથી બંને ચંપલ શોધી કાઢે તો તે ખરેખર તેનો હકદાર છે'.
નોંધનીય છે કે, તેમની ફિલ્મ રચનાઓ ઘણીવાર ઉત્તરપૂર્વની બંગાળી, ભાટિયાલી અને ધમાઈલ પરંપરાઓના લોક-ધૂનોના વિશાળ સંગ્રહથી પ્રભાવિત હતી. તેમનો સુવર્ણ યુગ ૫૦ ના દાયકામાં શરૂ થયો જ્યાં તેમણે દેવ આનંદના નવ કેતન પ્રોડક્શન્સ સાથે મળીને ટેક્સી ડ્રાઈવર, મુનીમજી, પેઇંગ ગેસ્ટ, નૌ દો ગ્યારહ અને કલાપાણી જેવી ફિલ્મો માટે સંગીતમય હિટ ગીતો બનાવ્યા. તે સમયના લગભગ બધા જ અગ્રણી ગાયકો તેમના સૂરોને પોતાનો અવાજ આપવા માટે કંઈપણ આપવા તૈયાર હતા. તેઓ ફિલ્મોના મૂડને ખૂબ જ સારી રીતે સમજી શક્યા હતા જેનું અનુમાન બાઝી માટે તદબીર સે બિગદી હુઇ તકદીર અને પ્યાસાના ઙ્કજિન્હે નાઝ હૈ હિદ પર વો કહાં હૈઙ્ઘ જેવા અલગ-અલગ ગીતો પરથી થાય છે. લગભગ બે દાયકા સુધી તેમના ખરાબ સ્વાસ્થ્યને કારણે તેઓ ઇચ્છતા હતા તેટલા સફળ રહ્યા નહીં પરંતુ ૬૦ના દાયકામાં બંદિની, ગાઇડ, જ્વેલ થીફ અને આરાધના અને ૭૦ના દાયકામાં પ્રેમ પૂજારી, અભિમાન, મિલી, ચુપકે ચુપકે જેવી ફિલ્મોએ તેમને હંમેશા લોકોની યાદમાં રાખ્યા.
તેમની કારકીર્દીની શરૂઆતમાં તેમણે પોતાનો અવાજ ફિલ્મના અભિનેતા દ્વારા હોઠ હલાવીને ગવાય તે માટે નામંજૂરી આપી હતી જેના પરિણામે પાછળથી તેમણે હિન્દી સિનેમામાં તેમના પાતળા પણ શક્તિશાળી અવાજને ભાષ્ય રજૂ કરતા કવિના અવાજ તરીકે રજૂ કરવામાં આવ્યો જેમ કે ઓરે માજી મેરા સાજન હૈ ઉસ પાર બંદિની (૧૯૬૩), ગાઇડ (૧૯૬૫)નું ‘વહા કૌન હૈ તેરા' અને છેલ્લે આરાધના (૧૯૬૯) ‘સફલ હોગી તેરી આરાધના' જેના માટે તેમને તે વર્ષે શ્રેષ્ઠ ગાયક તરીકે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતના ક્રિકેટર સચિન તેંડુલકરનું નામ સચિનના દાદા કે જે એસ. ડી. બર્મનના જબરા ચાહક હતા તેમણે સચિનદેવ બર્મનના નામ પરથી સચિન નામ પાડ્યું હતું.
સચિન દેવ બર્મનના પારિવારિક જીવનમાં પણ સંગીતનું મહત્વનું સ્થાન હતું. તેમના પત્ની મીરા દેવ બર્મન અને એકમાત્ર પુત્ર રાહુલ દેવ બર્મન જેમને પ્રેમથી ‘પંચમ દા' તરીકે ઓળખવામાં આવતા બંને હવે હયાત નથી. મીરા દેવ બર્મનનું અવસાન ૧૫ ઓક્ટોબર, ૨૦૦૭ના રોજ થયું હતું, જ્યારે રાહુલ દેવ બર્મનનું અવસાન ૪ જાન્યુઆરી, ૧૯૯૪ના રોજ થયું હતું. સચિન દેવ બર્મનની સંગીતમય પરંપરા આજે તેમના પરિવારથી આગળ વધી તેમની અસંખ્ય અમર રચનાઓમાં જીવંત છે. ‘સુન મેરે બંધુ રે'થી લઈને તેમની અનેક અમર ધૂનો સુધી બર્મનદાનું સંગીત ભારતીય સિનેમાના સુવર્ણ યુગની એવી ઓળખ છે જેને સમય ક્યારેય જૂનું કરી શક્યો નથી.
૧૨૦મી જન્મજયંતિએ આ મહાન સંગીતકાર અને ગાયકને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.
‘પંચમ, મને ખબર હતી કે કિશોર આ રીતે ગાશે...!'
કિશોર કુમારે એ સમયે એસ.ડી.બર્મનને લઇ એક કિસ્સો કહેલો. કિશોર કુમારે અમીન સયાનીના રેડિયો કાર્યક્રમમાં આ ઘટના પોતાના શબ્દોમાં વર્ણવી હતી અને તે જ કાર્યક્રમનું રેકોર્ડિગ ગીતમાલા કી છાંઓ મેં સંગ્રહ પર ઉપલબ્ધ છે. જે મુજબ, ૧૯૭૫માં એસ.ડી. બર્મન હૃષિકેશ મુખર્જીની મિલી માટે ગીતો રેકોર્ડ કરી રહ્યા હતા. એક દિવસે તેઓ ગાયક કિશોર કુમાર સાથે તેમના નિવાસસ્થાને બડી સૂની સૂની હૈ ગીતનું રિહર્સલ કરી રહ્યા હતા પરંતુ તરત જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કિશોરદા ગીતનું રિહર્સલ કરી રહ્યા હતા ત્યારે સચિનદેવ બર્મન બીમાર પડવા લાગ્યા હતા. કિશોરદાએ જણાવેલ કે, હું રિહર્સલ કરતો રહ્યો હતો પણ તેની આંખો ઉદાસ, ખાલી દેખાતી હતી. તે શાંતિથી મારી સામે જોતા રહ્યા, ગીત સાંભળતા રહ્યા. રિહર્સલ પૂર્ણ થયા પછી તરત જ કિશોરદા ઘરેથી નીકળી ગયા અને લગભગ ૨૫ મિનિટ પછી એસડી બર્મન જમીન પર પડી ગયા. તાત્કાલિક ડોક્ટરને બોલાવવામાં આવ્યા અને તેમણે સૂચન કર્યું કે સંગીતકારને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા જોઈએ પરંતુ દાદા ગયા નહીં. તેમણે આગ્રહ કર્યો કે તે હોસ્પિટલમાં નહીં જાય કારણ કે કિશોર કુમારે કાલે આ ગીત રેકોર્ડ કરવાનું છે. રેકોર્ડિગ પૂર્ણ થયા પછી તમે મને જ્યાં ઇચ્છો ત્યાં લઈ જઈ શકો છો.
તેમના પુત્ર આર.ડી બર્મન જેને પ્રેમથી પંચમદા તરીકે ઓળખવામાં આવે છે તેઓ કિશોર કુમારના ઘરે દોડી ગયા અને તેમને કોઈ બહાનું શોધવા માટે વિનંતી કરી જેથી તેઓ બર્મનદાને હોસ્પિટલ લઇ જઇ શકે. કિશોરકુમાર ફરી બર્મનદાને ઘરે આવ્યા અને તેમનું નાજુક શરીર જોયું જેને તબીબી સહાયની જરૂર હતી અને તેણે જાણી જોઈને કઠોર અવાજમાં વાત કરી. તેણે ગળામાં દુખાવો હોવાનો ડોળ કર્યો જેથી દાદા ગીત રેકોર્ડ કરવાનો આગ્રહ ન કરે. કિશોર કુમારે કહ્યું, દાદા મારો અવાજ સાંભળો અત્યારે ખૂબ ખરાબ છે. ચાલો રેકોર્ડિગ થોડા દિવસો માટે મુલતવી રાખીએ. તમે હોસ્પિટલમાં જાઓ અને તમે પાછા આવો ત્યાં સુધીમાં મારો અવાજ ઠીક થઈ જશે અને પછી આપણે રેકોર્ડ કરીશું'. પરંતુ આ સ્થિતિમાં પણ સચિનદાએ કહ્યું, 'કિશોર, ગીત સારું હોવું જોઈએ. જ્યારે તમારો અવાજ સારો થાય ત્યારે જ રેકોર્ડ કરો અને જો હું રેકોર્ડિગમાં ન આવી શકું તો વિચારો કે હું તમારી સામે જ ઉભો છું અને એવું ગાઓ જે રીતે હું તમને ગવરાવવા માંગતો હતો'.
સચિન દાદા હોસ્પિટલ ગયા હતા પણ શંકાસ્પદ હોવાથી તેઓ રેકોર્ડિગ માટે આવી શક્યા નહીં. ભલે તેઓ શારીરિક રીતે હાજર ન હતા પણ ગાયન કરતી વખતે કિશોર કુમાર તેમના વિશે વિચારતા હતા. પાછળથી પંચમદા રેકોર્ડિગ સાથેની ટેપ હોસ્પિટલ લઈ ગયા જેથી તેના પિતા તેને સાંભળી શકે. તે ગીત સાંભળીને સચીનદેવ બર્મનની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમેથી બોલ્યા 'પંચમ, મને ખબર હતી કે કિશોર આ રીતે ગાશે'.
પ્રશાંત બક્ષી

(3:25 PM IST)










