<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

રાજકોટ જિલ્લાના ગ્રામીણ બહેનો માટે SBI આરસેટી દ્વારા રહેવા-જમવા સાથે તદ્દન નિઃશુલ્‍ક જયુટ પ્રોડક્‍ટ અને LMV ડ્રાઇવિંગની તાલીમ શરૂ

૧૮ થી ૪૫ વર્ષની વયજૂથના ગરીબ પરિવારના બેરોજગાર યુવક-યુવતીઓને આત્‍મનિર્ભર બનાવવા ૫૦થી વધુ પ્રકારના કોર્સ વિનામૂલ્‍યે શીખવાડાશે આગામી સમયમાં આસિસ્‍ટન્‍ટ બુકકીપર, એસી ફ્રિજ રિપેરિંગ અને મોબાઈલ રિપેરિંગની તાલીમ પણ અપાશે

 રાજકોટઃ સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા   બેંક તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી ગામડાઓમાં વસતા ૧૮ થી ૪૫ વર્ષની વય જૂથના ગરીબ પરિવારના બેરોજગાર યુવક-યુવતીઓને પગભર કરવા માટે ૫૦ કરતા પણ વધારે પ્રકારની તાલીમ વિનામૂલ્‍યે આપવામાં આવી રહી છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, ગાર્ડી ગેટ-૨ પાસે, એ.જી. સ્‍ટાફ ક્‍વાર્ટર્સ સામે આવેલી એસ.બી.આઈ. ગ્રામીણ સ્‍વ-રોજગાર તાલીમ સંસ્‍થા માં ડાયરેક્‍ટર  પવનકુમાર ગોરના માર્ગદર્શન હેઠળ ૧૪ દિવસની  જયુટ (શણ) પ્રોડક્‍ટ બનાવટ અને ૩૦ દિવસની એલએમવી ડ્રાઇવિંગ ની તાલીમ ચાલુ કરવામાં આવી છે. આ તાલીમનો સમય સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્‍યા સુધીનો રહેશે તેમજ તાલીમાર્થીઓને ઉત્તમ પ્રકારનો ચા-નાસ્‍તો અને જમવાનું તથા રહેવા માટે હોસ્‍ટેલની સુવિધા પણ તદ્દન નિઃશુલ્‍ક પૂરી પાડવામાં આવે છે.

 ગ્રામીણ બહેનોને ઉચ્‍ચ કક્ષાની તાલીમ મળી રહે તે હેતુથી તમામ પ્રકારનું રો-મટીરીયલ પણ સંસ્‍થા દ્વારા જ વિનામૂલ્‍યે આપવામાં આવતી હોવાનું સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે.  જયુટ પ્રોડક્‍ટ બનાવટ અંતર્ગત તાલીમાર્થી બહેનોને વિવિધ પ્રકારની જયુટ બેગ્‍સ, કાર્પેટ, બોટલ બેગ્‍સ, વોલ હેન્‍ગીંગ્‍સ વગેરે બનાવવાનું પ્રશિક્ષણ વિષય નિષ્‍ણાંત નિર્મલા પાટીદાર દ્વારા ખૂબ જ સરળ શૈલીમાં શીખવવામાં આવી રહ્યું છે, જયારે LMV ડ્રાઇવિંગના તાલીમાર્થીઓને ફોરવ્‍હીલ ડ્રાઇવિંગ, રોડ એન્‍ડ સેફ્‌ટી નિયમો, ટ્રાફિક નિયમન વગેરેનું માર્ગદર્શન અનુભવી માસ્‍ટર ટ્રેનર અભિષેક સિંહ દ્વારા આપવામાં આવી રહ્યું છે.

હાલ રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જસદણ, વિંછીયા તાલુકાના છેવાડાના ગામડાઓના બહેનો તેમજ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના બહેનો આ નિઃશુલ્‍ક તાલીમનો લાભ લઈ રહ્યા છે. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ તમામ તાલીમાર્થીઓને સરકાર માન્‍ય સર્ટિફિકેટ આપવામાં આવે છે અને પોતાનો સ્‍વતંત્ર વ્‍યવસાય શરૂ કરવા માટે સંસ્‍થા તરફથી નાણાકીય જરૂરિયાત હોય તો વિવિધ બેંક લોન વિશે પણ વિસ્‍તૃત માહિતીગાર કરવામાં આવે છે. આ સંસ્‍થામાંથી અત્‍યાર સુધીમાં અસંખ્‍ય ભાઈઓ અને બહેનો તાલીમ મેળવીને પોતાના સ્‍વતંત્ર વ્‍યવસાય દ્વારા આત્‍મનિર્ભર બન્‍યા હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

 સંસ્‍થા દ્વારા આગામી સમયમાં ગ્રામીણ વિસ્‍તારના ભાઈઓ અને બહેનો માટે આસિસ્‍ટન્‍ટ બુકકીપર (ટેલી એકાઉન્‍ટ), એસી એન્‍ડ ફ્રિજ રિપેરિંગ અને મોબાઈલ રિપેરિંગ જેવા નવા કોર્સ પણ શરૂ કરવામાં આવનાર છે. ભારત ભરમાં આ પ્રકારની કુલ ૬૦૯ જેટલી ‘આર.સેટી'  સંસ્‍થાઓ આવેલી છે જે ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી રાજય સરકાર અને એસ.બી.આઈ. બેંકના સહિયારા સહયોગથી કાર્યરત હોવાનું જણાવાયું છે. રાજકોટ અને મોરબી જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારના બેરોજગાર યુવક/યુવતીઓ જે આ તાલીમ લેવા ઈચ્‍છતા હોય, તેઓ સંસ્‍થાની રૂબરૂ અથવા  સંસ્‍થાના ડાયરેક્‍ટર શ્રી પવન કુમાર ગોર (મો. નં. ૭૬૦૦૦ ૩૫૨૨૩) કે ફેકલ્‍ટી  સંદીપ મઢવી (મો. નં.૯૭૩૭૩ ૯૭૨૭૩)   નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે. 

(3:38 PM IST)