News of Tuesday, 6th October 2026
ગુરૂવારે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૬૧મો પદવીદાન સમારંભઃ ૧૪ વિદ્યાશાખાના ૪૫૯૨૪ દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત થશે
પદવીદાન સમારંભમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણમંત્રી ત્રિકમભાઇ છાંગા, પ્રોફે. કે.એસ. નારાયણ ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશેઃ ૧૧૫ વિદ્યાર્થીઓને ૧૩૨ ગોલ્ડમેડલ તથા કુલ ૧૪૫ વિદ્યાર્થીઓને ૨૨૭ પ્રાઇઝ અર્પણ કરવામાં આવશે

રાજકોટ તા.૬: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૬૧ મો પદવીદાન સમારંભ આગામી તા. ૦૮ ને ગુરુવારના સવારે ૧૧ કલાકે રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા તથા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટીફીક રીસર્ચ, બેંગલુરુના સાયન્ટીસ્ટ અને પ્રેસીડેન્ટ પ્રોફે. કે.એસ. નારાયણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ૪૫૯૨૪ દિક્ષાર્થીઓને પદવીઓ તથા ૧૩૨ ગોલ્ડમેડલ તથા ૨૨૭ પ્રાઈઝ એનાયત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ૬૧ મા પદવીદાન સમારોહમાં કુલ ૧૧૫ વિદ્યાર્થીઓને કુલ ૧૩૨ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે જેમાં દાતાશ્રીઓ તરફથી કુલ ૬૦ ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ ૭૨ ગોલ્ડમેડલ મળીને કુલ ૧૩૨ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. દાતાશ્રીઓ તરફથી કુલ ૧૧૪ પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ ૧૧૩ પ્રાઈઝ મળીને ૨૨૭ પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે. પદવીદાન સમારોહમાં ગોલ્ડમેડલ મેળવનાર કુલ ૧૩૨ દિક્ષાર્થીઓમાં ૨૭ વિદ્યાર્થીઓ તથા ૧૦૫ વિદ્યાર્થીનીઓ મળીને કુલ ૧૩૨ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે.
એમ.પી. શાહ મેડીકલ કોલેજ, જામનગરની વિદ્યાર્થીની શ્રી શાહ કેયાને એમ.બી.બી.એસ. માં સૌ થી વધુ ૦૫ ગોલ્ડમેડલ અને ૦૮ પ્રાઈઝ, સી.યુ. શાહ મેડીકલ કોલેજ, સુરેન્દ્રનગરની વિદ્યાર્થીની બારાઈ પલક રાજેશભાઈને એમી.બી.બી.એસ. માં ૦૪ ગોલ્ડમેડલ અને ૦૩ પ્રાઈઝ, એ.એમ.પી. લો કોલેજ, રાજકોટની વિદ્યાર્થીની ઉટેલીયા શોભના જેરામભાઈને એલ.એલ.બી. માં-૦૩ ગોલ્ડમેડલ અને ૦૭ પ્રાઈઝ, યોગીજી મહારાજ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધારીની વિદ્યાર્થીની રાઠોડ હેમાલી ચતુરભાઈને બી.એ. માં ૦૩ ગોલ્ડમેડલ અને ૦૩ પ્રાઈઝ એનાયત થશે. પદવીદાન સમારોહના ગરીમાપૂર્ણ આયોજન માટે કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના અધ્યક્ષસ્થાને ભવનોના અધ્યક્ષશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા વિવિધ કમિટીના કન્વીનરોની મીટીંગ મળી હતી. આ મીટીગમાં પદવીદાન સમારોહના ગરીમાપૂર્ણ આયોજન સંદર્ભે કુલપતિશ્રીએ સૌને માર્ગદર્શન આપ્યું હતું.
૬૧ મા પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખામાં ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વિનયન વિદ્યાશાખા ૧૩૯૬૫, શિક્ષણ વિદ્યાશાખા ૩૬૨૦, વિજ્ઞાન વિદ્યાશાખા ૭૦૧૧, કાયદા વિદ્યાશાખા ૨૪૦૦, તબીબી વિદ્યાશાખા ૨૧૬૪, વાણિજય વિદ્યાશાખા ૧૧૮૫૬, મેનેજમેન્ટ વિદ્યાશાખા ૨૫૯૯, હોમીયોપેથી વિદ્યાશાખા ૧૨૭, આર્કીટેકચર વિદ્યાશાખા ૩૬, હયુમીનીટીઝ એન્ડ સોશીયલ સાયન્સીસ વિદ્યાશાખા ૧૧૦૫, કોમ્પ્યૂટર સાયન્સ વિદ્યાશાખા ૪૦૦, ગ્રામવિદ્યા વિદ્યાશાખા ૧૮૩, ગળહવિજ્ઞાન વિદ્યાશાખા ૨૦૯, લાઈફ સાયન્સીસ વિદ્યાશાખા ૧૨૨, ફાર્મસી વિદ્યાશાખા ૯૮, પર્ફોમીંગ આર્ટસ વિદ્યાશાખા ૨૯ કુલ ૪૫૯૨૪ વિદ્યાર્થીઓ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૬૧ મા પદવીદાન સમારંભનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ તથા સોશીયલ મિડીયા પ્લેટફોર્મ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૬૧ મા ગરીમાપૂર્ણ પદવીદાન સમારંભમાં પદવી મેળવનાર તથા તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓએ પદવીદાન સમારંભના લાઈવ પ્રસારણનો લાભ લેવા અનુરોધ કરાયો છે. ગરીમાપૂર્ણ ૬૧ મા પદવીદાન સમારોહને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશી તથા કુલસચિવ ડો. અજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પરીક્ષા નિયામક ડો. ધીરેનભાઈ પંડયા, ઓ.એસ.ડી. નીલેષભાઈ સોની, પરીક્ષા ડીગ્રી વિભાગ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવારના સૌ કાર્યરત છે
(2:26 PM IST)










