તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
જરૂરિયાતમંદ દર્દીઓને સંતોષ અને આંખોની ભીનાશ એજ સાચી ઇશ્વર ભક્તિ : પ્રદ્યુમન વાજા
સ્વ. વિજયભાઇ રૂપાણીની સ્મૃતિમાં વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો : લોકોના આર્શીવાદ જ આ સંસ્થાની સાચી મૂડી છે અને આ આર્શીવાદ કયારેય એળે નહીં જાય : પરસોત્તમભાઇ રૂપાલા* અંજલીબેન અને તેમની ટીમ જે રીતે સ્વ. વિજયભાઇના સેવાના વારસાને આગળ ધપાવી રહી છે તે ખરેખર વંદનીય છે : ડૉ. નેહલ શુકલ

રાજકોટ : શ્રી વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએસ) - રાજકોટના સંયુક્ત ઉપક્રમે ‘વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત મંત્રીશ્રી પ્રદ્યુમન વાજા, ટ્રસ્ટના ચેરમેન શ્રીમતિ અંજલિબેન રૂપાણી, ન્યુ એરા સ્કૂલના સંચાલક શ્રી અજયભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવેલ.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આજે સ્વ. વિજયભાઈ આપણી વચ્ચે સદેહે નથી, પરંતુ તેમની વંચિતો પ્રત્યેની સંવેદના આ કેમ્પના માધ્યમથી આજે પણ જીવંત છે. જ્યારે સમાજનો છેવાડાનો માણસ માંદગીના ખાટલે હોય અને તેને નિઃશુલ્ક સારવાર તેમજ દવાઓ મળે, ત્યારે તેના ચહેરા પર આવતો સંતોષ અને આંખોની ભીનાશ એ જ સાચી ઈશ્વર ભક્તિ છે. આ ભગીરથ કાર્ય બદલ હું સ્વ. વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને આઈ.એમ.એ.ની ટીમને હૃદયપૂર્વક બિરદાવું છું.
સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, રાજકોટની ધરતી સેવા માટે જાણીતી છે. માંદગી માત્ર શરીર નહીં, આખા પરિવારની આર્થિક કમર તોડી નાખે છે. એવા સમયે સ્વ. વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને રાજકોટના તબીબોએ ભેગા મળીને આ સેવાનો જે સેતુ બાંધ્યો છે, તે અનુકરણીય છે. લોકોના આશીર્વાદ જ આ સંસ્થાની સાચી મૂડી છે અને આ આશીર્વાદ કયારેય એળે નહીં જાય.
મેયરશ્રી નેહલ શુક્લએ શહેરના પ્રથમ નાગરિક તરીકે ગૌરવ વ્યક્ત કરતા કહ્યું હતું કે, એક જ છત નીચે આટલા બધા નિષ્ણાત ડોક્ટરો ભેગા થઈને જ્યારે કોઈ પણ સ્વાર્થ વગર લોકોની પીડા હરવાનું કામ કરે, ત્યારે આખું રાજકોટ ધન્યતા અનુભવે છે. રાજકોટ મ.ન.પા. પણ આવા સેવાકીય કાર્યોમાં હંમેશાં ખભેથી ખભા મિલાવીને ઊભી રહેશે. અંજલિબેન અને તેમની ટીમ જે રીતે સ્વ. વિજયભાઈના સેવાના વારસાને આગળ ધપાવી રહી છે, તે ખરેખર વંદનીય છે.
આ કેમ્પમાં નિષ્ણાંત ન્યૂરો-સ્પાઇન સર્જન ડો. પ્રકાશ મોઢા, ડો. કાંત જોગાણી, ડો. વિરલ વરસાણી, યુરો સર્જન ડો. જીતેન્દ્ર અમલાણી, ગેસ્ટ્રો સર્જન ડો. કાર્તિક સુતરીયા, જનરલ સર્જન ડો.જીજ્ઞેશ ભીમાણી, ફિઝીશ્યન અને એમ.ડી. (ક્રીટીકલ કેર) ડો. અમિત હાપાણી, ડો. મયંક ઠક્કર, ડો. જયેશ ડોબરીયા, ડો. સંકલ્પ વણઝારા, ડો. જસ કરમટા, કાન-નાક-ગળા માટે ડો. જતિન મોદી, ડો. નીરવ મોદી, ડો. યશ કાકડીયા,સ્ત્રી રોગ વિભાગમાં ડો. પ્રતિમાબેન પરીખ, ડો. દર્શનાબેન પંડ્યા, ડો. અલ્પા સોલંકી વાઢીયા, હાડકાના દર્દો માટે ડો. કેતન ઠક્કર, ડો. ભાવેશ સચદે, ડો. કલ્પેશ બજાણિયા, ચામડીના દર્દો માટે ડો. ચેતન લાલસેતા, ડો. ભરત ટાંક, ડો. પાયલ ટાંક, બાળરોગ વિભાગમાં ડો. નીરવ કરમટા, ડો. કળણાલ આહ્યા, ડો. સવન વામજાએ પોતાની સેવાઓ આપી હતી. જરૂરી દવાઓ તથા પ્રાથમિક લેબોરેટરી તપાસ તદન નિઃશુલ્ક કરી આપવામાં આવેલ.
કેમ્પમાં ધારાસભ્યોશ્રી, ભાનુબેન બાબરિયા, શ્રી ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, પૂર્વ મેયર શ્રી બીનાબેન આચાર્ય, અગ્રણી શ્રી ઋષભભાઈ રૂપાણી, શ્રી રાજેશ રૂપાણી, શ્રી ડો. મેહુલભાઈ રૂપાણી, શ્રી માધવભાઈ દવે, શ્રી ધનસુખભાઈ ભંડેરી, શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શ્રી ડો.જૈમનભાઈ ઉપાધ્યાય સહિત ન્યુ એરા સ્કુલના સંચાલક શ્રી અજયભાઈ પટેલ, આઇએમએના તમામ પદાધિકારીઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પને સફળ બનાવવા શ્રી વિજયભાઈ રૂપાણી મેમોરીયલના ચેરમેન શ્રીમતી અંજલીબેન રૂપાણી, ડો. મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન મેડીકલ એસોસીએશન - રાજકોટ, શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, એચએનએસ ગ્રુપ ઓફ કોલેજ, આર્યવીર હોમિયોપેથી મેડીકલ કોલેજ, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ એન્ડ રીસર્ચ સેન્ટર, ડીઝાઇન કોલેજ, ગુજરાત સ્કૂલ ઓફ એક્સીલન્સ તેમજ કાર્યકર્તા અને કર્મચારી ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવેલ હતી

(2:34 PM IST)










