<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

સર્વેશ્વર ચોકનું પ્રથમ ‘પિન્‍ક ટોઇલેટ' કાગળ ઉપર જ અટકયુ!

રૂ. ૨૬.૩૫ લાખની દરખાસ્‍ત નામંજૂર : સિવિલ વર્કને બદલે શહેરનાં ૧૫થી ૨૦ સ્‍થળોએ ઓછા ખર્ચે મેટલ બોડી ટોઇલેટ મુકાશે

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૭માં સર્વેશ્વર ચોક પાસે વોકળાની બાજુએ મહિલાઓ માટે ખાસ ‘પિન્‍ક ટોઇલેટ બ્‍લોક' બનાવવાની રૂ. ૨૬.૩૫ લાખની દરખાસ્‍તને સ્‍ટેન્‍ડિંગ કમિટીએ નામંજૂર કરી છે. આ સાથે વોર્ડ નં. ૩ના રેલનગર વિસ્‍તારમાં ટીપી સ્‍કીમ નં. ૧૯-એના ફાઇનલ પ્‍લોટ નં. ૯-એમાં સંતોષીનગર મેઇન રોડ ઉપર આંગણવાડીની બાજુના પ્‍લોટમાં પે એન્‍ડ યુઝ ટોઇલેટ બનાવવા માટેની રૂ. ૨૦.૬૩ લાખની દરખાસ્‍ત પણ ફગાવી દેવામાં આવી છે.

હવે શહેરનાં અલગ અલગ ૧૫થી ૨૦ સ્‍થળોએ મેટલ બોડીવાળાં ટોઇલેટ મૂકવાની યોજના બનાવવામાં આવી છે. સિવિલ વર્કથી બનતા ટોઇલેટ પાછળ રૂ. ૨૦થી ૨૫ લાખનો ખર્ચ થતો હોવાથી તેની સામે અંદાજે રૂ. ૧૫ લાખમાં મેટલ બોડી ટોઇલેટ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. પસંદ થનારી એજન્‍સી ૩૦ વર્ષ સુધી તેના સંચાલન અને જાળવણીની જવાબદારી સંભાળશે.

(3:28 PM IST)