News of Thursday, 26th November 2026
બેભાન હાલતમાં પરસાણાનગરના ૨૬ વર્ષના સંતોષ વાઘેલાનું મૃત્યુ
બે બહેનનો એક જ ભાઇ હતોઃ અન્ય બનાવોમાં ૪૦-૪૦ વર્ષના રમેશભાઇ દાડોદરા અને વિમલભાઇ પરમારના મૃત્યુઃ પરિવારોમાં શોક

રાજકોટ તા. ૨૬: બેભાન હાલતમાં ૨૬ વર્ષના એક ૪૦-૪૦ વર્ષના બે યુવાનના મૃત્યુ થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ મોરબી રોડ વેલનાથપરામાં રહેતાં રમેશભાઇ મનસુખભાઇ દાડોદરા (ઉ.વ.૪૦) વહેલી સવારે સાડા ત્રણેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર રમેશભાઇ પાંચ ભાઇમા મોટા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. કેટલાક સમયથી તેઓ બિહાર હોઇ રાતે શરીરે સોજા ચડી ગયા બાદ તબીયત બગડી હોવાનું સગાએ કહ્યું હતું. બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં લક્ષ્મીનગર મેઇન રોડ પર નંદકિશોર સોસાયટી ત્રિવેણી મંગલ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં વિમલભાઇ વનરાજસિંહ પરમાર (ઉ.વ.૪૦) નામના યુવાન સાંજે સાડા આઠેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
ત્રીજા બનાવમાં જામનગર રોડ પર પરસાણાનગર-૫માં રહેતો સંતોષભાઇ સુખદેવભાઇ વાઘેલા (ઉ.વ.૨૬) રાતે દસેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સંતોષભાઇ બે બહેનનો એક જ નાનો ભાઇ હતો. સંતાનમાં એક દિકરી છે. હાલ લિવરની બિમારી હોઇ કામ કરી શકતો નહોતો. છેલ્લે કમળાની અસર થઇ ગયાનું સગાએ કહ્યું હતું. પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(2:41 PM IST)










