તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
સાસરીયાઓએ પિયરમાંથી પૈસા લાવવા ત્રાસ આપતા સંગીતાએ આપઘાત કર્યો'તો
પતિ, સસરા અને જેઠ-જેઠાણીના ત્રાસથી કંટાળી ગઇ તા.૨૭ના આજીડેમમાં ઝંપલાવી જીંદગી ટુંકાવતા આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ તા.૬: ભાવનગર રોડ પર અમુલ સર્કલ પાસે રહેતી સંગીતા કિશન કોરાડીયા (ઉ.વ.૧૮)એ ગઇ તા.૨૭ના આજીડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જેને પતિ સહિતના સાસરીયાઓએ લગ્નનું દેવુ ભરપાઇ કરવા માટે પિયરમાંથી પૈસા લઇ આવવા ત્રાસ આપી મરવા મજબુર કર્યાનું ખુલતા આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
આ મામલે સંગીતાબેનના માતા હંસાબેન વાઘેલા (ઉ.વ.૫૦ રહે.રેસકોર્ષ પાસે, મુળ સાવરકુંડલા)એ તેની પુત્રીના પતિ-કિશન, સસરા-મધુ, જેઠ-મગન, જેઠાણી-કાજલ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ કે, ત્રણ બહેનો અને એક ભાઇમાં વચેટ સંગીતાના પતિ અને સસરા ગઇ તા.૨૭ના ફોન કરી જાણ કરી હતી. સંગીતા અને જેઠાણી સાથે ઝઘડો થતા નિકળી ગઇ છે. જેથી તેની શોધખોળ શરૂ કરી હતી. બીજા દિવસે તેની આજીડેમમાંથી લાશ મળી આવી હતી. સંગીતાના લગ્ન પાંચેક માસ પહેલા કિશન સાથે થયા હતા. તે સાસરીયા સાથે અમુલ સર્કલ નજીક રહેતી હતી. સાતમ-આઠમના બે માસ પહેલા સંગીતાએ તેને ફોન કરી ‘‘આ લોકો હેરાન કરે છે તડી જાવ'' કહેતા તે સંગીતાને તેડી લાવ્યા હતા. બાદમાં સંગીતાને પુછતા વાત કરી હતી કે ‘‘મારા લગ્નમાં દેવુ થયેલ તું તારા માવતરના ઘરેથી પૈસા લઇ આવ અને દેવુ ભરપાઇ કરી દે' કહીને પતિ, સસરા અને જેઠ-જેઠાણી ત્રાસ આપે છે. સંગીતા અઢી માસ રીસામણે રહયા બાદ સાસરીયાઓ સમાધાન કરી તેને તેડી ગયા હતા. થોડા દિવસ બાદ સંગીતાએ ફોન કરી ‘‘ સાસરીયાઓ મારી પાસે નાકની નથણી વેંચાણ કરી દેવુ ભરપાઇ કરવાનું જણાવે છે. જેથી ના પાડતા હેરાન કરે છે. જેથી તમે પૈસાની સગવડ કરી આપો' તેમ વાત કરતા તેણે સંગીતાને ‘‘તારા બાપુજી બીમાર છે, પૈસાની સગવડ થાય તેમ નથી' તેમ કહેતા ફોન રાખી દીધો હતો. ત્યારબાદ તા.૨૭ના સંગીતાએ આજીડેમમાં ઝંપલાવી જીંદગી ટુંકાવી લીધી હતી
(3:18 PM IST)










