તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
સંત પુનિત’નો જીવનસંઘર્ષઃ જીવનપ્રેરણાનું દિશાદર્શક પુસ્તક
સ્વામી સચ્ચીદાનંદ દ્વારા શબ્દોરૂપે સંત પુનિત મહારાજના જીવનનો સાક્ષાત્કાર :* સંત ‘પુનિત'નો જીવનસંઘર્ષ એક સામાન્ય પુસ્તક નથી - તે એક જીવંત પ્રાર્થના છે, જે વાચકને આત્માની શોધ અને સેવાના માર્ગે પ્રેરિત કરે છે. જે કોઈ પણ વ્યક્તિ ભક્તિ, સેવા અને સંઘર્ષની વાતોમાં રસ ધરાવે છે, તેના માટે આ પુસ્તક અમૂલ્ય છે. * પુસ્તકમાં કોઇ તસવીરો નથી પણ દરેક શબ્દો અને પ્રસંગોની છબી વાંચકના હ્રદયમાં કોતરાય તેવો આ ગ્રંથ છે. * સ્વામી સચ્ચિદાનંદ જેવા પ્રતિષ્ઠિત સંત, વેદાંતાચાર્ય અને અનુભવી લેખકના હાથે લખાયેલું આ જીવનચરિત્ર સંત પુનિત મહારાજના સંઘર્ષમય જીવનને આપણી સમક્ષ એવી સુંદર રીતે રજૂ કરે છે કે વાચકનું હૃદય ભક્તિરસથી ભીંજાઈ જાય છે.

ગુજરાતની સંતપરંપરામાં અનેક મહાન સંતોએ સમાજને આધ્યાત્મિકતા, સેવા અને સદાચારનો માર્ગ બતાવ્યો છે. એવા જ પ્રેરણાસ્રોત સંતોમાં એક નામ છે સંત પુનિત મહારાજનું. તેમના જીવન, વિચારો અને સેવાકાર્યને ઉજાગર કરતું મહત્વપૂર્ણ પુસ્તક છે સંત ‘પુનિત'નો જીવનસંઘર્ષ, જેનું લેખન પદ્મભૂષણ સ્વામી સચ્ચીદાનંદજી દ્વારા કરવામાં આવ્યું છે. આ પુસ્તક માત્ર જીવનચરિત્ર નથી, પરંતુ જીવનને યોગ્ય દિશામાં આગળ વધારવાનું પ્રેરણાદાયક માર્ગદર્શન છે. પુસ્તકમાં સંત પુનિત મહારાજના બાળપણ, સંસ્કાર, આધ્યાત્મિક સફર અને સમાજસેવાના વિવિધ પ્રસંગોને સરળ અને અસરકારક ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે. સંત પુનિત મહારાજે જીવનભર ભક્તિ સાથે માનવસેવાને વિશેષ મહત્વ આપ્યું હતું. તેમણે લોકોમાં સદાચાર, પ્રેમ, પરોપકાર અને નૈતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યા હતા. પુસ્તકમાં તેમના ઉપદેશો અને જીવનપ્રસંગો વાચકને આત્મચિતન કરવા પ્રેરિત કરે છે.
સ્વામી સચ્ચિદાનંદજીએ પુસ્તકમાં આધ્યાત્મિક વિચારોને સરળ ભાષામાં રજૂ કર્યા હોવાથી સામાન્ય વાચક પણ તેને સરળતાથી સમજી શકે છે. પુસ્તક વાંચતાં વાચકને એવું અનુભવે છે કે જાણે સંત પુનિત મહારાજના જીવનનો સાક્ષાત્કાર થઈ રહ્યો હોય. આજના ભૌતિકવાદી સમયમાં, જ્યાં માનવી તણાવ અને અસંતોષ વચ્ચે જીવન જીવી રહ્યો છે ત્યાં આ પુસ્તક શાંતિ, સકારાત્મકતા અને માનવતાનો સંદેશ આપે છે. ખાસ કરીને યુવાનો માટે આ પુસ્તક જીવનમૂલ્યો અને સંસ્કારોને સમજાવતું પ્રેરણાસ્ત્રોત બની શકે છે. સામાન્ય રીતે આપણે સંતોના જીવનને માત્ર ચમત્કારો કે ભક્તિભાવ સાથે જોડીએ છીએ પરંતુ સ્વામી સચ્ચિદાનંદજીએ આ પુસ્તકમાં સંત પુનિત મહારાજના જીવનના 'સંઘર્ષ' પર ભાર મૂક્યો છે. એક સામાન્ય માનવી કેવી રીતે કઠિન પરિસ્થિતિઓનો સામનો કરીને 'સંત' પદ સુધી પહોંચે છે તેનું સચોટ વર્ણન અહીં જોવા મળે છે.
પુસ્તકમાં સંત પુનિત મહારાજના જીવનના તમામ તબક્કાઓને વિગતવાર અને હૃદયસ્પર્શી રીતે વર્ણવવામાં આવ્યા છે. સંત ‘પુનિત'નો જીવનસંઘર્ષ એક સામાન્ય પુસ્તક નથી - તે એક જીવંત પ્રાર્થના છે, જે વાચકને આત્માની શોધ અને સેવાના માર્ગે પ્રેરિત કરે છે. જે કોઈ પણ વ્યક્તિ ભક્તિ, સેવા અને સંઘર્ષની વાતોમાં રસ ધરાવે છે, તેના માટે આ પુસ્તક અમૂલ્ય છે. પુસ્તકમાં કોઇ અનુક્રમણિકા નથી માત્ર ૧ થી ૪૩ ભાગ સુધી ૩૩૨ પાનામાં સ્વામી સચ્ચિદાનંદજી દ્વારા સંત પુનિત મહારાજના જીવનના તમામ પાસાઓને આવરી લેવાનો સુંદર પ્રયાસ કરાયો છે. પુસ્તકમાં કોઇ તસવીરો નથી પણ દરેક શબ્દો અને પ્રસંગોની છબી વાંચકના હ્રદયમાં કોતરાય તેવો આ ગ્રંથ છે.
આ પુસ્તક ગુજરાતી સાહિત્ય અને અધ્યાત્મની દુનિયામાં એક તાજી, પ્રેરક અને હૃદયસ્પર્શી કૃતિ છે. સ્વામી સચ્ચિદાનંદ જેવા પ્રતિષ્ઠિત સંત, વેદાંતાચાર્ય અને અનુભવી લેખકના હાથે લખાયેલું આ જીવનચરિત્ર સંત પુનિત મહારાજના સંઘર્ષમય જીવનને આપણી સમક્ષ એવી સુંદર રીતે રજૂ કરે છે કે વાચકનું હૃદય ભક્તિરસથી ભીંજાઈ જાય છે. પુસ્તક તેમના સંઘર્ષને માત્ર ઘટનાઓ તરીકે નહીં પરંતુ ભક્તિના માર્ગે ચાલતા એક સામાન્ય માનવીની અસાધારણ યાત્રા તરીકે ચિત્રિત કરે છે. કેવી રીતે વિપત્તિઓ વચ્ચે પણ તેઓ રણછોડરાય (ડાકોર)ના પરમ ભક્ત બની ગયા, તેનું મનમોહક વર્ણન આ પુસ્તકમાં છે.
સ્વામીજીએ લખ્યું છે કે, સંત પુનિતજીના જીવનમાં આડંબરને જરાય સ્થાન નહોતું. તેમનાં વષો સાદાં હતાં, વાહનો અને આવાસ તથા ભોજન વગેરે તદ્દન સાદાં રહેતાં. આ રીતે આડંબરમુક્ત સાચું સંતજીવન તે જીવતા રહ્યા. પુસ્તકમાં સંત પુનિતજીના દાદા નારણદાસ વૃંદાવનદાસ ભટ્ટ અને તેમના પિતાજી ભાઇશંકરભાઇના સંઘર્ષથી વાતની શરૂઆત કરાઇ છે. ભાઇશંકરભાઇએ પ્રાણ છોડ્યા ત્યારે તેમની ઉંમર માત્ર ૧૯ વર્ષ હતી. ભાઇશંકરભાઇ અને તેમના પત્નિ લલિતાદેવીના પુત્ર બાલકૃષ્ણ જેને ‘બાલુ' કહીને સંબોધતા. પતિના અવસાન બાદ તેઓએ પુત્ર અને પરિવારના જીવનનિર્વાહની જવાબદારી ઉપાડી. માણસની સાચી કસોટી વિપત્તિના સમયે થાય છે. લલિતાદેવીએ પતિનો આશરો છૂટી ગયા પછી પણ પરમેશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખી હિમતથી જીવન જીવ્યું. ધાર્મિકતા વ્યક્તિને આપત્તિકાળમાં મોટી હિમત પૂરી પાડે છે. લલિતાદેવીનો પરિવાર શિવભક્ત હોવા છતાં, કૃષ્ણભક્ત પડોશીઓના પ્રભાવથી તેઓ પણ કૃષ્ણભક્ત બની ગયા. બાળકોને નાનપણથી જ મંદિર લઈ જઈને પગે લાગવાની અને ભક્તિ કરવાની ટેવ પાડવાથી તે સંસ્કારો દ્રઢ બને છે. બાલુને (બાળકૃષ્ણ) નાનપણથી જ રામનામની ધૂનમાં રસ જાગ્યો, જે તેના ભાવિ જીવનનો પાયો બન્યો. બાલુને કુદરતી રીતે જ ‘મધુર કંઠ' મળ્યો હતો, જે તેને અન્ય લોકોથી વિશેષ બનાવે છે. સાધનો (કરતાલ) ન હોવા છતાં, તેણે પથ્થર ઘસીને પોતાના સાધન બનાવ્યા, જે તેની ધગશ અને સર્જનાત્મકતા દર્શાવે છે.
આગળ સ્વામી સચ્ચીદાનંદજી લખે છે, વિધવાબાઈ દિવાળીબા જેવું એકાકી જીવન ખૂબ દુઃખદાયક હોય છે પરંતુ બાલુ (બાળકૃષ્ણ) જેવા સેવાભાવી બાળકોના સથવારે તેમનું જીવન સરળ બન્યું. ગરીબ હોવા છતાં બીજાની વસ્તુ ન લેવાના સંસ્કારો બાળકો માટે ખૂબ પ્રબળ હોય છે. બાલુએ જ્યારે પેંડો ખાવાની લાલચમાં પૈસાની ચોરી કરી ત્યારે તેને પસ્તાવો થયો અને તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી. બાળકના ઉછેર અને ઘડતરમાં માતાની જવાબદારી સર્વોપરી છે. લલિતાબાએ અત્યંત ગરીબીમાં પણ દળણાં દળીને અને પારકાં કપડાં ધોઈને પુત્ર બાલુનો ઉછેર કર્યો. સુખી-સંપન્ન વૈષ્ણવ મહોલ્લામાં રહેવા છતાં લલિતાબા જેવો ગરીબ બ્રાહ્મણ પરિવાર દરિદ્રતામાં જીવતો હતો. લોકો ઠાકોરજીને છપ્પન ભોગ ધરે છે પણ દરિદ્રનારાયણની સેવા કરવામાં ઉદાસીનતા દાખવે છે. જે વ્યક્તિ ઈશ્વરપરાયણ જીવન જીવે છે તેને સાધનોની ખોટ ક્યારેય રસ્તો રોકી શકતી નથી. સારો કે ખોટો સંપર્ક વ્યક્તિના ગુણદોષ નક્કી કરે છે.
બાલુને જ્યારે જીવલેણ શીતળા નીકળ્યા ત્યારે લલિતાબાએ હિમત હાર્યા વગર પ્રભુ પ્રાર્થના અને સેવા કરી. પોતે ગરીબ હોવા છતાં લલિતાબાએ મા વિનાના થોભણ નામના બાળકને પોતાના બાળકની જેમ ઉછેરવાની ઉદારતા બતાવી. ટુકડામાંથી પણ ભાગ આપવો એ જ સાચું ભજન છે. બાલુના વાળ કપાવવા માટે પૈસા ન હોવાથી લલિતાબાએ પાણી ભરવાનો ઘડો વેચીને પણ દીકરાની હઠ પૂરી કરી જેથી તે નિશાળે જઈ શકે. પુસ્તકમાં બાલુના મામાની મદદથી તેની જનોઈનો પ્રસંગ પાર પડ્યો તેનું પણ વર્ણન છે.
પુનિત મહારાજના પરિવારમાં મા-દીકરો બે રહ્યાં. આજીવિકા ચલાવવી કેવી રીતે? પેટ તો ભરવું. હવે પેટ જ ન ભરાતું હોય તો યશ અને કીર્તિની વાત કેવી રીતે કરવી? બ્રાહ્મણ હોવા છતાં લલિતાબા લોકોનાં વાસણ, પાણી, કપડાં ધોવા જેવાં કામ કરીને પોતાના બાળકનું પેટ ભરીને મોટો કરવાનો પ્રયત્ન કરતાં રહ્યાં. એ જમાનામાં કાલાં ફોલવાની એક રોજી હતી. લલિતાબહેન કાલાં ફોલવા જાય. હાથમાં અણીઓ વાગે એ બધી સ્થિતિમાંથી પાર પડતાં-પડતાં બાલુને પ્રાથમિક શાળામાં ભણાવવા લાગ્યાં. ત્યારે પ્રાથમિક શાળામાં સ્લેટ-પેન હતી. એક બાળકનો ધક્કો વાગતા સ્લેટ-પેન તૂટી જતા બાલુ તેનો સ્વિકાર કર્યો. બીજાનો દોષ પોતાના પર ઓઢી લેવો તેને સાચી ‘સંતવૃત્તિ' કહેવામાં આવી છે, જે બાલુએ પોતાની સ્લેટ બીજા બાળકને આપીને દર્શાવી હતી. બાલુએ પોતાની વિધવા માતાને અશુભ માનીને સંતાઈ જવાને બદલે તેને ગંગા સ્વરૂપ ગણાવી પગે લાગીને વરઘોડે બેસવાનો આગ્રહ રાખ્યો જે એક ક્રાંતિકારી સામાજિક સુધારો ગણાય છે. અત્યંત ગરીબીમાં પણ લલિતાબાએ લોકોના વાસણ માંજીને અને કપાસના કાલાં ફોલીને પુત્રને ભણાવ્યો. આગળ જતા બાલુએ પટ્ટાવાળાની નોકરી કરી અને પોતાની જિદગીની પ્રથમ કમાણી (૧૧ રૂપિયા) ઠાકોરજીને ધરીને ધાર્મિક સંસ્કારોનું પાલન કર્યું.
બાલકૃષ્ણ હવે મોટા થઈ ગયા હતા પટાવાળા ની નોકરીમાં તેમને પગાર બહુ ઓછો મળતો હતો. તેઓ ધંધુકામાં નોકરી કરતા હતા પણ ગરીબને લીધે તેઓએ અમદાવાદની વાત પકડી. નોકરી ન મળતા કાલુપુર સ્ટેશનને પહોંચી ગયા જ્યાં એક પોર્ટલ સાથે અથડાયા અને તેમને રેલ્વે સ્ટેશને લોકોના પોટલા ઉપાડવાનું કામ કરવાનો વિચાર આવ્યો. જોકે તેમાં અસફળ રહ્યા. એક સજ્જન વ્યક્તિ તેમને ફરી રેલ્વે સ્ટેશન લઈ ગયા અને લોકોને બીષાપોટલા ઉપાડવાની જવાબદારી શોપી એ દિવસે તેમને ચાર આના મળ્યા. પુનિત મહારાજના જીવન સંઘર્ષની કથાને કેન્દ્રમાં રાખીને સ્વામી સચ્ચિદાનંદજી લખે છે કે રેલવે સ્ટેશન ઉપર બાલકૃષ્ણને તેના નજીકના સગા મળ્યા અને બ્રાહ્મણ નો દીકરો થઈને આવું કામ કરતાં શરમ નથી આવતી તેમ કહી કામ છોડાવી દીધું. જીવનના ખરા અનુભવો ગરીબીમાં થતા હોય છે બાલકૃષ્ણને એક કાકા મળ્યા અને તેમણે એક વૈદરાજને ત્યાં વીસ રૂપિયાના પગારથી નોકરી અપાવી. સખત મહેનત થતા પગાર ન મળતા તેમણે નોકરી છોડી દીધી ફરી નોકરીની શોધમાં પગ ઘસવા માંડ્યા. એક દૈનિક સમાચારમાં જાહેર ખબર વાંચીને બાલકૃષ્ણ ગર્જના નામના દૈનિકમાં પહોંચ્યા જ્યાં તેમને ૨૮ રૂપિયાના પગારથી નોકરી મળી. આગળ જતા તેઓ ખબરપત્રી બન્યા પગાર પણ વધ્યો. બાલકૃષ્ણને ત્યાં કન્યા રત્નનો જન્મ પણ થયો. તેમનો પરિવાર અમદાવાદમાં જ સ્થાયી થયો. દાંડીકૂચ વિશે બાલકૃષ્ણએ એવી ખબર તૈયાર કરી હતી કે અંગ્રેજોએ આખું પ્રેસ વહેંચાવી નાખ્યું હતું. તેઓ ફરી બેકાર બન્યા જોકે એક મિત્રની મદદથી એક માસિક મેગેઝીનમાં તેમને નોકરી મળી ગઈ. અહીં તેઓ વ્યસની પણ બન્યા. નસીબના જોરે લોટરી પણ લાગી તેઓના ચડતીના દિવસો હતા. આગળ જતા પરિસ્થિતિ વિકટ બની દોઢ વર્ષ સુધી ફરી બેકારીએ તેમને ઘેરી લીધા. આગળજતા મિત્રની મદદથી ભજનનો રંગ લાગ્યો. તેમણે પોળે-પોળે પોતાના ભજન વ્યાખ્યાન શરૂ કર્યા. બાલકૃષ્ણે નક્કી કર્યું કે આપણે આખ્યાન કરવા જઈએ તેનો એક પૈસો પણ ચાર્જ રાખવો નહીં. આ નિર્ણય વિરલ નિર્ણય હતો. જ્યારે આખી દુનિયા પૈસાની પાછળ ગાંડી થઈને દોડી રહી હોય અને પૈસો મળવાની પૂરેપૂરી શક્યતા હોય તેમ છતાં એક પણ પૈસો લેવો નહીં તેવો નિર્ણય એ ખરેખર અદ્વુત કહેવાય. તેમના આવા નિર્ણયથી અને તેમનાં આખ્યાનો બધાં કરતાં વધુ રસપ્રદ હોવાથી આમંત્રણોનો ધોધ વરસવા લાગ્યો. તેમણે એક સુધારો કર્યો કે વ્યખ્યાન પૂર્ણ થયા પછી રણછોડરાયની આરતી કરવી પણ તે લોકોમાં ફેરવવી નહીં જેથી લોકો પાઇ પૈસો નાંખે નહીં. તેઓએ પોતાના આખ્યાનને પૈસા મુક્ત કર્યું તેનું પણ આ પુસ્તકમાં વર્ણન છે.
પુસ્તકના ૧૫ માં પ્રકરણમાં વર્ણન છે કે, પુનિત મહારાજ સાદું ધોતિયું અને સાદી બંડી પહેરીને વ્યાસપીઠ ઉપર બિરાજતા પણ હવે ચાતુર્માસ શરૂ થઈ રહ્યો હતો એટલે તેમણે નક્કી કર્યું કે આ ચાતુર્માસ આપણે સરયૂદાસજીના મંદિરમાં જ કરીએ. તેમની મંડળીએ વાતને સ્વીકાર કરી લીધી. બીજા દિવસથી ચાતુર્માસ શરૂ થતો હતો એટલે સવારે જ આખ્યાન કરવા પુનિત મહારાજ મંદિરે પહોંચી ગયા પણ કોઈ તેમને ઓળખી શક્યું નહીં. કારણ કે તેમણે પંચકેશનું મુંડન કરાવી નાંખ્યું હતું. મહારાજે કહ્યું કે આ ચાતુર્માસ સાધના કરવાનો મહિનો છે. સાધનામાં વૈરાગ્ય જોઈએ અને વૈરાગ્ય વિના રંગભરેલી વૃત્તિ હોય તો સાધના થઈ શકે નહીં એટલે રાગનું મૂળ આ વાળને ઊતરાવી દીધા છે. પુનિત મહારાજ બે પ્રકારનાં આખ્યાન કરે એક તો આપણા જૂના દેવદેવીઓનાં અને એક પોતાના સ્વયં રચેલાં. પરોઢિયે ઊઠી ભજન કરે, આખ્યાન બનાવે અને પહેલી બોણી સરયૂદાસના મંદિરમાં કરે.
સંત ‘પુનિત' નો જીવન સંઘર્ષ પુસ્તકમાં પુનિત મહારાજની મંડળીના પ્રવાસનું વર્ણન છે, પુનિત મહારાજની મંડળી ધંધુકા ગઇ જ્યાં પુનિત મહારાજના જેવા- તેવા જૂના ઘરમાં ધામા નાંખીને રહેવા લાગી અને શક્તિ પ્રમાણે પુનિત મહારાજે રસોઈ બનાવીને સૌને ખૂબ પ્રેમથી જમાડ્યા. રસોઈમાં બે પ્રકારના સ્વાદ હોય છે એક તો રસોઈનો પોતાનો સ્વાદ હોય છે અને બીજો રસોઈ જમાડનારના ભાવનો સ્વાદ હોય છે. કેટલીક વાર એવું બને કે રસોઈ બહુ સ્વાદિષ્ટ થઈ હોય પણ જમાડનારના ચહેરા ઉપર જરાય ભાવ ના દેખાય. તિરસ્કાર દેખાય. આવી રસોઈ સ્વમાની પુરુષને ગળે ઉતારવી બહુ કઠિન થઈ જાય. પુનિત મહારાજે ધંધુકાના દર્શનિય સ્થળો ફરીને બતાવ્યા. પુસ્તકમાં આગળના પ્રકરણમાં તૈયબજી શેઠને ત્યાં જે ઘટના બની તેનું અદભૂત વર્ણન કરાયું છે. પુનિત મહારાજ અહિ નોકરી કરતા હતા જ્યાં તેમની વફાદારી અને પવિત્રતા વહેલા મોડો રંગ લાવે છે તે સાબિત કરી બતાવ્યું તે આલેખાયું છે. એજ રીતે એક આખ્યાનમાં ઠંડીમાં શ્રોતાએ પુનિત મહારાજને શાલ ઓઢાડી અને પુનિત મહારાજે રાજીપો વ્યક્ત કરી પછી જે કાર્ય કર્યું તે ખરી તપસ્યા કહેવાય. સ્વામી સચ્ચિદાનંદજીએ ખુબ સુંદર રીતે આ પ્રસંગને વર્ણવ્યો છે. આજ રીતે ધોધમાર વરસાદમાં સમયસર પહોંચી મહારાજજીએ આખ્યાન શરૂ કર્યાનો પ્રસંગ, રામોલિયા ભક્તોને આખું મકાન લોકાર્પણ કર્યાનો પ્રસંગ, સંન્યાસની દીક્ષા લેવાનો પ્રસંગ, ઘર વિહોણા લોકોને રેશનકાર્ડની વ્યવસ્થા કરવાનું વર્ણન, ભાખરીદાન અને ધાબળાદાનની યોજના શરૂ કર્યાનું વર્ણન, ઇ.સ. ૧૯૪૭માં ભાગલા પછી જીવ બચાવી અમદાવાદ શહેરમાં આવેલા લોકોની દુર્દશા જોઇ પુનિત મહારાજે તેમને આશરો આપ્યો, ભોજન કરાવ્યું, નિરાશ્રીતો માટે વ્યવસ્થા કરી સહિત અનેક માનવતાવદી પ્રવૃતિઓ પુનિત મહારાજે શરૂ કરી. ભોજન, ભજન, ખાવું, ખવડાવવું, ઓઢવું-ઓઢાડવું, પહેરવું-પહેરાવવું આવી પ્રવૃતિથી તેમનું જીવન ધન્ય ધન્ય થવા લાગ્યું. જેનું વિગતવાર સુંદર વર્ણન આ પુસ્તકમાં વણી લેવાયું છે. તુકોબાની માફક સંત પુનિત પણ સંસ્કૃતના જ્ઞાતા ન હતા. તે આશુકવિ હતા અને તત્કાળ ભજનો રચી શક્તા હતા પણ માત્ર ગુજરાતીમાં જ તેમનું બધું સાહિત્ય રચાયેલું એટલે ગુજરાત સિવાય બીજા પ્રદેશોમાં તેમનો કોઈ પ્રચાર થઈ ના શક્યો. આવું લગભગ મોટા ભાગના બધા સંતો માટે કહી શકાય. કાશીથી પંડિતો આખ્યાન સાંભળવા આવેલા એટલે પંડિતો સામે આખ્યાન આપવાની પુનિત મહારાજ તૈયારી કરી રહ્યા હતા ત્યારે કાશીના પંડિતોએ તેમને કહ્યું કે અમે ગુજરાતી સમજતા નથી તેથી જો તમે હિન્દીમાં પ્રવચન આપો તો અમને આનંદ આવે પંડિતોની વાત સાંભળીને મહારાજ મુશ્કેલીમાં મુકાઈ ગયા. કારણ કે તેમનું આખું જીવન ગુજરાતમાં ગુજરાતી ભાષામાં વીત્યું હતું અને આ પ્રકાંડ પંડિતો આગળ હિન્દી ભાષામાં આખ્યાન આપવું કેવી રીતે? મહારાજ તો અસમંજસમાં પડી ગયા પણ તેમના હૃદયમાં પેલો રણછોડિયો હાજરા હજૂર હતો. આંખ મીંચીને તેમણે રણછોડરાયને યાદ કર્યા અને હિન્દીમાં પ્રવચન આપવાનું શરૂ કર્યું. લગભગ એક-દોઢ કલાક સુધી ધડધડાટ પ્રવચન આપતા રહ્યા. બધા સ્તબ્ધ થઈ ગયા કે આ કેવો ચમત્કાર કહેવાય કે જે ભાષા ઉપર પોતાની જરાય પકડ ન હોવા છતાં પણ મહારાજે કાશીના મોટા પંડિતો સામો ધડધડાટ દોઢ કલાક સુધી પ્રવચન કર્યું. પ્રતિભા અને કૃપા આ બંનેનું મિશ્રણ થાય તો ચમત્કાર સર્જાય. પુનિત મહારાજ જન્મજાત પ્રતિભાશાળી વ્યક્તિ હતા અને પાછળથી ભક્તિમાર્ગમાં એવા ઓતપ્રોત થયા કે ડગલે ને પગલે તેમના ઉપર રણછોડરાયની કૃપા ઊતરવા લાગી હતી. તેમના આખ્યાનથી વેપારીઓની ચિત્તવૃતિ બદલાઇ ગઇ તેનો પ્રસંગ પણ આ પુસ્તકમાં વર્ણવાયો છે. ઉપરાંત સંઘ યાત્રાઓનું વર્ણન પણ બખુબી કરાયું છે. પુસ્તકમાં આલેખાયું છે કે, પુનિત મહારાજ સિદ્ધિના પિરિયડમાં પ્રવેશી ચૂક્યા હતા. તેમણે નિષ્કામ ભાવથી અમદાવાદની પોળોમાં ફરી-ફરીને ખૂબ ભક્તિની ગંગા રેલાવી હતી. અને હવે તો દૂર-દૂરનાં ગામોમાં પણ ભક્તિભાવ જગાડવા માટે પ્રવાસ કરતા હતા. એટલે તેમને આપોઆપ સત્કર્મ તરફ વળવાની પ્રેરણા મળતી હતી. તેઓએ નેત્રયજ્ઞનો પ્રારંભ કરાવી અનેક દર્દીઓ માટે ભજનમાંથી સત્કર્મની નદી વહેવડાવી હતી. પુનિત મહારાજે બ્રાહ્મણ બટુકોનું સામુહિક યજ્ઞોપવીત કાર્ય કરાવીને સમાજસેવાનું ઉદાહરણ પુરૂ પાડેલું તેનું પણ પુસ્તક સુંદર વર્ણન છે. સંત પુનિત મહારાજ પાસે એક બહુ મોટી મુડી હતી અને તે હતી રાજા રણછોડરાય ભગવાનની. તેમનું જીવન ઇશ્વરના ભરોસે ચાલતું. સ્વામીજીએ કપડવંજમાં ચતુર્માસમાં થયેલા એક પ્રસંગનું વર્ણન કર્યું છે. તો દરિદ્રનારાયણનું પેટ ઠાર્યું, ડાકોરની ચોરાસી ના પ્રસંગોનો ઉલ્લેખ કરાયો છે. કોઇએ મહારાજને પૂછેલું કે તમે મોટા મોટા સત્કર્મો કરો છો તેમાં લાખો રૂપિયા અને સીધું-સામગ્રી ક્યાંથી આવે છે? સંત પુનિત મહારાજે જવાબ આપેલો કે એ તો મારો બાપ રણછોડિયો આપોઆપ મોકલાવે છે. મારી મૂડી માત્ર ને માત્ર રણછોડ છે. પુસ્તકમાં મહારાજશ્રી આફ્રિકા ગયા અને આખ્યાન કર્યા તેનું પ્રસંગોચિત વર્ણન, વન પ્રવેશ બાદ નર્મદા કિનારે મોટી કોરલમાં આશ્રમ સ્થાપવાનો નિર્ણય, ગાયત્રી પુરヘરણ કરવું, ફરી મણીનગર આવી ભાડાના ઘરમાં રહેવું, ‘જનકલ્યાણ' માસિકમાં તંત્રી સહિત અનેક પ્રસંગોને વણીલેવાયા છે. વડોદરામાં આખ્યાન આપતા મંચ ઉપરજ મહારાજ ઢળી પડ્યા. અંતમાં કહી શકાય કે સંત ‘પુનિત'નો જીવનસંઘર્ષ માત્ર એક પુસ્તક નહીં પરંતુ આધ્યાત્મિકતા, સેવા અને સદાચારનો જીવંત દસ્તાવેજ છે૭ જે દરેક વાચકને જીવનમાં કંઈક સારો વિચાર અપાવી જાય છે. જય રણછોડરાય... જય સંત પુનિત મહારાજ...
(સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક સંત ‘પુનિત’ નો
જીવનસંઘર્ષ માંથી સાભાર)
પુનિત મહારાજ વિચારતંદ્રામાં લીન હતા
અને આંખમાં જળજાળિયાં આવી રહ્યાં હતાં..
પુનિત મહારાજે ઉપરાઉપરી બે વાર ડાકોરની યાત્રા કરાવી. કારણ કે તે સમયે લોકોની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. એટલે થોડાક પૈસામાં યાત્રા થાય તો લોકોને પોષાય. પણ આ યાત્રા કર્યા પછી લોકોને વધુ ને વધુ યાત્રા કરવાનો ચસકો લાગ્યો. હવે લોકોને ખાસ કરીને મંડળીના માણસોને દ્વારકાની યાત્રા કરવાની ઇચ્છા થઈ. દ્વારકા ડાકોર જેટલું નજીક ન હતું એટલે ટ્રેનનો સ્પેશિયલ ડબ્બો કરવો અને તેમાં બધા યાત્રાળુઓને લઈને દ્વારકા જવું સાથેસાથે સૌરાષ્ટ્રનાં મહત્ત્વનાં યાત્રા કેન્દ્રોને સમાવી લેવાં એવી યોજના કરવામાં આવી. પણ પુનિત મહારાજને થયું કે માત્ર એક ડબ્બો જ પર્યાપ્ત નહિ રહે માટે આપણે આખી ટ્રેન જ નક્કી કરીને સૌરાષ્ટ્રનું ભ્રમણ કરીએ. બધાને આ વાત ગમી ગઈ અને જોતજોતામાં યાત્રાળુઓની સંખ્યા પૂરી થઈ ગઈ. એક યાત્રીના સો રૂપિયા લેવા એમાં એક ટંક ભોજન અને ચા-નાસ્તાનો સમાવેશ થતો હતો. લગભગ પોણા બસો યાત્રાળુઓ નોંધાઈ ગયા. ત્યારે સૌથી પહેલાં પુનિત મહારાજે જેને વહીવટ સોંપ્યો હતો તેના હાથમાં અઢીસો રૂપિયા મૂકતાં કહ્યું કે આ અમારી અઢી ટિકિટના રૂપિયા પહેલાં લઈ લો. પેલા ભાઈને નવાઈ લાગી કે આ શાના આપો છો. ત્યારે મહારાજે કહ્યું કે હું, મારી પત્ની અને બાળક એમ અઢી માણસના અઢીસો રૂપિયા પહેલા લઈ લો. મહારાજનો નિયમ હતો કે જ્યારે-જ્યારે આવી યાત્રા કરવા નીકળે ત્યારે સૌથી પહેલાં પોતાનો ચાર્જ આપી દેતા. અમદાવાદના સ્ટેશને નિર્ધારિત સમયે બધાં યાત્રાળુઓ આવી ગયાં અને પોતપોતાના ડબ્બામાં ગોઠવાઈ ગયાં. પણ ક્યાંય પુનિત મહારાજ દેખાતા ન હતા. બધા વિચારમાં પડયા ? મહારાજ ક્યાં ગયા? મહારાજ વિના ટ્રેન ઉપાડાય નહિ. એટલે બધા મહારાજને શોધવા લાગ્યા. મહારાજના સેક્રેટરી ચંદુભાઈ પણ દોડાદોડ કરવા લાગ્યા. એટલામાં તેમની નજર એક ખૂણામાં એકાંતમાં બેઠેલા મહારાજ દેખાયા. મહારાજ વિચારતંદ્રામાં લીન હતા અને આંખમાં જળજાળિયાં આવી રહ્યાં હતાં ચંદુભાઈએ પૂછ્યું કે મહારાજ ટ્રેન ઊપડવાનો સમય થઈ ગયો છે અને તમે અહીં બેઠાં-બેઠાં શું કરો છો? ત્યારે મહારાજે કહ્યું કે હું આ કાલુપુરના રેલવેસ્ટેશનના પ્લેટફોર્મને જોઈ રહ્યો છું. વર્ષો પહેલાં ઘણા સમય સુધી આ પ્લેટફોર્મ ઉપર મેં મુસાફરોનાં પોટલાં ઉપાડેલાં અને તે પોટલાં ઉપાડવાની મજૂરીમાંથી મારા પરિવારનું ભરણપોષણ કરેલ તે દિવસો યાદ આવી ગયા. આ પ્લેટફોર્મ તે સમયે મારા જેવા દુખિયારા માણસનું અન્નદાતા બનેલું અને આ પ્લેટફોર્મના બાંકડા ઉપર જ મેં પહેરેલે કપડે કેટલીય રાતો વિતાવેલી. તે બધું યાદ આવી ગયું. અને હવે આજે ભગવાને મને ક્યાંથી ઉપાડીને કયાં મૂકી દીધો છે. આજે આખી ટ્રેનને યાત્રા કરાવવાનું સામર્થ્ય મને આપ્યું છે. વ્યક્તિ જ્યારે કંગાળ સ્થિતિમાંથી બહુ સમર્થ સ્થિતિમાં જાય ત્યારે તેણે પોતાની જૂની સ્થિતિ ભૂલવી જોઈએ નહિ. પછી તો મહારાજને ઉઠાડીને ટ્રેનમાં લાવ્યા. લોકોએ હારતોરાનો ઢગલો કરી દીધો. ગાડી ઊપડી અને પછી જુદાં-જુદાં તીર્થો કરતાં-કરતાં દ્વારકાધીશનાં દર્શન કરીને ટ્રેન પાછી અમદાવાદ આવી ગઈ. શરૂઆતમાં યાત્રી દીઠ સો-સો રૂપિયા લીધેલા પણ ખર્ચ કાઢતાં રૂપિયા ચાલીસ બચેલા એટલે જેવા યાત્રાળુ સ્ટેશન ઉપર ઊતરે કે તરત જ તેના હાથમાં વધેલા ચાલીસ રૂપિયા આપી દીધા. આ રીતે માત્ર સાઠ રૂપિયામાં જ મહારાજે પૂરા સૌરાષ્ટ્રની યાત્રા લોકોને કરાવી.
આ રીતે લાગ્યો બાલકૃષ્ણને ભજનનો રંગ...
એક વાર એવું બન્યું કે સાંજના સમયે ખાડિયાની એક હોટેલમાં બાલકૃષ્ણ ચા પીવા બેઠા હતા, ત્યાં કાલુપુર નાયકની પોળમાં રહેતા કેશવલાલ રણછોડલાલ દૂધિયા પણ આવી પહોંચ્યા. કેશવલાલ ભજનાનંદી જીવ હતો. પૂર્વ કહ્યું તેમ દરેક માણસની એક લીટી ખેંચાયેલી હોય છે. કેશવલાલની પણ ભજનની લીટી ખેંચાયેલી હતી એટલે તે રોજ જ્યાં કોઈ જગ્યાએ ભજન થતાં હોય ત્યાં પહોંચી જાય. ભજન વિના તેમને ચેન પડે નહીં. બંને હોટેલમાં આજુબાજુમાં બેઠા હતા અને બાલકૃષ્ણને કેશવલાલનો રંગ લાગવા માંડ્યો. કેશવલાલના આગ્રહથી બાલકૃષ્ણે પણ તેમની સાથે ભજનમાં રસ લેવા માંડ્યા. ત્યાં બેઠાં-બેઠાં જ બાલકૃષ્ણે પોતાનું બનાવેલું નવું ભજન ગાઈ સંભળાવ્યું. ભજન પાણીદાર હતું અને ગાવાની હલક પણ તેવી જ હતી તેથી કેશવલાલને બહુ ગમી ગયું. કેશવલાલે કહ્યું, કે આજે રાત્રે છોટાલાલ ભગતના ભજનમાં મારે જવાનું છે તો તમે પણ મારી સાથે આવો. ઘીકાંટામાં ભૂદર ભગતને ત્યાં છોટાલાલ ભગતનાં ભજન રાખેલ છે. આવું આમંત્રણ સ્વીકારીને બાલકૃષ્ણ રાજી-રાજી થઈ ગયા. કારણ કે હવે તેમની લાઇન બદલાઈ ગઈ હતી. હોટેલમાંથી બંને જણા ઊપડ્યા અને છોટાલાલ ભગતનાં જ્યાં ભજન થતાં હતાં ત્યાં પહોંચી ગયા. છોટાલાલ જાતે દરજી હતા અને બહુ ઓછું ભણેલા હતા પણ એમને ભજનની રમઝટ બોલાવવાની એવી કુદરતી આવડત હતી કે જેમ મદારીની મોરલી ઉપર નાગ ડોલી ઊઠે તેમ છોટા ભગતનાં ભજન હોય ત્યાં શ્રોતાઓ ડોલી ઊઠતા. આવી શક્તિ બધામાં હોતી નથી. બાલકૃષ્ણને પણ છોટા ભગતમાં જબરું આકર્ષણ લાગ્યું. હવે તો તે રોજ જ્યાં ભજન હોય ત્યાં પહોંચી જ જાય. આ રીતે બાલકૃષ્ણના જીવનની દિશા બદલાઈ ગઈ. અમદાવાદમાં જુદા-જુદા વોર્ડમાં અને પોળોમાં તે સમયે નાનાં-મોટાં ભજન મંડળો ભજન કરતાં જ હોય. કેટલીક વાર વક્તાને આવતાં વાર લાગે તો લોકો બાલકૃષ્ણ પાસે ભજન ગવડાવે. એટલું જ નહીં પણ કેટલીક વાર તો તેમને વ્યાસપીઠ ઉપર બેસાડીને ભજન ગવડાવે. આ રીતે ધીરે-ધીરે બાલકૃષ્ણની રંગત જામવા લાગી અને તેમનું એક નાનું સરખું મિત્રમંડળ પણ બની ગયું.
બાલકૃષ્ણમાંથી આ રીતે બન્યા પુનિત મહારાજ..
એક વાર કૃષ્ણ ભજનમંડળનો કાર્યક્રમ અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી કોટડીની પોળમાં યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં તે સમયના બહુ પ્રસિદ્ધ આખ્યાનકાર રાધેશ્યામ પધારવાના હતા. આખ્યાનકારોની પણ કક્ષાઓ હોય છે. રાધેશ્યામ મહારાજનું નામ સાંભળીને પોળના માણસો ચિક્કાર ભરાઈ ગયા હતા. બાલકૃષ્ણને પણ આ કાર્યક્રમમાં આવવાનું હતું. બાલકૃષ્ણ વહોરાજીની પેઢીમાં રાતના આઠ વાગ્યા સુધી નોકરી બજાવતા અને પછી ચોપડા અને તિજોરીની ચાવીઓ પેઢીના ભાગીદારને સોંપીને મારતી સાઇકલે કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. નવ વાગી ચૂક્યા હતા. રાધેશ્યામ મહારાજ વ્યાસપીઠ ઉપર બેસી ગયા હતા. અંબાલાલ ભગતે ગણપતિની સ્તુતિની વંદના કરી. બાલકૃષ્ણ આવીને ચૂપચાપ મહારાજને વંદન કરીને શ્રોતાઓની વચ્ચે બેસવા પાછા ફર્યા ત્યાં તો રાધેશ્યામ મહારાજ પાટ ઉપરથી ઊભા થઈ ગયા અને ઝડપથી ચાલીને બાલકૃષ્ણનો હાથ પકડી લીધો અને કહ્યું કે હવે તમારાથી શ્રોતાઓની સાથે નીચે બેસાય નહીં. તમે મારી જોડે પાટ ઉપર બેસો. આ રીતે રાધેશ્યામ મહારાજે આગ્રહ કરીને બાલકૃષ્ણને પોતાની જોડે પાટ ઉપર બેસાડી દીધા. કોઈના સંતપણાને માપવું હોય તો આ રીતે પણ માપી શકાય કે તે પોતે બીજાને કેટલું સન્માન આપે છે. માનથી દૂર ભાગે અને સામે ચાલીને માન આપે તે સંત કહેવાય. રાધેશ્યામ મહારાજે તે વખતે સભા વચ્ચે જાહેરાત કરી કે હવેથી બાલકૃષ્ણ નહીં પણ ‘પુનિત' નામથી ઉદ્વોધન કરવું. ત્યારથી બાલકૃષ્ણનું તખલ્લુસ પુનિત બની ગયું. હવે આપણે પણ બાલકૃષ્ણને પુનિત નામથી ઉદ્વોધિત કરીશું. આખ્યાન ખૂબ જામ્યું અને છેવટે લોકોએ રણછોડરાયની જય બોલાવીને પુનિત મહારાજની પણ જય બોલાવી દીધી. આ રીતે બાલકૃષ્ણ પુનિત મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા.
ઇ.સ. ૧૯૪૪ ના ભયંકર દુષ્કાળમાં પુનિત મહારાજે ગૌમાતા માટે ટહેલ નાંખી અને...
બન્યું એવું કે તે સમયે એટલે કે ૧૯૪૪માં ભયંકર દુકાળ પડ્યો. વરસાદ વરસ્યો જ નહીં. ત્યારે આજની માફક નદીઓ ઉપર ડેમ કે નહેરો કે ટ્યૂબવેલ જેવી સગવડ ન હતી તેથી લોકો માત્ર ને માત્ર વરસાદી પાણી ઉપર જ જીવન જીવતાં હતાં. આવી પરિસ્થિતિમાં હજારો માણસો ભૂખ્યાંતરસ્યાં તડપી-તડપીને મરી જતાં. ૧૯૪૪ના ભયંકર દુકાળમાં ચારે તરફ હાહાકાર થવા લાગ્યો. પુનિત મહારાજ જ્યારે-જ્યારે આખ્યાન કરવા અથવા નોકરી ઉપર હાજર થવા સાઇકલ ઉપર નીકળે ત્યારે આવી છૂટી મૂકી દીધેલી હાડપિજર જેવી ગાયોને જોઈને હૃદય કકળી ઊઠે. પુનિત મહારાજે આખ્યાન કર્યું અને પછી છેવટમાં કહ્યું, કે હે ભાઈઓ! આટલાં વર્ષોથી હું આખ્યાન કરું છું પણ કદી કોઈની પાસે મેં એક પૈસો પણ માગ્યો નથી. મારો અને મારા પરિવારનો યોગક્ષેમ ભગવાન કરે છે. હું નોકરી કરું છું અને મારા પગારમાંથી કરકસર કરીને મારી માતા પરિવાર ચલાવે છે. પણ હવે આજે મારે તમારી આગળ હાથ લાંબો કરવો પડે છે તે મારા માટે નહીં પણ આપણી માતા-ગૌમાતા માટે ઘાસચારો લાવવા હું તમારા સૌની આગળ હાથ જોડીને કરગરીને વિનંતી કરું છું કે સૌ કોઈ પોતપોતાની શક્તિ પ્રમાણે દાન આપો અને આપણે આ મરવા પડેલી ગાયોને જીવતદાન આપીએ. મહારાજે ટહેલ કરી અને જોતજોતામાં લોકોએ ધનનો ઢગલો કરી દીધો. પુનિત મહારાજે જ્યારે લોકો આગળ વાત મૂકી અને એ વાત લોકોના ગળે ઊતરી ગઈ એટલે તરત જ ધનની આવક થવા લાગી. પુનિત મહારાજના રંગે રંગાયેલા કેટલાય કાર્યકર્તાઓ તૈયાર થઈ ગયા. તેમણે કહ્યું કે મહારાજ તમે જે કહેશો તે સેવા કરવા અમે તૈયાર છીએ. જોતજોતામાં યોગ્ય માણસો આગળ આવ્યા. જ્યાંથી શક્ય હતું ત્યાંથી ઘાસ ખરીદાયું અને ઘાસચારો લઈને કાર્યકર્તાઓ જ્યાં ભૂખી ગાયો હતી ત્યાં પહોંચી ગયા અને તેમને નીરવીને ધન્ય-ધન્ય થવા લાગ્યા.
મંગળવાર તા.૧૯ના રોજ રાજકોટમાં ઉજવાશેઃ સંત પુનિત મહારાજનો ૧૧૮મો જન્મોત્સવ
સેવા અને સ્મરણ બે જગમાં કરવાના છે કામ
સેવા તો જનસેવા કરવી, લેવું પ્રભુનું નામ
શ્રી પુનિત સદગુરૂ ભજન મંડળ દ્વારા તા. ૧૯ ને મંગળવારે રાત્રે ૯.૩૦ થી ૧૨ દરમિયાન શ્રી કાંતિભાઇ જીવણલાલ નથવાણી ગાયત્રી કૃપા, સુભાષ નગર શેરી નં.૩, રાતિયા હનુમાનજી મંદિર પાસે, રૈયા રોડ ખાતે ધુન ભજન તથા સંત પુનિતજીની ચરણ પાદુકાનું પૂજન કરાશે. ભાવિક સભ્યોને સમયસર પધારવા અનુરોધ કરાયો છે. સંત પુનિત મહારાજનો જન્મોત્સવ તા.૧૯ મે મંગળવારના રોજ રાજકોટમાં ઉજવાશે. તેમનો જન્મ જુનાગઢમાં પણ મૂળ વતન ધંધુકામાં હતું. પિતા ભાઈશંકર અને માતા લલીતાબાના ધર્મ સંસ્કાર મળ્યા હતા. બાલ્યવસ્થા ધંધુકામાં વીત્યુ. પિતાની છત્રછાયા બાલ્યા, વસ્થામાં છીનવાઈ ગઈ. અમદાવાદ આવ્યા. ખુબ જ સંઘર્ષભરી જિંદગીની યાત્રા વિતાવનારા બાલકૃષ્ણ ભજનો થકી ‘પુનિત' બન્યા. સંત પુનિતજીએ પોતાના ભજનો દ્વારા, ભક્તિની ગંગા, ઠેર ઠેર પહોંચાડી ભજન મંડળ સ્થાપ્યું. ભાખરી દાન જેવી પ્રવૃત્તિ કરી. યાત્રા ધામ ડાકોરમાં પગપાળા સંઘ લઈ જવાની પ્રવૃત્તિ સંત શ્રી પુનિતજીએ પ્રથમ શરૂ કરેલી તેમને રાજા રણછોડ પ્રત્યે અપાર શ્રધ્ધા હતી. ગુજરાતના એક જ એવા પ્રવિત્ર સંત છે જેમની છબી આજે ડાકોરના મંદિરમાં મુકાયેલી છે. નિઃસ્વાર્થ સેવા તેમનો જીવન મંત્ર હતો.
‘‘પુનિત રામાયણ'' ગ્રંથની તેમની રચના લોકપ્રિય આજે બની છે. જય રણછોડ-જય રણછોડનો નાદ તેમણે ગુજરાતમાં ગુંજતો કર્યો હતો. તેમને મણીનગરના શેઠ શ્રી ગોરધનદાસ ગમોલીયા એ રહેઠાણ માટે જગ્યા (પ્લોટ) ભૂમિ આપી હતી તેને સમાજની સેવા માટે દાનમાં આપી હતી આજે ગુજરાતનો દિવ્ય ભક્તિ માટેનો આશ્રમ પુનિત આશ્રમ ત્યાં બન્યો છે. ૧૯૫૦માં જનકલ્યાણ માસિકની સ્થાપના કરી આજે ગુજરાતનું શ્રેષ્ઠ ધાર્મિક માસિક તરીકે લોક ચાહના મેળવી રહ્યું છે. જીવન ભર એક પવિત્ર સંસારી સાધુ રહી ગૃહસ્થાશ્રમ સાથે પ્રભુના રંગે રંગાઈ અનેક ભજનો ગુજરાતને આપ્યા છે. પુષ્ટિ માર્ગના પવિત્ર તીર્થ ચમ્પારણ્ય માં પણ તેઓ આવ્યા હતા. ૫૪ વર્ષની નાની વયે તેઓ નશ્વર છોડી હું તો જઉ છું મારે ગામ સૌને ‘પુનિત' ના છેલ્લા રામ રામ બોલતા બોલતાં વૈકુંઠમાં ગયા.
ગુજરાતને આવા પવિત્ર સંતની આજે ભારે ખોટ છે. આવા પવિત્ર સંતને વંદન!
મુદ્રકઃ ભગવતી ઓફસેટ
સી/૧૪, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦૦૪ (મો.૯૮૨૫૩૨૬૨૦૨)
E-mail: [email protected]
ટાઈપસેટિંગઃ શારદા મુદ્રણાલય
૨૦૧, તિલકરાજ', પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ ૩૮૦૦૦૬ E-mail: sharda.mudranalay
@gmail.com
પુસ્તક સંત ‘પુનિત'નો જીવન સંઘર્ષ
લેખકઃ સ્વામી સચ્ચિદાનંદ (પદ્મભૂષણ) પ્રથમ આવૃત્તિઃ ૨૦૨૬
પાનાઃ 12+332
કિમતઃ રૂ.૪૦૦
નકલઃ ૪૦૦૦
પુસ્તક લખવામાં મહત્વનો ભાગ ભજવનાર હર્ષદભાઇ રમણભાઇ સુથારને અર્પણ
પ્રકાશકઃ ગૂર્જર પ્રકાશન
ઉલ્લાસ મનુભાઈ શાહઃ ૨૦૨, તિલકરાજ, પંચવટી પહેલી લેન, અમદાવાદ-૬ (મો.૯૨૨૭૦ ૫૫૭૭૭, ૯૬૬૨૨૭૫૭૭૭)
E-mail: [email protected]/Website: www.gurjarbooks.com
(2:42 PM IST)










