તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
સગીરા ગૂમ થઇઃ ફોન કરીને માતાને કહ્યું-મને ગોતતા નહિ, માતાજીના સમ!
બહેનપણીની ઘરેથી ચપ્પલ લઇ આવું કહીને નીકળ્યા પછી ગાયબ આજીડેમ પોલીસે પંદર વર્ષની બાળાના પિતાની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૮: શહેરમાંથી વધુ એક સગીર વયની કિશોરી ગુમ થવાની ઘટના બની છે. પોલીસે નિયમ અનુસાર અપહરણનો ગુનો નોંધ્યો છે. આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવાનની ૧૫ વર્ષ ૯ મહિનાની વયની દિકરી ગૂમ થઇ જતાં શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં અપહરણનો ગુનો નોંધાયો છે. બીજી તરફ આ ગૂમ થયેલી બાળાએ ઘરે ફોન કરી મને ગોતતા નહિ તમને માતાજીના સમ છે...તેમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો.
આ બનાવમાં આજીડેમ પોલીસે રિક્ષાચાલક યુવાનની ફરિયાદ પરથી તેની સગીર દિકરીના અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવેલી વિગતો અનુસાર, ગત તા. ૦૭/૦૯ ના રોજ સવારે ફરિયાદી પોતાની રિક્ષામાં ભાડું લઈને નિકાવા ગામ તરફ ગયા હતા. બપોરના આશરે ત્રણેક વાગ્યાના સુમારે તેમના પત્નિએ ફોન કરીને જાણ કરી હતી દિકરી બપોરે અઢી વાગ્યાના અરસામાં ઘરની સામે રહેતી પોતાની બહેનપણીના ઘરે ચંપલ પડ્યા છે તે લેવા જાવ છું તેમ કહીને ઘરેથી નીકળી હતી. ત્યારબાદ તે પરત ન આવતા આજુબાજુમાં તથા બહેનપણીના ઘરે તપાસ કરવા છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નથી.
પત્નિનો આ ફોન આવતાં તેઓ ઘરે પહોંચ્યા હતાં. બાદમાં પરિવારજનો અને સગા-સંબંધીઓ દ્વારા બાળકીની સઘન શોધખોળ ચાલુ હતી તે દરમિયાન તા. ૦૮/૦૯ની રાત્રે સવા એક વાગ્યાના સુમારે એક અજાણ્યા નંબર પરથી ફરિયાદીના પત્નિને ફોન આવ્યો હતો. ફોન પર તેની દિકરીએ ટૂંકી વાતચીતમાં જણાવ્યું હતું કે હું બોલું છું, મને ગોતતા નહીં, તમને માતાજીના સમ છે. આટલું કહીને તેણે તુરંત જ ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ પરત એ જ અજાણ્યા નંબર પર ફોન કરીને પુછપરછ કરવામાં આવતા સામેથી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તે સુરત બસ સ્ટેન્ડ પાસે આવેલી એક હોટેલમાંથી બોલે છે. આ કિશોરી ત્યાં આવી હતી અને પરિવારજનોને ફોન કરવા માટે મોબાઈલ માંગતા તેને ફોન આપ્યો હતો, અને વાત કરીને તે ત્યાંથી જતી રહી હતી. આ જાણકારી મળતા જ પરિવારે સુરતમાં રહેતા સગા-સંબંધીઓને પણ જાણ કરી તપાસ કરાવી હતી, પરંતુ તેણીનો કોઇ પત્તો ન મળતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી છે. ગુમ થનાર સગીરા શરીરે પાતળા બાંધાની છે અને સાડા ચાર ફૂટ ઊંચાઈ ધરાવે છે. ઘરેથી નીકળી ત્યારે કાળા રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. તેણીને કોઇ લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયાનો ગુનો નોંધી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. જાડેજાએ તપાસ શરૂ કરી છે.
(2:47 PM IST)










