<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

સાધુ વાસવાણી રોડ પરથી શ્રોફના બે ધંધાર્થીને ઉઠાવી કચેરીએ લઇ જઇ લાખોનો કડદો કરાયો?

બેંકમાંથી નીકળ્‍યા ત્‍યાં જ કાર લઇને અગાઉથી ઉભેલા બે ખાખી કર્મીએ બંનેને બેસાડી દીધા?: કચેરીમાં જીએસટી-ઇન્‍કમટેક્‍સના અધિકારીનો સ્‍વાંગ આ બ્રાંચના ખાખીઓએ જ રચ્‍યો અને ડરાવી ધમકાવી અગીયાર પેટી જેવી રકમ કટકટાવી જવા દેવાયાના આક્ષેપો : નનામી અરજીમાં મહત્‍વની બ્રાંચના અધિકારી સામે ખળભળાટ મચાવતાં આક્ષેપોઃ શ્રોફના ધંધાર્થીઓ લખે છે-અમારું જીવવું હરામ થઇ ગયું છે, ત્રણ કર્મચારીઓ ખાલી અમારી પાછળ જ પડયા છેઃ પહેલી તારીખના સાધુ વાસવાણી રોડની બેંકના કેમેરા ચેક કરાવવા પણ નનામી અરજીમાં માંગણીઃ જીએસટી-ઇન્‍કમટેક્‍સનો ગુનો હોય તો પોલીસ એમને શું કામ બોલાવતી નથી?: ઉચ્‍ચ અધિકારીઓએ તપાસ કરાવવી જરૂરી

રાજકોટ તા. ૧૧: શહેરમાં જેમનું કામ ગુનાખોરી અટકાવવાનું છે અને પ્રજાના જાનમાલના રક્ષણ કરવાની જવાબદારી છે, આ તમામ કામગીરી તો પોલીસ સુપેરે નિભાવી રહી છે તેમાં કોઇ શંકાને સ્‍થાન નથી. પરંતુ ક્‍યારેક ક્‍યારેક કેટલાક તત્‍વો ન કરવાના કામ પણ કરી નાંખતી હોય છે. આવી કામગીરી ખુબ જ શાણપણથી અને ખાનગીમાં કરવામાં આવી હોઇ કાનોકાન કોઇને ખબર પણ પડતી હોતી નથી. જે તે ભોગ બનનાર પણ ક્‍યાંક ને ક્‍યાંક પોતે ખોટુ કરી રહ્યા છે તેનો અણસાર હોઇ પતાવટનો રસ્‍તો અપનાવી લેતાં હોય છે. આ વચ્‍ચે એક નનામી અરજી કે જે રાજકોટ શહેરના શ્રોફના વેપારી-ધંધાર્થીઓના નામે કરવામાં આવી છે તેમાં ખળભળાટ મચાવતાં આક્ષેપો થયા છે. તેમાં આજીજી કરવામાં આવી છે કે-ખાસ બ્રાંચના સ્‍ટાફથી અમને બચાવો, આ બ્રાંચના સાહેબે અમારું જીવવું હરામ કરી દીધુ છે!

આ નનામી અરજીમાં આક્ષેપો સાથે લખવામાં આવ્‍યું છે કે અમે રાજકોટના ભોગ બનેલા શ્રોફના ધંધાર્થીઓ છીએ, અમારો ધંધો કાયદેસરનો હોયછે, છતાં થોડુ ઘણું આડુ અવળું કરવું પડે એ મજબુરી હોય છે. નહિતર અમે દેણામાં આવી જઇએ. અમારી અરજ છે કે અમને ખાખી તંત્રની ખાસ એક અલગ બ્રાંચ છે તે ધંધો કરવા જ દેતાં નથી, અમને આતંકવાદીની જેમ ઉપાડી લ્‍યે છે. બેંકમાંથી રોકડ લઇને નીકળતાં જ અમને ઉપાડીને આ બ્રાંચની કચેરીએ લઇ જવામાં આવે છે. આ બ્રાંચના સાહેબે ખાસ ત્રણ માણસો શ્રોફના ધંધાર્થીઓ પાછળ જ રાખેલા છે. ગમે ત્‍યારે ધંધાર્થીઓને ઉઠાવી લે છે અને લાખો પડાવીને જવા દે છે.

અરજદાર રાજકોટ શહેરના શ્રોફના વેપારી ધંધાર્થીઓના નામનો ઉલ્લેખ કરી આ અરજીમાં આગળ જે ત્રણ પોલીસ કર્મચારીઓ આ કામ કરે છે તેના નામ પણ અપાયા છે. આગળ કહેવાયું છે કે આવા દાખલા અનેક છે, હમણાં પહેલી તારીખે સાધુ વાસવાણી રોડ આસપાસની મનાતી બેંકમાંથી બે ધંધાર્થી રૂપિયા લઇને નીકળ્‍યા ત્‍યાં જ બેયને બહાર ઉપેલા બે જણાએ ઇનોવામાં નાંખી લીધા હતાં. પછી સીધા ઓફિસે લઇ ગયા હતાં. ત્‍યાં આ બંનેના નામ અમને જાણવા મળ્‍યા હતાં.

આ બંને શ્રોફના ધંધાર્થીઓએ બેંકમાંથી પંદરેક લાખ ઉપાડયા હતાં તેમ ચર્ચા છે. આ મુદ્દે તેની ઉલટ સુલટ પુછપરછ કરી, પછી કીધું કે જીએસટી અને ઇન્‍કમટેક્‍સવાળા આવી ગયા છે. ત્‍યાર પછી ઇન્‍કમટેક્‍સ, જીએસટીવાળા હોવાનું કહેવાતાં બે જણાને પોલીસે મોકલ્‍યા અને એમણે પણ દમદાટી મારી. છેલ્લે અગીયાર લાખનો કડદો કર્યો. આ પછી વેપારીઓને ખબર પડી હતી કે આ કોઇ જીએસટી, ઇન્‍કમટેક્‍સના અધિકારીઓ નહોતા પણ ખાની માણસો જ હતાં. તેવું પણ આ નનામી અરજીમાં છે.

આ લોકો કેસ કરવાના નામે તોડ જ કરે છે. જે કામ જીએસટી ઇન્‍કમટેક્‍સનું હોય તે આ બ્રાંચવાળા કરે છે અને તોડ કરે છે. જો ખરેખર ઇન્‍કટેક્‍સ, જીએસટીનો ગુનો હોય તો તેને કેમ બોલાવતાં નથી? આ બ્રાંચ તોડજોડ બ્રાંચ છે. અંતમાં અરજીમાં લખવામાં આવ્‍યું છે કે પહેલી જુલાઇએ સાધુ વાસવાણી રોડની બેંક ખુલી એ સાથેના જ સીસીટીવી કેમેરા જોવડાવો તો બધી ખબર પડી જશે. અમને ન્‍યાય મળશે  તેવો વિશ્વાસ છે. તેમ વધુમાં અંતમાં આ શ્રોફના વેપારીઓના નામે થયેલી અરજીમાં જણાવાયું છે. જો અરજીમાં થયેલા આક્ષેપોમાં તથ્‍ય હોય તો ઉચ્‍ચ અધિકારીઓએ તપાસ કરવી જરૂરી છે. આવી નનામી અરજી અંગે ઉચ્‍ચ કક્ષાએથી નિષ્‍પક્ષ તપાસ થાય તો જ આવી અરજીની સત્‍યતા, અસત્‍યતા બહાર આવશે તેવી ચર્ચા છે.

સામાન્‍ય રીતે ખાખી તંત્ર કે અન્‍ય આવી ધરખમ સંસ્‍થાઓ વિરૂધ્‍ધ ગમે તેવો અન્‍યાય થતો હોય તો પણ અવાજ ઉઠાવવાનું અશક્‍ય બની ગયું છે ત્‍યારે લોકો નનામી અરજીનો સહારો લઇ ન્‍યાયની આશા રાખતા હોય છે. ગુજરાતના ગૃહમંત્રી આવી બાબતો સત્‍વરે ધ્‍યાને લેતાં હોય છે. ત્‍યારે સહુ કોઇ સત્‍ય બહાર આવે તેમ ઇચ્‍છતા હોય છે.

(3:14 PM IST)