News of Tuesday, 6th October 2026
રાજકોટ લોહાણા સમાજના અગ્રણી હીરાભાઇ માણેકનું દુઃખદ અવસાન
એક ડઝનથી વધુ સંસ્થાઓ સાથે સેવાકીય કાર્યો થકી સંકળાયેલ મુઠ્ઠી ઉંચેરા માનવી અને : રાજકોટ લોહાણા મહાજનનું બંધારણ બનાવવામાં પણ સ્વ.હીરાભાઇનો સિંહફાળો હતો : સ્વ. હીરાભાઇની સ્મશાનયાત્રામાં વિવિધ સંસ્થાઓના હોદેદારો સામાજીક અગ્રણીઓ જોડાયાઃ સામાજીક-સેવાકીય ક્ષેત્રે ખાલીપો સર્જાયોઃ તમામ લૌકીક ક્રિયા બંધ રાખેલ છે

આર.સી.સી. બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયાએ સ્વ. હીરાભાઇ માણેકના નશ્વરદેહને ભારે હૃદયે અગ્નિદાહ આપ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા. ૬: છેલ્લા પાંચ દશકાથી વધુ સમયથી સામાજીક-સેવાકીય પ્રવૃતિઓ થકી રાજકોટની એક ડઝનથી પણ વધુ સંસ્થાઓ સાથે સંકળાયેલ મુઠ્ઠી ઉંચેરા માનવી અને રાજકોટ લોહાણા સમાજના અગ્રણી શ્રી હીરાભાઇ ચુનીલાલભાઇ માણેક (ઉ.વ. ૮૬)નું આજરોજ સવારે દુઃખદ અવસાન થયેલ છે. સ્વ. હીરાભાઇ માણેકની તબિયત છેલ્લા પાંચ-છ દિવસથી નરમ-ગરમ ચાલી રહી હતી. સ્વ. હીરાભાઇ માણેકની વિદાયથી રાજકોટના સામાજીક-સેવાકીય ક્ષેત્રે એક જાતનો ખાલીપો સર્જાયો હોવાનું વિવિધ સામાજીક સંસ્થાઓ અનુભવી રહી છે. સ્વ. હીરાભાઇ માણેકની સ્મશાનયાત્રા તેઓના આલ્ફ્રેડ હાઇસ્કુલ સામે આવેલ રાજકોટ ખાતેના નિવાસ સ્થાનેથી નિકળી હતી. જેમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, આરસીસી બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, અકિલાના સિનિયર પત્રકાર શ્રી જગદીશભાઇ ગણાત્રા, રઘુવંશી અગ્રણી શ્રી રામભાઇ બરછા, રઘુવંશી અગ્રણીઓ શ્રી નરેન્દ્રભાઇ નથવાણી, વિનુભાઇ બરછા, લોહાણા યુવક મંડળના ભુપેન્દ્રભાઇ કોટક સહિત વિવિધ સંસ્થાઓના હોદેદારો અને સામાજીક અગ્રણીઓ જોડાયા હતા.
વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' નું બંધારણ બનાવવામાં પણ કોર કમિટિ મેમ્બર તરીકે સ્વ. હીરાભાઇ માણેકનો સિંહફાળો રહયો હતો. ઉપરાંત સ્વ. હીરાભાઇ માણેકે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે, કાઠીયાવાડ બાલાશ્રમમાં સેક્રેટરી તરીકે, જીઆઇડીસીમાં ડાયરેકટર, લોહાણા બોર્ડીંગના પ્રમુખ, રાજકોટ ટ્રાફીક એડવાઇઝરી કમિટિ, સંગીત નાટય એકેડમીમાં ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રોડકટીવીટી કાઉન્સિલમાં સભ્ય સહિત વિવિધ સામાજીક સેવાકીય સંસ્થાઓમાં નિર્ણાયક અને સક્રીય ભૂમિકા ભજવી હતી. નિષ્ઠાવાન-પ્રામાણિક હોદેદાર-અગ્રણી તરીકે સ્વ. હીરાભાઇ માણેકે સંબંધિત સતાધીશો સમક્ષ સમાજના વિવિધ પ્રશ્રોની યોગ્ય રીતે રજુઆત કરી ઉત્કૃષ્ટ સામાજીક સેવાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું. ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સ્વ. ચીમનભાઇ પટેલે પણ સ્વ. હીરાભાઇ માણેકને જીઆઇડીસીમાં મહત્વની જવાબદારી સોંપી હતી જે તેઓએ સુપેરે પાર પાડી હતી.
બેસણું-પ્રાર્થનાસભા સહિત તમામ લૌકીક ક્રિયા બંધ રાખેલ હોવાનું સ્વ. હીરાભાઇ માણેકના પરિવારજનોએ જણાવ્યું હતું.(૬
(2:56 PM IST)










